શુક્રવાર, 19 જાન્યુઆરી, 2018

ICC એવોર્ડ્ઝમાં કોહલી છવાયો: વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર અને વન ડે પ્લેયર જાહેર


- કોહલી ICCની વન ડે અને ટેસ્ટ ટીમોનો કેપ્ટન: ચહલને ટી-૨૦ના બેસ્ટ પર્ફોમન્સનો એવોર્ડ: સ્મિથ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર: પાકિસ્તાનનો હસન અલી બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા એક વર્ષમાં રનના ઢગલા ખડકનારો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આઇસીસીએ જાહેર કરેલા વર્ષ ૨૦૧૬-૧૭ના એવોર્ડમાં છવાઈ ગયો હતો. કોહલીને વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટરને એનાયત કરવામાં આવતી સર ગારફિલ્ડ ટ્રોફી (ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ) અને વન ડે ક્રિકેટર ઓફ ધ યરની ટ્રોફીના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઇસીસીની ટેસ્ટ અને વન ડે ટીમ ઓફ ધ યરનું સુકાન કોહલીને જ સોંપવામાં આવ્યું હતુ, જે ભારતીય ક્રિકેટ માટે અને કેપ્ટન કોહલી માટે વિશેષ ગૌરવરૃપ બની રહ્યું હતુ. નોંધપાત્ર છે કે, કોહલી વર્ષ ૨૦૧૨માં પણ વન ડે પ્લેયર ઓફ ધ યર જાહેર થયો હતો. કોહલી ઉપરાંત ભારતના યઝવેન્દ્ર ચહલને બેસ્ટ ટી-૨૦ પર્ફોમન્સ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવશે.  જ્યારે આઇસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં કેપ્ટન તરીકે કોહલીની સાથે ભારતના આધારભૂત મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને  સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું હતુ. જ્યારે વન ડે ટીમમાં પણ કેપ્ટન કોહલી ઉપરાંત મુંબઈના ઈનફોર્મ બેટ્સમેન રોહિત શર્મા અને ગુજરાતના મીડિયમ પેસર જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  આઇસીસીએ ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૧૬ થી લઈને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ સુધીના રેકોર્ડને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ્ઝની જાહેરાત કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે પાકિસ્તાનનો હસન અલી ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર અને અફઘાનિસ્તાનનો રશિદ ખાન એસોસિએટ્ ક્રિકેટર ઓફ ધ યર બન્યો હતો. સાઉથ આફ્રિકાના મારાઈસ ઇરાસ્મુસને બેસ્ટ અમ્પાયર જાહેર કરવામાં આવ્યા હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો