દાંડીમાં
ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યાને આજે 88 વર્ષ થશે પૂર્ણ
- મીઠાની વેચાણ કિંમત પર લદાયો હતો 2400 ટકા વેરો
- અંગ્રેજ સરકારે મીઠાવાળી જગ્યાએ કાદવ મીઠુ એક કરી દીધુ હતું
પરંતુ એક
સ્થાનિક કાર્યકર મીઠા પર પાંદડા રાખીને ઢાંકી રાખેલુ મીઠુ બતાવ્યું તેમાંથી
ગાંધીજીએ ચપટી મીઠુ ઉપાડયું હતું.
મીઠાની વેચાણ કિંમત પર ૨૪૦૦ ટકા વેરો લદાઈ
જતા ગાંધીજીએ દાંડીયાત્રા યોજી હતી. અને ૬ એપ્રિલ ૧૯૩૦ના દાંડી પહોંચી મીઠાના
કાયદાનો ભંગ કર્યો હતો. તેને ૬ એપ્રિલના ૮૮ વર્ષ પૂર્ણ થાય છે. અંગ્રેજ
સરકારે મીઠાવાળી જગ્યાએ કાદવ મીઠુ એક કરી દીધુ હતું. જેથી ગાંધીજી મીઠુ ઉપાડી ન
શક્યાં પરંતુ એક કાર્યકરે પાંદડાથી ઢાંકેલુ મીઠુ માથે ચપટી ભરી ગાંધીજીએ મીઠાના
કાયદાનો ભંગ કર્યો હતો.
અંગ્રેજ શાસન દરમ્યાન રોજીંદી
જરૃરિયાત એવા મીઠા પર અસહ્ય વેરો લદાયો હતો. સરકારી પ્રકાશન મુજબ ૧ બંગાળી મણ
મીઠાનો ભાવ ૧૦ પાઈનો પડતો અને તેના પર ૨૦ આના ૨૪૦ પાઈ વેરો લદાયો હતો. એટલે વેંચાણ
કિંમત પર ૨૪૦૦ ટકા વેરો થયો હતો. તે સમયે ભારતની માથાદીઠ આવક એક
આનો સાત પાઈ હતી.
૧૯૨૫-૨૬ના વર્ષમાં સરકારી વાર્ષિક
આવકના ૧૯.૭ ટકા આવક મીઠાના કરમાંથી થઈ હતી. ગરીબ તવંગર સહિત દેશના તમામ લોકોને
સીધી રીતે સ્પર્શતા આ મુદ્દા માટે ગાંધીજીએ નમક સત્યાગ્રહ કરવા એલાન કર્યું અને ૧૨
માર્ચ ૧૯૩૦ના ૭૮ સૈનિકો સાથે દાંડી યાત્રા શરૃ કરી હતી. જેમાં ૧૬ થી ૬૧ વર્ષની
વયના સૈનિકો હતા.
તે સમયે ગાંધીજીની વય ૬૧ વર્ષ હતી
અને તેઓ સૌથી મોટી વયના સૈનિક હતા. ૨૪ દિવસમાં ૨૪૧ માઈલનું અંતર કાપી ૫ એપ્રિલ
૧૯૩૦ના આ યાત્રા દાંડી પહોંચી હતી. જ્યાં વહેલી સવારે ગાંધીજી સહિતના સૈનિકોે
સમુહસ્નાન કર્યું હતું. અંગ્રેજ શાસકોએ મીઠાવાળી જગ્યાએ કાદવ તથા મીઠુ એક કરી દીધા
હતા. પરંતુ એક સ્થાનિક કાર્યકરે મીઠા પર પાંદડા રાખી ઢાંકી દીધુ હતું. તે બતાવતા
ગાંધીજીએ તેમાંથી ચપટી ભરી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.
અને ગાંધીજીએ બ્રિટીશ સામ્રાજ્યની
ઈમારતના આ પાયામાં હું આથી લુણો લગાવું છું. એવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. દાંડી
યાત્રા વિશે અભ્યાસ કરનાર જૂનાગઢના અરૃણ ચૌહાણ અને નરસિંહ ભાઈ ખેરે જણાવ્યું હતું
કે, ગાંધીજી
સોમવારે મૌન પાળતા હતા. દાંડીયાત્રા દરમ્યાન ત્રણ સોમવાર આવ્યા હતા. આ ત્રણ
સોમવારને બાદ કરતા ૨૪ દિવસમાં સરેરાશ ૧૦.૫ માઈલની યાત્રા થઈ હતી.