બુધવાર, 17 જાન્યુઆરી, 2018

ઈઝરાયેલના વડાપ્રધાને દરિયાઈ પાણીને મીઠું બનાવતી કાર ભેટ આપી



- આ બોટ બનાસકાંઠાના નડાબેટ ખાતે રાખવામાં આવશે

- સરહદે જવાનોને પહોંચાડાશે ખાસ મીઠુ પાણી

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભારતના છ દિવસીય પ્રવાસે છે ત્યારે તેમણે ભારતને દરિયાના ખારા પાણીમાંથી મીઠુ પાણી બનાવતી કાર ભેટ આપી છે.

ઇઝરાયેલની 'પાણીદાર' ભેટ સમી દરિયાઈ પાણીને મીઠું બનાવતી કારથી સરહદે જવાનોને પીવા માટે મીઠું પાણી પહોંચાડવામાં આવશે. આ કાર બનાસકાંઠાના નડાબેટમાં રાખવામાં આવશે. આ માટે ખાસ ઈઝરાયેલથી એન્જિનિયર્સની ટીમ આવી છે.



ભલે પધાર્યા:ઈઝરાયેલના વડાપ્રધાન સાથે ભારતના વડાપ્રધાનનો આજે રોડ શો


-સાબરકાંઠાના વદરાડમાં વેજીટેબલ કેન્દ્રમાં પણ જશે

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ આવતીકાલે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી અમદાવાદ તેમની સાથે આવશે. બન્ને વડાપ્રધાનોનું એરપોર્ટથી લઇને ગાંધી આશ્રમ સુધીનાં યોજાનારા રોડ શોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

બન્ને નેતાઓ ખુલ્લી જીપમાં જશે. તેમજ રસ્તા પર ઊભેલા લોકોનું અભિવાદન કરશે. બન્ને મહાનુભાવોનો ભવ્ય રોડ શો યોજાય તે માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્રએ પૂરી કરી લીધી છે. નવ કીલોમીટરનાં લાંબા રૃટ પર રોડની બન્ને બાજુએ ૫૦ જેટલા સ્ટેજો ઊભા કરાયા છે. જેમાં ભાતીગળ વસ્ત્રોમાં જૂદા જૂદા રાજ્યોના લોકો લોકનૃત્ય - સંગીત પીરસશે. રોડની બન્ને બાજુ લોકો ઊભા રહીને રોડ શોને નિહાળી શકશે.

વડાપ્રધાનોનો કાફલો આશ્રમ રોડ પરનાં ગાંધી આશ્રમે પહોંચ્યા બાદ ત્યાં લગભગ ૨૦ મિનિટનનું રોકાણ કરશે. બન્ને નેતાઓ હૃદયકુંજની મુલાકાત લઇને રેંટીયો પણ કાંતશે. ત્યાર બાદ એરપોર્ટ પરત ફરશે. એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા બાવળા ખાતેના આઈ-ક્રીએટ સેન્ટર ખાતે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે પહોંચશે.

આ સંસ્થાના ત્રણ બિલ્ડિંગનું ઉદઘાટન કરીને ઉપસ્થિત યુવાનો - સાહસિકોને સંબોધન પણ કરશે. સ્ટાર્ટ અપ પોલીસી હેઠળ જૂદા જૂદા ૪૦થી વધુ પ્રોજેક્ટસનાં સ્ટોલની તેઓ મુલાકાત પણ લેશે. અંતે ગુજરાતનાં ટોચનાં ઉદ્યોગપતિઓ સાથે બપોરનું ભોજન કરશે. અત્રે નોંધનીય છે કે, મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આઈ-ક્રીએટ સંસ્થાની સ્થાપના કરી હતી.

આ કાર્યક્રમ પતાવ્યા બાદ હેલીકોપ્ટર દ્વારા જ બન્ને વડાપ્રધાનો સાબરકાંઠાના વદરાડ ખાતેના સેન્ટર ઓફ એક્સેલન્સ વેજીટેબલ ખાતેની મુલાકાત માટે નીકળી જશે. આ કેન્દ્ર બન્ને દેશના કૃષિ ક્ષેત્રનાં પરસ્પર સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.


નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત ખાતા દ્વારા રૃા. ૧૨ કરોડનાં ખર્ચે બનેલા રાજ્યનાં આ સૌ પ્રથમ સેન્ટર ઓફ એક્સલેન્સ વેજીટેબલ ૨૦૦ ચોરસમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ કેન્દ્રમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ૫૦ લાખ ધરૃનું નિદર્શન કરાય છે. જે ધરુ પ્રતિકૂળ વાતાવરણમાં ટકીને કિટકો - જંતુ સામે પ્રતિરોધક શક્તિ પણ ધરાવે છે. ભવિષ્યમાં અહીં મધમાખી ઉછેર અને સેન્દ્રીય પાકોનું નિદર્શન કરાશે. અત્રે નોંધનીય છે કે ગુજરાતનું આ એક માત્ર સેન્ટર છે જ્યાં એક જ સ્થળ ઉપર આશરે ૨ હેકટર વિસ્તારમાં જૂદા જૂદા પ્રકારનાં ૨૦ જેટલા રક્ષિત ખેતીનાં સ્ટ્રકચર આવેલા છે. બન્ને વડાપ્રધાનો સેન્ટર ખાતે કાયમી સ્મૃતિરૃપ એવા સ્તંભને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે તેઓ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ પણ કરશે.