બુધવાર, 4 એપ્રિલ, 2018


આજે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન



- વિશ્વના ૭૧ દેશોના ૪,૫૦૦ ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા

- ભારતના ૨૨૧ ખેલાડીઓ ૧૭ રમતોની ૨૧૮ સ્પર્ધામાં ભાગ લેશે


- ઓસ્ટ્રેલિયામાં ત્રીજીવાર કોમનવેલ્થ ગેમ્સ યોજાશે

Image result for Commonwealth,Games,inaugurated,today,in,Australia's,Gold,Coast,



ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ શહેરમાં આવતીકાલથી ૨૧માં કોમનવેલ્થ ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે, જેમાં ૭૧ દેશોના આશરે ૪,૫૦૦ જેટલા ખેલાડીઓ તેમજ ઓફિસિઅલ્સને આવકારવાની સાથે રંગારંગ સેલિબ્રેશન યોજાશે. ગોલ્ડ કોસ્ટમાં તારીખ ૧૫ એપ્રિલ સુધી ચાલનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ૨૨૧ જેટલા ખેલાડીઓ ૧૭ રમતોની કુલ ૨૧૮ જેટલી સ્પર્ધામાં ભાગ લેશે.



ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન આવતીકાલે ભારતીય સમય પ્રમાણે બપોર ૨.૩૦ વાગ્યાથી શરૃ થશે. ઓલિમ્પિક અને એશિયન ગેમ્સની જેમ કોમનવેલ્થ ગેમ્સમાં પણ રંગારંગ ઉદ્ઘાટન સમારંભની સાથેની સાથે ખેલાડીઓની પરેડ યોજાશે, જેમાં ભારતીય ટીમના નેતૃત્વની જવાબદારી રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પી.વી. સિંધુને સોંપવામાં આવી છે.

કોમનવેલ્થ ગેમ્સ પાંચમી વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાવા જઈ રહી છે. આ વખતની કોમનવેલ્થ ગેમ્સની ખાસિયત એ છે કે, પુરષ અને મહિલાઓ માટે એક સમાન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે મહિલાઓ માટેની સાત મેડલ્સ ઈવેન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ૧૮ સ્પોર્ટસમાં ૨૭૫ ઈવેન્ટ્સ રમાશે.

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮ ફેક્ટ ફાઈલ

૭૧ દેશો

ગોલ્ડ કોસ્ટમાં ૧૫ એપ્રિલ સુધી ચાલનારા કોમનવેલ્થ ગેમ્સમાં ૭૧ દેશોની ૪,૫૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.

૨૭૫ સ્પર્ધા

જુદી-જુદી ૧૯ રમતોમાં કુલ મળીન ૨૭૫ સ્પર્ધા યોજાશે. પહેલી વખત મહિલા અને પુરુષો માટે એક સરખી સ્પર્ધા થશે.

પાર્ટીસિપેન્ટસ

સૌથી મોટી ૪૭૪ ખેલાડીઓની ટીમ યજમાન ઓસ્ટ્રેલિયાની છે, જ્યારે ગામ્બીયાએ માત્ર ૬ જ ખેલાડીઓની ટીમ મોકલી છે.

ઉદ્ઘાટન

કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટનમાં ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથ ટુના પ્રતિનિધિ તરીકે પ્રિન્સ ચાર્લ્સ હાજર રહેશે.

સુરક્ષા

,૫૦૦ પોલીસ કર્મચારીઓ અને ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના ૨,૦૦૦ જવાનોની સાથે હજ્જારો વોલન્ટિયર્સ ગેમ્સના સફળ આયોજન માટે કાર્યરત છે.

૧૨.૪ લાખ ટિકિટ

કોમનવેલ્થ ગેમ્સની ૧૨.૪ લાખ ટિકિટોમાંથી મોટાભાગની વેચાઈ ગઈ છે. માત્ર ૧.૪૦ લાખ ટિકિટો જ અનસોલ્ડ રહી છે.

૩૮૮

ક્વિન્સ બૅટન રિલેનો ૩૮૮ દિવસનો પ્રવાસ આજે પુરો થશે.

૨.૩૦ લાખkm

ક્વિન્સ બૅટન રિલેનો ૨.૩૦ લાખ કિલોમીટરનો પ્રવાસનો ખેડીને ગોલ્ડ કોસ્ટના મેઈન સ્ટેડિયમમાં પહોંચશે.

ભારતના ઓલિમ્પિક સ્ટાર્સ ગોલ્ડ મેડલના દાવેદાર

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ઓલિમ્પિક મેડાલીસ્ટ ખેલાડીઓ ગોલ્ડ મેડલના પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર જીતનારી બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુ તેમજ બ્રોન્ઝ જીતનારી મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક પોતપોતાની ઈવેન્ટમાં ચેમ્પિયન બનવાન દાવેદાર છે. ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ કુસ્તીબાજ સુશીલ કુમાર, ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ શૂટર ગગન નારંગ તેમજ મહિલા બોક્સર મેરિ કોમ પણ સુવર્ણ સફળતા માટે હોટફેવરિટ મનાય છે. આ ઉપરાંત શૂટર જીતુ રાઈ, હિના સિદ્ધુ, જેવલીન થ્રોઅર નીરજ ચોપરા, બોક્સિંગમાં વિકાસ ક્રિશ્નન, સરિતા દેવી, મનોજ કુમાર, જિમ્નાસ્ટીકમાં આશીષ કુમાર તેમજ અરૃણા રેડ્ડી, સ્ક્વોશમાં જોશના ચિનપ્પા, દિપીકા પલ્લીકલ, સૌરવ ઘોષાલ તેમજ મેન્સ અને વિમેન્સ હોકી ટીમ પણ મેડલ જીતવાની દાવેદાર છે.

સિરિંજ વિવાદમાં ગેમ્સ ફેડરેશને ભારતીય ડોક્ટરને ઠપકો આપ્યો

ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ અગાઉ ભારતીય બોક્સરો સિરિંજ વિવાદમાં સપડાયા હતા. જોકે આ મામલે કોઈ પણ ભારતીય બોક્સર દોષી ઠર્યો નથી. અલબત્ત, ભારતીય ટીમના ડોક્ટરને સિરિંજને ડિસ્પોઝ ન કરવા બદલ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ઠપકો આપીને છોડી મૂક્યા છે, જેના કારણે ભારતે રાહત અનુભવી હતી.  કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની મેડિકલ કાઉન્સીલે કરેલી ફરિયાદના પગલે ગેમ્સ ફેડરેશને આ અંગે સુનાવણી યોજી હતી અને ભારતીય ડોક્ટર અમોલ પાટીલને સિરિંજોને ડિસ્પોઝ ન કરવા બદલ દોષી ઠેરવ્યા હતા. પાટીલે ભારતીય ટીમના એક બીમાર ખેલાડીને બી કોમ્પલેક્સના ઈન્જેક્શન આપ્યા હતા, જે પછી ઈન્જેક્શનની સિરિંજોને યોગ્ય રીતે ડિસ્પોઝ કરી નહતી.

સાયના નેહવાલના પિતાને આખરે ગેમ્સ વિલેજમાં પ્રવેશ અપાયો

ઓફિસિઅલ્સની યાદીમાંથી સાયનાના પિતાનું નામ કાઢી નંખાયુ હતુ

ગોલ્ડ કોસ્ટ:ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં શરૃ થનારા કોમનવેલ્થ ગેમ્સ અગાઉ સરકારની મંજૂરી છતાં સાયના નેહવાલના પિતાનું નામ ભારતીય ઓફિસિઅલની યાદીમાંથી કાઢી નાંખવામાં આવ્યું હતુ. જેના કારણે સાયનાના પિતા હરવિર સિંઘને કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં એન્ટ્રી મળી નહતી. જે અંગે સાયના નેહવાલે ટ્વીટર પર પોતાની નારાજગી ઠાલવતા લખ્યું હતુ કે, જ્યારે અમે ભારતથી અહી આવવા નીકળ્યા ત્યારે મારા પિતાનું નામ ભારતીય ટીમના ઓફિસિઅલ્સમાં સામેલ હતુ. તેમના માટેનો તમામ ખર્ચ મેં જાતે ઉઠાવ્યો છે.

હવે જ્યારે અમે ગોલ્ડ કોસ્ટ પહોંચી ગયા છીએ ત્યારે મારા પિતાનું નામ ઓફિસિઅલ્સની યાદીમાંથી કાઢી નાંખવામાં આવ્યું છે. તેઓ મારી સાથે રહી શકે તેમ નથી. તેઓ મારી મેચીસ જોઈ નહિ શકે કે ન તો મને મળી શકશે. આ કેવા પ્રકારનો સપોર્ટ છે ?! મારે તેમની હાજરીની જરુર છે. હું મારી તમામ મેચોમાં તેમને લઈ જતી હોંઉ છું. જોકે શા માટે મને કોઈએ પહેલા આ બાબતે જાણ ન કરી તે ભારે આશ્ચર્યજનક કહેવાય. સાયનાના પિતા હરવિર નેહવાલ અને અન્ય મહિલા બેડમિંટન સ્ટાર પુસાર્લા સિંધુની માતા વિજયા પુસાર્લા પણ ભારતીય ટીમમાં ઓફિસિઅલ તરીકે સામેલ છે. જેમનો ખર્ચ સરકારે નહિ પણ જે તે ખેલાડીઓ કે પછી તેમનું સ્પોર્ટસ ફેડરેશન ઉઠાવશે.

બેડમિંટન  સિંધુ અને શ્રીકાંત ટોપ સીડ

ઓલિમ્પિક સિલ્વર મેડાલીસ્ટ પી.વી. સિંધુ અને વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતો કિદામ્બી શ્રીકાંતને કોમનવેલ્થ ગેમ્સમાં ટોપ સીડ જાહેર કરવામાં આવ્યા છે. કારારા સ્પોર્ટસ અને લેઈસ્યોર સેન્ટર ખાતે૧૦મી એપ્રિલથી બેડમિંટનની મેન્સ અને વિમેન્સ સિંગલ્સ ઈવેન્ટ શરૃ થશે, જેમાં બંનેમાં ભારતીય ખેલાડી ટોપ સીડ જાહેર થયા છે. સિંધુને પ્રથમ રાઉન્ડમાં બાય મળી છે અને બીજા રાઉન્ડમાં તે ફાલ્કલેન્ડ આઇસલેન્ડની ઝોઈ મોરીસ સામે ટકરાશે.જ્યારે સાયના નેહવાલ બીજા રાઉન્ડમાં એલીસ ડી વિલિયર્સ સામે ટકરાઈ શકે છે. બેડમિંટન વિમેન્સ સિંગલ્સમાં સિંધુ અને સાયના વચ્ચે ફાઈનલ રમાઈ શકે છે. મેન્સ સિંગલ્સમાં શ્રીકાંતની ટક્કર બીજા રાઉન્ડમાં ફીજીના લીએમ ફોંગ સામે થશે. જ્યારે સેમિ ફાઈનલમાં તેની સામે ઈંગ્લેન્ડનો રાજીવ ઓસેફ આવી શકે છે.

મેરી કોમ પહેલો મુકાબલો જીતે તો મેડલ નિશ્ચિત



ભારતની એકમાત્ર ઓલિમ્પિક મેડાલીસ્ટ મહિલા બોક્સર મેરી કોમ કારકિર્દીમાં પહેલી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહી છે. આશ્ચર્યની બાબત એ છે કે, મેરી કોમને સીધી જ ક્વાર્ટર ફાઈનલ રમવાની છે. ટૂંકમાં જો મેરિ કોમ તેનો પહેલો મુકાબલો જીતશે તો તેનો મેડલ નિશ્ચિત બની જશે.૪૮ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં મેરી કોમ ક્વાર્ટર ફાઈનલમાં સ્કોટલેન્ડની મેગાન ગોર્ડોન  સામે ટકરાશે, જે મુકાબલો તારીખ ૮ માર્ચે ખેલાશે. મેરી કોમની કેટેગરીમાં માત્ર આઠ જ બોક્સરો ભાગ લઈ રહી છે.


ભારતના વિકાસ ક્રિશ્નનને પણ પ્રથમ રાઉન્ડમાં બાય મળી છે. ભારતના વિકાસ અને મનીષ કૌશિક પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા છે. જ્યારે એશિયન ગેમ્સના ભૂતપૂર્વ મેડાલીસ્ટ સતીષ કુમારને પણ ૯૧ કિગ્રા થી વધુ વજનવાળા ગુ્રપમાં સીધો જ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મળ્યો છે. પ્રિતી જાન્ગરાને પણ ૧૧ એપ્રિલે ૫૧ કિગ્રા વજન વર્ગમા ઈંગ્લેન્ડની લીસા વ્હાઈટસાઈડ સામે ક્વાર્ટર ફાઈનલમાં ટકરાવાનું છે.



દિલ્હીથી જડબેસલાક સુરક્ષા વચ્ચે ૩૦ કિલો સોનુ સોમનાથ પહોંચ્યું

Image result for somnath temple

- મંદિરના સ્તંભોને સુવર્ણથી જડવા માટે

- ૯.૫૧ કરોડના સુવર્ણથી ઝળહળશે સ્તંભોઃ ભારતની અસ્મીતાના પ્રતીક સમા સોમનાથ મહાદેવ મંદિરનો ફરી આવશે સુવ


ભારતની અસ્મિતાના પ્રતિક સમા  સોમનાથ મહાદેવ મંદિર સુવર્ણનું બનેલું હતું તેવી વાતો ઇતિહાસમાં લખાયેલી છેે. સોમનાથ મહાદેવ મંદિરનો સુવર્ણયુગ ફરી વખત આવી રહ્યો છે. દાતાઓના સહયોગથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ મંદિર સોનાનું થઈ જાય તેવા ક્રમશઃ તબક્કાવાર હાથ ધરેલા પ્રયાસોને સારો પ્રતિસાદ મળ્યો છે. મંદિરનું ગર્ભગૃહ, દરવાજા, દિવાલો, ધ્વજદંડ, ડમરું, ત્રિશુલ વગેરે સુવર્ણજડિત થયા બાદ હવે  સ્તંભોને સુવર્ણથી જડવા ૩૦ કિલો સોનુ દિલ્હીથી આવી પહોંચ્યું છે.

અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન ભારતના બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ગર્ભગૃહ એટલે કે જ્યાં સાક્ષાત ભોલેનાથ બિરાજમાન છે તે સંપૂર્ણ ગૃહને સોનેથી જડી દેવામાં આવ્યું છે. મંદિરના શિખર ઉપરની ટોચ તથા ધ્વજ દંડ તેના ઉપરના ત્રિશુલ ડમરૃ ભગવાન નિવાસ મંદિરના દ્વાર સ્તંભો સંપૂર્ણપણે સોનાથી ઝળહળી રહ્યા છે અને હવે હાલ મંદિરમાંના સ્તંભો મઢવા કામગીરીનો પ્રારંભ થશે.
Image result for somnath temple
જેના ભાગરૃપે દિલ્હીના કારીગરો સ્તંભનું માપ લઈ તેને પુઠામાં  ઢાળી દિલ્હી લઈ ગયા હતા. જેના આધારે ૩૦ કિલો સોનાના બનેલા ફર્મા અને સોનાની સામગ્રી કામ પૂર્ણ થતા સોમનાથ ટ્રસ્ટ સિક્યોરિટી તથા પ્રભાસપાટણ પોલીસના સબ ઈન્સ્પેક્ટર તથા હથિયારબંધ પોલીસ જવાનો દિલ્હી આ સોનુ લેવા ખાસ વાહનમાં પહોંચ્યા હતા. પાયલોટીંગ તથા લોખંડી સુરક્ષા સાથે વાહનમાં  સોનુ કે જે સ્તંભ મઢવાના ઢાળા સોમનાથ ખાતે લાવવામાં આવ્યા હતા. આ સોનું અંદાજે ૯ કરોડ ૫૧ લાખની કિંમતનું થવા જાય છે.

સોનું સોમનાથ પહોંચ્યા પછી હવે થોડા જ દિવસોમાં દિલ્હીના કારીગરો મંદિરના સ્તંભોને સોનાથી જડવાનું શરૃ કરશે. મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. ગર્ભગૃહ- સભામંડપ અને નૃત્ય મંડપ. આ તમામને જેમ જેમ દાતાઓનો સહયોગ મળતો જશે તેમ સોનાથી અલંકૃત કરવામાં આવશે. ભાવિકો દ્વારા નાના મોટા સોનાના દાન સોમનાથ મંદિરને મળતા રહે છે. સોમનાથને મળેલા સુવર્ણ અનુદાનમાં તા. ૨૮ ડીસે. ૨૦૧૨ ૩૬ કિલો સોના જડીત થાળાનું મોટુ અનુદાન મળ્યું હતું. જે  અંદાજે ૧૦ કરોડથી પણ વધારે કિંમતનું છે. 

શ્રાવણ માસ ૨૦૧૭ દરમ્યાન મંદિરને ૨૧ તોલા સોનું ભાવિકોએ ધર્યું હતું. દિલ્હીના ઈન્દુબહેન ગણાત્રાએ જીવનપુંજીના સાચવી રાખેલ ૯૪ ગ્રામ સોનુ, ૩૮ ગ્રામ ચાંદી સોમનાથ મહાદેવને તા. ૩-૬-૧૧ના રોજ અર્પણ કરેલ. સોમનાથ મંદિરના ૧૪૫૫ જેટલા કળશો સુવર્ણથી મઢવા અમદાવાદના ગીરીશ પટેલ દ્વારા આ અગાઉ રૃ. ૫.૫૧ લાખ, મયુર દેસાઈ દ્વારા ૫.૫૧ લાખ અને દિપક પટેલ અને સુનિલ પટેલ દરેકે ૧.૨૧ લાખ આપી ચૂક્યા છે.

સોમનાથ મંદિર ગર્ભગૃહ દરવાજા, દિવાલો, ધ્વજદંડ, ડમરૃ, ત્રિશુળ વિગેરે સુવર્ણ જંડિત બન્યા બાદ ભગવાનના આભુષણો સહિતના સોને મઢવાના પ્રકલ્પોમાં વિસનદાસ હોલારામ લખી પરિવાર અને દિલીપભાઈ લખીનું મોટું યોગદાન છે.



ગુજરાતની શૌચાલય યોજનાનું બિહારમાં માર્કેટિંગ


ગુજરાતમાં શૌચાલય યોજનાની જેમ બિહારમાં શૌચાલય યોજનાને અમલમાં મુકવા માટે કેન્દ્ર સરકારની સૂચનાથી વડોદરા અને આસપાસના સાત જિલ્લાઓના રાજ્ય સરકારના ૬૨ કર્મચારીઓને બિહાર મોકલવામાં આવ્યા છે.

ગુજરાતમાં સરકારે જે રીતે ગ્રામ્ય વિસ્તારોને ખુલ્લામાં શૌચ કરવાનું બંધ કરાવી શૌચાલયો બનાવવાની યોજના અમલમાં મુકાઇ છે તેવી જ રીતે બિહારમાં પણ ખુલ્લામાં શૌચાલય પ્રથા બંધ કરાવવા માટે કેન્દ્ર સરકારે પ્રયત્નો કર્યા છે.

ગુજરાતની શૌચાલય યોજનાનુ માર્કેટિંગ કરવા માટે વડોદરા જિલ્લા તેમજ આણંદ, દાહોદ, પંચમહાલ, ગોધરા, નર્મદા અને મહિસાગર જિલ્લામાંથી ૬૨ કર્મચારીઓની ટીમ બિહાર પહોંચી ગઇ છે.


મહારાષ્ટ્રની તમામ બસ અને ટેક્સીમાં ટ્રેકીંગ ડિવાઇસ અને પેનીક બટન ફરજીયાત




મહારાષ્ટ્રની તમામ બસ અને ટેક્સીઓમાં વેહિકલ ટ્રેકીંગ ડિવાઇસ અને પેનીક બટન બેસાડવા માટે ૨૮ નવેમ્બરના જારી કરાયેલાં નોટિફિકેશનનુ સોમવારે અમલીકરણ કરવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજી અમલમાં લવાતા પ્રશાસન વાહનનુ લોકેશન, ગતિ અને અન્ય વાહનોની માહિતી એક જ કલિક પર મેળવી શકશે.

જે પણ નવા વાહનોમાં આઈટીએસ સિસ્ટમ બેસાડી નહીં હોય તેમનુ રજીસ્ટ્રેશન કરવા માટે રાજ્યની આરટીઓ ઓફિસે મનાઈ કરી હતી. હાલમાં ૩.૭૦  લાખ વાહનોમાં આ સિસ્ટમ બેસાડવી પડશે એવુ પરિવહન અધિકારીએ જણાવ્યું હતું. ડિવાઇસ ખરીદવાની અને બેસાડવા ામટે અંદાજે દસથી બાર હજાર રૃપિયાનો ખર્ચ આવે છે. માસિક ફી ૧૦૦થી ૪૦૦ રૃપિયા ખર્ચ કરવો પડયો હતો.

ટુ વ્હીલર્સ, રિક્ષા ચાલક અને અન્ય કમર્શીયલ વેહિકલ ધરાવતા લોકોને આ નિયમ લાગુ પડશે નહીં. નોટિફિકેશન અનુસાર આ ડિવાઇસ મેનુફેક્ચરર અથવા તા ડિલર દ્વારા બેસાડવામાં આવશે. પરંતુ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે વાહનોમાં ડિવાઇસ બેસાડવાને લઈને અનેક મૂંઝવણ સતાવાઈ રહી છે.  પરિવહન કમિશનરની ઓફિસ દ્વારા યોગ્ય નિર્દેશ જારી કરવામાં આવ્યા નથી. ફક્ત ડિસેમ્બરમાં જારી કરેલાં નોટિફિકેશનેન અમલમાં  લાવવાનુ જણાવ્યું હતું.

ટેક્સી યુનિયન લીડર એ. એલ. ક્વોડ્રોસે જણાવ્યું હતું કે આ નિયમને લીધે કેબ ડ્રાઇવરોનો ભાર વધી જશે, જેમણે માર્ચ મહિનામાં પોતાના વાહનો ખરીદ્યા છે. તેઓ આ નવા નિયમને લઈને અજાણ છે. આ નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ.


રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે બેટરી ઓપરેટેડ કાર


છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ,મુંબઇ માં વરિષ્ઠ પ્રવાસીઓ સહિત મહિલા પ્રવાસીઓને રાહત આપતો ઉપક્રમ મધ્ય રેલવેએ હાથમાં લીધો છે. મેલ/એક્સપ્રેસમાં આવતા પ્રવાસીઓ સામાન સાથે લઈ જવા માટે બેટરી પર ચાલતી કારને સોમવારથી શરૃ કરવામાં આવી છે. આ કારનો લાભ લેવા માટે પ્રવાસીઓએ ૪૦ રૃપિયા ખર્ચવા પડશે.

સીએસએમટી સ્ટેશને ૧૦૦થી પણ વધુ મેલ/એક્સપ્રેસમાં લાખો પ્રવાસીઓ મુસાફરી કરે છે. જેમાં મહિલા પ્રવાસીઓ સહિત વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. બેટરી ઓપરેટેક કારની માગણી અનેક વખતથી પ્રલંબિત હતી. આ બાબતે મધ્ય રેલવેએ અનેક વખત ટ્રાયલ પણ લેવાઈ હતી. આખરે આ બેટરી કારની સોમવારથી શરૃઆત કરવામાં આવી છે. આ કારને ચાર્જ કરવા માટે મધ્ય રેલવેએ સીએસએમટી સ્ટેશનથી વીજળી ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.



ભારતીય સેના અ‍ને HDFC Bank વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા




ભારતીય સેનાએ પગાર પેકેજ પર એચડીએફસી બેન્ક સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રકારનુ MOU સૌપ્રથમ વખત HDFC Bank, 2011 માં MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યું હતું અને માર્ચ 2015 માં નવેસરથી કરવામાં આવ્યું હતું. વર્તમાન એમઓયુ સૈનિકો, પેન્શનરો અને કુટુંબોને સેવા આપવાની જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવે છે.

MOU HDFC Bank સાથેના તેમના એકાઉન્ટ્સ ધરાવતા મોટાભાગનાં સેવા અને નિવૃત્ત ભારતીય સેનાના કર્મચારીઓને લાભ મળશે. તે આધુનિક બૅન્કિંગ સુવિધાઓનો પણ એક તક પૂરી પાડશે. વર્તમાન MOU હેઠળ, ભારતીય આર્મીના કર્મચારીઓને અન્ય વ્યક્તિગત લાભો મળશે જેમ કે ફ્રી વ્યક્તિગત અકસ્માત મૃત્યુ કવર અને રૂ. 30 લાખની ફ્રી કાયમી અપંગતા કવર. ભારતીય આર્મીના કર્મચારીઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં આશ્રિત બાળકને ચાર વર્ષ સુધી રૂ. 1 લાખ સુધીની મફત શૈક્ષણિક કવર મળશે. કાર લોન અને પર્સનલ લોન માટે પણ 100% પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવશે.
હાલમાં ભારતીય સેનાએ 11 જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કો સાથે સંરક્ષણ પગાર પેકેજ પર એમઓયુ છે. સૈનિકો, પેન્શનરો અને કુટુંબોની સેવાની જરૂરિયાતોને લગતી તેમની ઉપયોગિતા અને સુવાચ્યતાના વિશ્લેષણ પર બેન્કોની સ્થાપના અને નવીકરણ માટે આ સમજૂતીઓ ગણવામાં આવે છે.