Thursday, 24 May 2018

નીપા વાયરસને પગલે ગુજરાતમાં એલર્ટ હોસ્પિટલોમાં તબીબોને સૂચના અપાઇ

Image result for nipah virus

- રાજ્યમાં નીપા વાયરસ ન પ્રવેશે તે માટે કવાયત શરુ

- રાજ્ય પશુપાલન,આરોગ્ય વિભાગને સતર્ક કરાયું ચામાચીડિયાની વસાહતો પર પશુપાલન વિભાગની નજર

કેરળમાં નિપા વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસે નવેક લોકોનો ભોગ લીધો છે ત્યારે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. રાજ્યમાં નીપા વાયરસ ન પ્રવેશે તે માટે અગમચેતીના ભાગરુપે પગલાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

કેરળના કોઝીકેડમાં નીપા વાયરસે દેખા દીધી છે. ૨૫ લોકોને તેનો ચેપ પણ લાગ્યો છે તે સંજોગોમાં આ વાયરસ ગુજરાતમાં પ્રવેશે નહીં તે માટે રાજ્ય આરોગ્ય વિભાગે આગોતરા પગલા લેવાનુ શરુ કર્યુ છે. આરોગ્ય વિભાગના અધિકારીક સૂત્રોના મતે, સરકારી હોસ્પિટલોમાં તબીબોને નીપા વાયરસના લક્ષણો હોય તો દર્દીને કેવી સારવાર આપવી તેના માર્ગદર્શન સાથે સતર્ક રહેવા સૂચના આપી દેવાઇ છે. આ ઉપરાંત નીપા વાયરસના લક્ષણો દેખાય તો,દર્દીને તાકીદની સારવાર આપવા પણ જણાવી દેવાયુ છે.

ચામાચિડીયા અને ભૂંડમાંથી માનવીમાં નીપા વાયરસ પ્રસરે છે પરિણામે રાજ્યના પશુપાલન વિભાગના અધિકારીઓને પણ આ મામલે સતર્ક કરી ખાસ તકેદારી રાખવા સૂચનાઓ આપી દેવાઇ છે.જયાં ચામાચિડીયાની વસાહતો છે ત્યાં પશુપાલન વિભાગના અધિકારીઓ નજર રાખી રહ્યા છે.અમદાવાદમાં ગુજરાત કોલેજ,કાંકરિયા,કાલુપુર અને શાહીબાગ સહિતના અન્ય વિસ્તારોમાં ચામાચિડિયાની વસાહતો આવેલી છે.


આ વસાહતો નીપા વાયરસને ફેલાવવાનુ એપી સેન્ટર બની શકે છે. શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી વસાહતો વધુ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ કહી રહ્યાં છેકે, અત્યારે ગુજરાતમાં કોઇ ચિંતાનુ કારણ નથી આમ છતાંય તકેદારીના પગલાં લેવા જરુરી છે.


રોગોની સારવારની સુવિધામાં ભારત વિશ્વના ૧૯૫ દેશોમાં ૧૪૫માં ક્રમે

- ૨૦૧૬ના લેન્સેટના રિપોર્ટે સરકારના દાવાની પોલ ખોલી

- ભારત કરતા ચીન, ભુતાન, શ્રીલંકામાં સ્વાસ્થ્ય સંબંધી વધુ સારી સુવિધાઓ

- ભારતમાં અન્ય રાજ્યો કરતા કેરળ અને ગોવામાં સ્વાસ્થ્યની સૌથી વધુ સારી સુવિધાઓ : રિપોર્ટમાં દાવો

ભારતમા સ્વાસ્થ્યની સુવિધામાં સુધારાની માત્ર વાતો જ કરવામાં આવે છે. જ્યારે ગ્રાઉન્ડ લેવલે વાસ્તવીક્તા કઇ ક જુદી જ છે. લેન્સેટ દ્વારા જારી એક સંશોધન અનુસાર ભારત સ્વાસ્થ્ય સેવામાં પોતાના પાડોશી દેશો જેમ કે ભુતાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ચીન કરતા પણ પાછળ છે. ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝ સ્ટડીમાં આ રિપોર્ટ સામે આવ્યો છે. મોદી સરકાર સ્વાસ્થ્ય સેવામાં સુધારા થયાનો દાવો કરી રહી છે જ્યારે બીજીબાજુ આ સ્ટડી જુદો જ રિપોર્ટ આપી રહી છે. જોકે ૧૯૯૦ની ભારતની જે સ્થિતિ હતી તેના કરતા હાલ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.

સ્વાસ્થ્ય સેવાની ગુણવત્તામાં ભારત વિશ્વના ૧૯૫ દેશોમાં ૧૪૫માં ક્રમે છે. ભારતના રાજ્યોમાં પણ સ્વાસ્થ્યની સુવિધા કેવી છે તેને લઇને પણ આ રિપોર્ટમાં દાવા કરવામાં આવ્યા છે. જે મુજબ ગોવા અને કેરળમાં સ્વાસ્થ્ય સેવા અન્ય રાજ્યો કરતા વધુ સારી છે. અને તેને સૌથી વધુ સ્કોર પણ મળ્યો છે. ૬૦ પોઇન્ટ સાથે આ બન્ને રાજ્યો આગળ છે જ્યારે બીજી તરફ આસામ, ઉત્તર પ્રદેશને માત્ર ૪૦ પોઇન્ટ જ મળ્યા છે કેમ કે આ રાજ્યોમાં સ્વાસ્થ્ય સુવિધા અતી નબળી છે.

એશિયાના દેશોમાં ભારતને સ્વાસ્થ્ય સુવિધામાં ૪૧.૨ પોઇન્ટ જ મળ્યા છે. જ્યારે ક્રમની દ્રષ્ટીએ તે ૧૪૫માં ક્રમે છે અને ચીન ૪૮, શ્રીલંકા ૭૧, બાંગ્લાદેશ ૧૩૩ અને ભુતાન ૧૩૪માં ક્રમે છે. એટલે કે આ દેશો ભારત કરતા સારી સ્વાસ્થ્ય સુવિધા આપે છે. જોકે પાકિસ્તાન કરતા ભારતની સ્થિતિ સારી છે.

વિશ્વના જે પાંચ દેશોમાં સ્વાસ્થ્ય સુવિધા સારી છે તેમાં આઇસલેન્ડ (૯૭ પોઇન્ટ), નોર્વે (૯૬ પોઇન્ટ), નેધર્લેન્ડ (૯૬ પોઇન્ટ), લક્ઝેમ્બર્ગ (૯૬ પોઇન્ટ) અને ફિનલેન્ડ તેમજ ઓસ્ટ્રેલિયાને ૯૫ પોઇન્ટ મળ્યા છે. ભારતમાં ટીબી, હાર્ટની બિમારીઓ, કેન્સર, કિડનીની બિમારીઓ, સ્ટ્રોક વગેરેની સારવારની સુવિધાઓ બહુ જ નબળી છે. આ રિપોર્ટ ૨૦૧૬ની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.ગુજરાતી ભાષાના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટનું નિધન


- છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બીમાર હતા

- નિર્દોષ અને નિર્ડંખ હાસ્ય માટે પ્રસિદ્ધ હતા

ગુજરાતી ભષાના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટનું આજે સવારે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. તેમના નિધનથી કદી ન પૂરાય એવી ખોટ હાસ્ય સાહિત્યને પડી હતી.

વ્યવસાયે સેલ્સ ટેક્સ કન્સલ્ટન્ટ એવા વિનોદભાઇ છેલ્લાં પંચાવન સાઠ વર્ષથી સતત હાસ્યલેખક તરીકે પ્રસિદ્ધ હતા અને એમના હાસ્યલેખોનું વૈવિધ્ય જબરદસ્ત હતું. એ પોલિટિશ્યનો, ક્રિકેટર્સ, ફિલ્મ સ્ટાર્સ અને સાંપ્રત પરિસ્થિતિ એમ વિવિધ વિષયો પર હાસ્યસર્જન કરતા. એમના હાસ્ય લેખનની વિશેષતા એ હતી કે કદી કોઇની લાગણી દૂભાય એવું એ લખતા નહોતા. એમનો કટાક્ષ સદા નર્મમર્મ ટાઇપનો રહેતો.
એમણે અત્યાર સુધીમાં સોએક જેટલાં પુસ્તકોનું સર્જન કાર્ય કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના હોદ્દેદાર હતા ત્યારે એ સમયના મુખ્ય પ્રધાન અને વિનોદભાઇના દોસ્ત એવા શંકરસિંહ વાઘેલા પાસેથી માત્ર પાંચ મિનિટની વાત પછી એકાવન લાખ રૃપિયાનું દાન મેળવીને વિનોદભાઇએ ગુજરાતી સાહિત્ય પરિષદને એનું મકાન બનાવવામાં માતબર સહાય કરી હતી.

વિવિધ ગુજરાતી સાહિત્યકારો વિષેની એમની હાસ્ય કટાર વિનોદની નજરે કુમાર સામયિકમાં પ્રગટ થઇ હતી અને એ કટારમાં જે જે સાહિત્યકાર વિશે એમણે નિરીક્ષણો વ્યક્ત કર્યા હતાં એ સૌએ ખેલદિલીપૂર્વક વિનેાદભાઇનાં એ નિરીક્ષણને સ્વીકાર્યાં હતાં.

તેમનો જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી.