મંગળવાર, 21 નવેમ્બર, 2017

ICJમા ભારતની જીત 


ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની રચના 1946મા થઇ હતી. આ દોરમાં બ્રિટન દુનિયાની સૌથી મોટી તાકત હતું અને ત્યારથી આજ સુધી આઇસીજે માં તેનો કોઇને કોઇ જજ ચોક્કસ રહેતો હતો. પરંતુ 1946 બાદ એવું પહેલી વખત થયું છે, જ્યારે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં બ્રિટનની સીટ હશે નહીં. જ્યારે ભારતના દલવીર ભંડારી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના જજ તરીકે ફરીથી પસંદ કરાયા છે.
જજની છેલ્લી સીટ માટે ભંડારી અને બ્રિટનના દાવેદારની વચ્ચે મુકાબલો હતો પરંતુ અંતિમ ક્ષણોમાં બ્રિટને પોતાની ઉમેદવારી ચૂંટણીમાંથી હટાવી લીધી. ICJમા ભારતની જીત પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટર પર ખુશી વ્યક્ત કરતાં લખ્યું, ‘વંદે માતરમ – ભારત એ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ચૂંટણી જીતી લીધી. જય હિંદ.’
ડિપ્લોમેટના જાણકારોનું કહેવું છે કે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન અલગ થવાના લીધે તેની તાકત ઓછી થઇ અને તેના લીધે તેણે ચૂંટણીમાંથી પોતાના ઉમેદવારને હટાવા પડ્યા. નેધરલેન્ડના હેગ સ્થિત સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટી ન્યાયિક સંસ્થા ICJમાં 15 જજ હોય છે. આ સંસ્થા બે અથવા તેનાથી વધુ દેશોની વચ્ચે ચાલતા વિવાદોને ઉકેલવાનું કામ કરે છે. દર ત્રણ વર્ષે ICJમાં 5 જજોની ચૂંટણી થાય છે. આ જજોનો કાર્યકાળ 9 વર્ષનો હોય છે.