સોમવાર, 11 જૂન, 2018


સુનિલ છેત્રીએ મેસીના ગોલ રેકોર્ડની બરોબરી કરી : ભારત કોન્ટિનેન્ટલ કપ જીત્યું


- છેત્રી અને મેસીના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા ૬૪-૬૪ છે

- ફાઈનલમાં ભારતે ૨-૦થી કેન્યાને હરાવ્યું : એક્ટિવ ફૂટબોલ પ્લેયર્સમાં પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડ

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ ઈન્ટરકોન્ટીનેન્ટલ કપની ફાઈનલમાં કેન્યા સામે બે ગોલ ફટકારવાની સાથે ટીમને ચેમ્પિયન બનાવી હતી, તેની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૬૪ ગોલ પુરા કરીને આર્જેન્ટીનાના સુપરસ્ટાર ફૂટબોલર લાયોનેલ મેસીની બરોબરી કરી લીધી છે.

તરરાષ્ટ્રીય ફૂટબોલમાં હાલ એક્ટિવ હોય અને સૌથી વધુ ગોલ ફટકાર્યા હોય તેવા ફૂટબોલરોની યાદીમાં ભારતના છેત્રીએ મેસીની બરોબરી મેળવી લીધી છે. જ્યારે આ યાદીમાં પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ૮૧ ગોલની સાથે ટોચ પર છે.

જોકે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ ફટકારવામાં છેત્રી અને મેસી સંયુક્તપણે ૨૧માં સ્થાને છે. મુંબઈમાં રમાયેલી ઈન્ટરકોન્ટીનેન્ટલ કપની ફાઈનલમાં ભારતે ૨-૦થી કેન્યાને પરાસ્ત કર્યું હતુ. ભારત તરફથી બંને ગોલ સુનિલ છેત્રીએ નોંધાવ્યા હતા.

તેણે મેચની આઠમી મિનિટે ગોલ ફટકારીને ભારતને સરસાઈ અપાવી હતી. જે પછી મેચની ૨૯મી મિનિટે બીજો ગોલ ફટકારીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી અને કારકિર્દીના ૬૪મા આંતરરાષ્ટ્રીય ગોલની સાથે મેસીના રેકોર્ડની બરોબરી કરી હતી.

૩૩ વર્ષીય સુનિલ છેત્રીએ કારકિર્દીની ૧૦૨મી આંતરરાષ્ટ્રીય મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ઓલ ટાઈમ હાઈએસ્ટ ગોલ સ્કોરરની યાદીમાં છેત્રી અને મેસી ૬૪-૬૪ ગોલ સાથે ૨૧માં ક્રમે છે. મેસીએ ૧૨૪ મેચમાં ૬૪ ગોલ કર્યા છે.


ઝીરો શેડો ડે



- આવી અનોખી ખગોળીય ઘટના 'ઝીરો શેડો ડે' તરીકે ઓળખાય છે


તા. 10 જૂન 2018 રવિવાર 'પડછાયો મનુષ્યનો સાથ ક્યારેય પણ છોડતો નથી' તેવું આપણે કાયમ સાંભળતા જ નહીં અનુભવતા પણ રહ્યા છીએ. પરંતુ આવતીકાલનો દિવસ અમદાવાદ માટે અપવાદ રહેશે જ્યારે બપોરે 12:39ના ભર દિવસે થોડા સમય માટે મનુષ્યનો પડછાયો ગાયબ થશે. આ પ્રકારની ઘટનાને 'ઝીરો શેડો ડે' તરીકે ઓળખવામાં આવે છે અને તે સામાન્ય રીતે જૂન-જુલાઇ માસમાં થતી હોય છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, બપોરે ૧૨ વાગે સૂર્ય માથાની એકદમ ઉપર હોય છે. પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી હોવાને કારણે કર્કવૃત્ત-મકરવૃત્ત ઉપર વર્ષ દરમિયાન એક વાર એવી સ્થિતિ સર્જાતી હોય છે કે જેના કારણે પડછાયો થોડી ક્ષણો માટે ગાયબ થઇ જાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે જૂન-જુલાઇમાં 'ઝીરો શેડો ડે' આવતો હોય છે.

દક્ષિણ ગુજરાતમાં મે મહિનાના અંતે થોડી ક્ષણો માટે પડછાયો ગાયબ થવાની ઘટના જોવા મળતી હોય છે. ધરતી પોતાની ધરતી તરફ ૨૩.૫ ડિગ્રી નમેલી છે. જેના કારણે વર્ષના જુદા-જુદા સમયે સૂર્ય ઉત્તરીય -દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે.

આપણા આકાશ પર સૂર્ય સીધી રેખા પર નહીં આવતો હોવાથી આવી ઘટના જવલ્લે જ જોવા મળે છે. એવું મનાય છે કે, ઈસવિસન પૂર્વે ૨૫૦માં ઈજીપ્તવાસીઓ આવો પડછાયા ગાયબ થવાનો દિવસ આવે ત્યારે પૃથ્વીના વ્યાસની ગણતરી કરતા હતા. 'ઝીરો શેડો ડે' ભૂજમાં ૧૨ જૂને બપોરે ૧૨:૫૧ના જોવા મળશે. પડછાયા ગાયબ થવાની આ ઘટનાને નિહાળવા માટે ખગોળપ્રેમીઓ પણ આતુર છે.

'ઝીરો શેડો ડે'ની અનુભૂતિ કઇ રીતે કરવી?

નિષ્ણાતોના મતે 'ઝીરો શેડો ડે'ની અનુભૂતિ કરવી હોય તો બોટલ, ગ્લાસ જેવી કોઇ વસ્તુને લઇને ખુલ્લી જગ્યાએ જાવ. ઝીરો શેડો ડેનો સમય હોય ત્યારે આ વસ્તુને જમીન પર મૂકીને તેનું નિરીક્ષણ કરો. સૂર્ય માથે હોય ત્યારે પડછાયો ૩ડીમાંથી ૨ડીમાં ફેરવાઇ જાય છે. થોડા સમય માટે પડછાયો ખૂબ જ સાંકડો થતો જશે. સંભવતઃ ૬૦ સેકન્ડ સુધી પડછાયો ગાયબ રહેશે અને ફરી જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં આવી જશે.

દર વર્ષે એકવાર થોડી ક્ષણ માટે પડછાયો ગાયબ થવાની સ્થિતિ જોવા માટે ખગોળપ્રેમીઓ આતુર છે.