શનિવાર, 16 ડિસેમ્બર, 2017

 

- 16 ડિસેમ્બરને મનાવાય છે વિજય દિવસ તરીકે

- આજના દિવસે જ 1971માં ભારતે પાકિસ્તાનને યુદ્ધના મેદાનમાં ધૂળ ચાંટતું કર્યુ હતુ


ભારતીય સેનાના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે સમ્માન મેળવનાર અરૂણ ખેત્રપાલ 


સમગ્ર દેશમાં 16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવ છે. આજના દિવસે જ 1971માં ભારતે પાકિસ્તાનને યુદ્ધના મેદાનમાં ધૂળ ચાંટતું કરી દીધું હતું. આ યુદ્ઘમાં અપ્રતિમ શૌર્ય દાખવનાર સેકન્ટ લેફ્ટનેન્ટ અરુણ ખેત્રપાલ એ સમયે માત્ર 21 વર્ષના હતા અને તેમણે યુદ્ધમાં એકલા હાથે 10 દુશ્મન ટેંકના ખાત્મો બોલાવી પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. આ માટે તેમને મરણોપરાંત પરમવીર ચક્ર એનાયત કરાયું હતું.

ભારતીય સેનાના ઈતિહાસમાં હજુ સુધી આટલની નાની ઉંમરે કોઈને આ સમ્માન નથી મળ્યું. મૂળ દિલ્હીના અરુણ ખેત્રપાલ ઇન્ડિયન મિલિટરી એકેડમી(IMA)માંથી પાસ થઈને બહાર નીકળ્યા કે તરત જ 1971નું યુદ્ધ શરુ થઈ ગયું. તેમણે સામેથી પોતાના અધિકારીઓ પાસે યુદ્ધ મોરચે જવા માગણી કરી હતી. અરુણનું પોસ્ટિંગ સ્ક્વોડ્રન 17 પુનાહોર્સમાં કરવામાં આવ્યું હતું. આ ટુકડીને પંજાબ-જમ્મૂના સેક્ટર શકરગઢમાં તહેનાત કરાઈ હતી. 16 ડિસેમ્બરના દિવસે જ અહીં પાકિસ્તાની સેનાએ ટેંક રેજિમેન્ટ સાથે હુમલો કરી દીધો. પરંતુ અર્જુને એકલા હાથે પાકિસ્તાની સેનાની આગેવાની કરતી 10 જેટલી ટેંકનો ભિષણ યુદ્ધમાં ખાત્મો બોલાવી પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી હતી.

અપ્રતીમ શૌર્ય અને સાહસ દર્શાવતા અરુણે આ યુદ્ધમાં શહીદી વહોરી હતી. યુદ્ધ દરમિયાન તેમની ટેન્કમાં પણ આગ લાગી હતી પરંતુ છેવટ સુધી લડાતા રહ્યા અને દુશ્મનોનો દાંત ખાટા કરી નાખ્યા. 1971ના યુદ્ધમાં વિજય માટે ઉજવામાં આવાતા 16 ડિસેમ્બરના દિવસે અરુણની શહીદીને યાદ ન કરીએ તો 1971ના યુદ્ધની વાત અધૂરી રહે છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે અરુણના પિતા બ્રિગેડિયર એમ.એલ. ખેત્રપાલ પણ આ જ યુદ્ધમાં અલગ મોરચે પાકિસ્તાન સામે લડી રહ્યા હતા.

16 ડિસેમ્બર 1971ના રોજ રેડિયો દ્વારા પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતના વિજયની જાહેરાત થઈ ત્યારે સમગ્ર દેશની સાથે ખેત્રપાલ પરીવાર પણ ખુશી મનાવતો હતો પરંતુ ત્યારે જ તેમને સમાચાર મળ્યા કે તેમનો વહાલસોયો પુત્ર અરુણ હવે ક્યારેય ઘરે પરત નહીં ફરે. યુદ્ધના કેટલાક વર્ષો બાદ ભારત-પાકિસ્તાનના સૈન્ય દ્વારા મૈત્રાચાર નિમિત્તે અરુણના પિતા બ્રિગેડિયર ખેત્રપાલ કેટલાક સૈન્ય અધિકારીઓ સાથે પાકિસ્તાન ગયા હતા. જ્યાં તેમને પાકિસ્તાની સેનાના બ્રિગેડિયર મોહમ્મદ નાસિર મળ્યા હતા. તેમણે સામે ચાલીને બ્રિગેડિયર ખેત્રપાલને કહ્યું કે અરુણ એક ચિત્તાની જેમ યુદ્ધના મેદાનમાં લડ્યો હતો.અમે તેની બહાદુરીને સલામ કરીએ છીએ. બ્રિગેડિયર નાસિર યુદ્ધ દરમિયાન અરુણ વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા હતા.