શનિવાર, 26 જાન્યુઆરી, 2019

રેલવેતંત્ર દ્વારા ગુજરાતમાં પ્રથમ બાળ સંરક્ષણ ગૃહ અમદાવાદમાં શરૂ કરાયું

 

- રેલવે સ્ટેશન પરથી મળતા બાળકોને આશરો અપાશે

- દેશમાં આવા 6 શેલ્ટર હોમ શરૂ કરાયા છે, બાળકોને રહેવા સહિતની સુવિધા અપાશે

 
ટ્રેનો અને રેલવે સ્ટેશનોમાંથી મળી આવતા નિરાધાર બાળકોને આશ્રય આપી તેનું જતન કરવા માટે સાબરમતી રેલવે કોલોની ખાતે બાળ સંરક્ષણ ગૃહનું નિર્માણ કરાયું છે. જેમાં એકસામટા ૨૫ બાળકોના રહેવા, જમવા , સારવાર સહિતની સુવિધાઓ મળી રહેશે. દેશભરમાં રેલવેમાં આવા ફક્ત ૬ શેલ્ટર હોમ છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌપ્રથમ આવું બાળ સંરક્ષણ ગૃહ બનાવાયું છે.
ભારતીય રેલવે અને જેએસી સોસાયટીના સહયોગથી સરસપુર રેલવે કોલોની ખાતે બનાવાયેલા બાળ સંરક્ષણ ગૃહનું ગઇકાલે ઉદઘાટન કરાયું હતું. આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ બાળ સંરક્ષણ ગૃહની સાથે ચાઇલ્ડ હેલ્પ લાઇન ડેસ્કની પણ શરૂઆત કરાઇ છે.
જેમાં રેલવે સ્ટેશન તેમજ પ્લેટફોર્મ પરથી મળતા બાળકોને ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ની મદદથી અહીંયા લવાશે. જ્યાં તેમને સુરક્ષાની સાથે રહેવા, જમવા સહિતની સુવિધાઓ પુરી પડાશે.
રેલવે દ્વારા પ્રાયોગીક ધોરણે દેશમાં આવા બાળ સરંક્ષણ ગૃહ દિલ્હી, જયપુર, દાણાપુર, સમસ્તીપુર ખાતે શરૂ કરાયા છે. હવે ગુજરાતમાં અમદાવાદ ખાતે આવા શેલ્ટર હોમ શરૂ કરાયા છે. માનવતાના ધોરણે બાળકોની સુરક્ષા અને તેમના ભવિષ્યની ચિંતાને લઇને આ માનવતાલક્ષી પગલુ ભરાયું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો