શુક્રવાર, 11 મે, 2018

૬૮ વર્ષ પહેલા 'જય સોમનાથ'નાં નાદ સાથે અપાઈ હતી ૧૦૧ તોપોની સલામી


  ૬૮ વર્ષ પહેલા 'જય સોમનાથ'નાં નાદ સાથે અપાઈ હતી ૧૦૧ તોપોની સલામી


-દ્વાદશ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે ૬૮મો સ્થાપના દિન

-કૈલાશ મહામેરૃ પ્રસાદનાં પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થયે ૧૧મી મે, ૧૯૫૧નાં દિવસે સવારે ૯.૪૬ વાગ્યે કર


વિશ્વ પ્રસિધ્ધ દ્વાદશ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિરનો આવતીકાલે તા.૧૧મી મેનાં રોજ ૬૮મો સ્થાપના દિન છે. બરાબર ૬૮ વર્ષ પહેલા એ પાવન દિવસે 'જય સોમનાથ'નાં નાદ સાથે ૧૦૧ તોપોની સલામી અપાઈ હતી અને ભવ્યતાથી સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઈ હતી. જે સ્થાપના દિનની આવતીકાલે પણ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં પરંપરાગત ઉજવણી કરાશે.

સરદારનાં લોખંડી સંકલ્પનું સાકાર સ્વરૃપ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં કૈલાશ મહામેરૃ પ્રસાદનાં પ્રથમ તબક્કાનું કાર્ય પુર્ણ થયે  ૧૧ મે ૧૯૫૧નાં રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે સવારે ૯.૪૬ મિનીટે  પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી.

આ પ્રસંગે ૧૦૮ તીર્થોનું પવિત્ર જળ એકત્રીત કરવામાં આવેલું હતું. બોટો પર સુંદર ફુલોથી શણગારાયેલી તોપો સમુદ્રમાં રાખવામાં આવી હતી. જયારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ અને ૧૦૮ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે જયારે જય  સોમનાથનો નાદ ગુંજી ઉઠયો ત્યારે ૧૦૧ તોપોની સલામી આપવામાં આવી હતી. સ્થાનિકો બહોળી સંખ્યામાં સોમનાથ મહાદેવ મંદિરના આ પાવન પ્રસંગે પોતાના પારંપરિક પરિવેષમાં ઉત્સાહભેર જોડાયા હતાં.