Wednesday, 14 November 2018

આજથી શરૂ થઇ રહી છે રામાયણ એક્સપ્રેસ- દિલ્હીથી તામિલનાડુના રામેશ્વરમ સુધી રામાયણ સાથે સંકળાયેલા મહત્વના સ્થળોએ મુસાફરોને જાત્રા કરાવશે


- ચેન્નાઇથી શ્રીલંકાનું અલગ પેકેજઃ શ્રીલંકાના કેન્ડી, નુવારા એલિયા, કોલંબો અને નેગોંબો જેવા સ્થળોનો સમાવેશધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા રામાયણ સાથે જોડાયેલા મહત્વના સ્થળોએથી પસાર થનારી સ્પેશિયલ ટ્રેન રામાયણ એક્સપ્રેસ આજથી શરૃ થશે. આ ટ્રેન દિલ્હીના સફદરજંગ સ્ટેશનેથી રવાના થશે. 


આ સ્પેશિયલ ટ્રેનમાં 16 દિવસનું પેકેજ રહેશે જેમાં ભારતમાં ભગવાન રામ સાથે જોડાયેલા દરેક મહત્વના સ્થળો ઉપરાંત શ્રીલંકાના 4 સ્થળોની યાત્રા પણ કરાવવામાં આવશે. દિલ્હીથી રવાના થયા બાદ ટ્રેનનો પહેલો પડાવ અયોઘ્યા ખાતે હશે. ત્યાર બાદ આ ટ્રેન હનુમાન ગઢી. રામકોટ અને કનકભવન મંદિર જશે. ત્યાર બાદ રામાયણ સર્કિટના મહત્વપૂર્ણ સ્થળો જેવા કે નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શ્રુંગપુર, ચિત્રકૂટ, નાસિક, હમ્પી અને રામેશ્વરમ જેવા સ્થળોની યાત્રા કરાવવામાં આવશે. રામાયણ એક્સપ્રેસ તામિલનાડુના રામેશ્વરમ ખાતે 16 દિવસમાં પોતાની યાત્રા પૂર્ણ કરશે.

IRCTCના જણાવ્યા અનુસાર ટૂર પેકેજમાં ધર્મશાળાઓમાં ભોજન, આવાસ, દર્શનીય સ્થળોની મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવશે અને IRCTCના ટૂર મેનેજર પણ યાત્રીઓ સાથે રહેશે. રામાયણ એક્સપ્રેસમાં 800 યાત્રીઓની ક્ષમતા હશે અને પ્રતિ વ્યક્તિ કિંમત 15,120 રૂપિયા હશે. 

શ્રીલંકાની મુસાફરી માટે અલગથી ભાડું લેવામાં આવશે. શ્રીલંકા જવા માંગતા યાત્રીઓ માટે ચેન્નાઇથી કોલંબોની ફ્લાઇટની વ્યવસ્થા હશે. 5 રાત અને 6 દિવસના શ્રીલંકાના પ્રવાસની કિંમત પ્રતિ વ્યક્તિ 36,970 રૂપિયા હશે. આ ટૂર પેકેજમાં કેન્ડી, નુવારા એલિયા, કોલંબો અને નેગોંબો જેવા સ્થળોને સમાવેશ કરવામાં આવશે. 
Children's Day: 14 નવેમ્બરે જ શા માટે ઉજવાય છે બાળદિવસ, જાણો ઈતિહાસ

 


પંડિત જવાહર લાલ નેહરુનો જન્મ 14 નવેમ્બરે થયો હતો. દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત નહેરુના જન્મદિવસની ઉજવણી દેશભરમાં બાળદિવસ તરીકે થાય છે. પંડિત નહેરુને બાળકો પ્રિય હતા અને બાળકો પણ તેમને 'ચાચા નહેરુ' ઉપનામથી સંબોધિત કરતા. પંડિત નહેરુ કહેતા કે બાળકો જ દેશનું ભવિષ્ય છે તેથી તેમને પ્રેમ આપવો અને તેમની સંભાળ કરવી જરૂરી છે.  બાળદિવસની ઉજવણીના ભાગરુપે શાળામાં પણ અનેક રંગારંગ કાર્યક્રમો રાખવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓનું આયોજન આ દિવસે કરવામાં આવે છે. 

ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી થાય છે. 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ બાળકો પ્રત્યે તેમનો પ્રેમ જોયા પછી સર્વસમ્મતિથી નિર્ણય કરવામાં આવ્યો કે તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે. 

બાળ દિવસની ઉજવણી દેશમાં 1925થી થવા લાગી હતી. પરંતુ યૂએનએ 20 નવેમ્બર 1954ના રોજ બાળ દિવસની ઘોષણા કરી હતી. અલગ અલગ દેશોમાં બાળ દિવસ અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. પરંતુ ભારતમાં 14 નવેમ્બરે જ બાળ દિવસ વર્ષોથી ઉજવાય છે. 


સુભાષચંદ્ર બોઝના માનમાં સરકાર બહાર પાડશે 75 રુપિયાનો સિક્કો
કેન્દ્ર સરકારે મંગળવારે આંદામાન નિકોબારની રાજધાની પોર્ટબ્લેયરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પહેલી વખત તિરંગો ફરકાવવાના 75 વર્ષ પુરા થવા નિમિત્તે 75 રુપિયાનો સિક્કો બહાર પાડવાનુ એલાન કર્યુ છે.


નાણા મંત્રાલય દ્વારા આ માટે એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યુ છે. સિક્કાની ખાસીયતો આ પ્રમાણે છે

- સિક્કાનુ વજન 35 ગ્રામ હશે

- તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબા અને 5-5 ટકા નિકલ તેમજ ઝિંક ધાતુ હશે.

- સિક્કાની પાછળ સેલ્યુલર જેલની પાછળ તિરંગાને સલામી આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝનુ ચિત્ર બનાવાયુ હશે.

- સિક્કા પર દેવનાગરી અને અંગ્રેજી ભાષામાં પહેલો ધ્વજારોહણ દિવસ લખેલુ હશે.

ઉલ્લેખનીય છે કે સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેયરમાં 30 ડિસેમ્બર, 1943ના દિવસે તિરંગો ફરકાવ્યો હતો.

 

ISRO લોન્ચ કર્યો સંચાર ઊપગ્રહ GSAT-29, ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે થશે ઊપયોગી


 

 

અંતરિક્ષમાં સતત નવી ઉપલબ્ધીઓ હાંસલ કરનાર ISROએ વધુ એક ઉપલબ્ધી પોતાના નામે કરી છે. ISROએ સંચાર ઉપગ્રહ GSAT-29ને લોન્ચ કર્યો. આ ઉપગ્રહને બુધવારે સાંજે 5 કલાક અને 8 મિનીટે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો.

 

આ સંચાર ઉપગ્રહ GSAT-29ને લોન્ચ કરવા માટે GSLV-MK-III D2 રોકેટનો ઊપયોગ કરવામાં આવી રહ્યો છે. ISROનો આ વર્ષનું પાંચમું લોન્ચીંગ હશે. આ લોન્ચ જમ્મ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે મહત્વપૂર્ણ છે.

 

GSAT-29 એક હાઇથ્રોપુટ સંચાર ઉપગ્રહ છે. તેને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે તેનાથી આ રાજ્યોમાં સંચાર સુવિધા સુધરશે અને તેનાથી ઇન્ટરનેટની સ્પીડ પણ વધી જશે.