સિંધુ બેડમિંટન વર્લ્ડ ટુર ટુર્નામેન્ટમાં ચેમ્પિયન :
ભારતની સૌપ્રથમ ખેલાડી
- ભારતીય બેડમિંટન સ્ટાર સિંધુએ ફાઈનલમાં
જાપાનની ઓકુહારાને હરાવી
- ભારતીય બેડમિંટન સ્ટારે
મેજર ટુર્નામેન્ટની ફાઈનલમાં હારનો સિલસિલો અટકાવ્યો
ભારતની બેડમિંટન સુપરસ્ટાર ખેલાડી
પુસાર્લા વેંકટા સિંધુએ ચીનના ગ્વાંગઝૂમાં યોજાયેલી બેડમિંટનની વર્લ્ડ ટુર ફાઈનલ્સ
ચેમ્પિયનશીપ જીતી લઈને ભારતીય રમત જગતમાં અદ્વિતિય કિર્તિમાન સ્થાપિત કરી દીધો
હતો. બેડમિંટનની ટોચની આઠ ખેલાડીઓ વચ્ચે રમાતી આ સિઝનની આખરી અને એલિટ
ટુર્નામેન્ટમાં છેલ્લા ગત વર્ષની રનર્સ અપ સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં શાનદાર દેખાવ
કરતાં જાપાનની ઓકુહારાને ૨૧-૧૯, ૨૧-૧૭થી હરાવીને ટાઈટલ જીત્યું હતુ.
સિંધુ આ સાથે વર્લ્ડ ટુર ફાઈનલ્સ
ચેમ્પિયનશીપ જીતનારી ભારતની સૌપ્રથમ ખેલાડી બની ગઈ છે. આ જીતની સાથે સિંધુએ મેજર
ચેમ્પિયનશીપ્સની ફાઈનલમાં હારવાના નિરાશાજનક સિલસિલાનો પણ અંત લાવી દીધો હતો.
સિંધુનો આ સતત સાત ટુર્નામેન્ટની ફાઈનલની હાર બાદનો વિજય છે, જેના કારણે પણ
આ ટાઈટલનું વિશેેષ મહત્વ છે. હાઈવોલ્ટેજ ફાઈનલમાં સિંધુએ એક તરફી મુકાબલામાં આસાન
જીત મેળવી હતી. સિંધુની સફળતાની વિશેષતા એ રહી કે તેણે આખી ટુર્નામેન્ટમાં એક પણ
મેચ ગુમાવ્યા વિના ટાઈટલ જીતી બતાવ્યું હતુ.
ચીનના ગ્વાંગઝૂમાં રમાયેલી બેડમિંટન
વર્લ્ડ ફેડરેશનની ફાઈનલમાં સિંધુએ એક કલાક અને બે મિનિટના જોરદાર સંઘર્ષ બાદ વિજય
મેળવ્યો હતો. ઓકુહારાની શરૃઆતની ભૂલોનો ફાયદો ઉઠાવતા ભારતની ૨૩ વર્ષની બેડમિંટન
ખેલાડીએ સરસાઈ મેળવી લીધી હતી. બંને ખેલાડીઓએ આક્રમક સ્ટ્રોક્સની સાથેે લાંબી
રેલિસ કરી હતી, જેમાં સફળતા મેળવતા સિંધુએ એક તબક્કે ૧૪-૬ની સરસાઈ મેળવી
હતી. જોકે ઓકુહારાએ મેચમાં પુનરાગમન કરતાં સ્કોરને ૧૬-૧૬ પર લાવી દીધો હતો. જોકે
નિર્ણાયક તબક્કે ઓકુહારાના સ્મેશ મેદાનની બહાર જતા રહેતાં સિંધુએ પ્રથમ ગેમમાં
રોમાંચક જીત મેળવી હતી.
બીજી ગેમમાં સિંધુની બે પોઈન્ટની
સરસાઈને કવર કરતાં ઓકુહારાએ સ્કોર ૭-૭ કરી દીધો હતો. સિંધુએ આગળ વધવાના પ્રયાસ
જારી રાખતાં ૧૮-૧૬થી સરસાઈ મેળવી લીધી હતી. આ પછી સિંધુને ત્રણ મેચ પોઈન્ટ મળ્યા
હતા અને તેણે આસાનીથી જીત હાંસલ કરી હતી.