શુક્રવાર, 26 ઑક્ટોબર, 2018

પંખીઓ માટે 'ન્યુ રાજકોટ' બની રહ્યું છે ઈશ્વરિયા ફ્લાવર વેલી



- પતંગિયાની ૪૦ અને પક્ષીઓની ૧૧૮ પ્રજાતિ જોવા મળી

- યુનિ.ના બાયો સાયન્સ ભવનના વિદ્યાર્થીઓનું રસપ્રદ સર્વેક્ષણ

- રાંદરડાના તળાવમાં એક સમયે સંખ્યાબંધ જોવા મળતા ફ્લેમિંગો ધીમે-ધીમે ઓછા થતા રહ્યા છે; અટલ સરોવર નજીક ઉભી થશે પક્ષી વસાહત

 
રાજકોટ નજીક ઈશ્વરિયા ફ્લાવર વેલીમાં ૧૧૮ પ્રકારના વિવિધ પક્ષીઓ અને ૪૦થી વધુ પતંગિયાઓની પ્રજાતિ આ વર્ષે જોવા મળી હોવાનું યુનિ.ના બાયો સાયન્સ ભવનના વિદ્યાર્થીઓએ જણાવી આ રીપોર્ટ જિલ્લા વહીવટી તંત્રને સુપ્રત કરી અહીં સ્થળાંતરીત પક્ષીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થાય તેવી સુવિધા ઉભી કરવાની હિમાયત કરવામાં આવશે.


યુનિ.માં બાયોસાયન્સ ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રાજકોટની નજીકના જલસ્ત્રાવ વિસ્તારોના કરેલા અભ્યાસ બાદ એવા તારણો જાહેર કર્યા હતા. એક સમયે રાંદરડા તળાવમાં ફ્લેમિંગો મોટા પ્રમાણમાં જોવા મળતા હતા પરંતુ આ સંખ્યા હવે દિન-પ્રતિદિન ઘટતી જાય છે. આજીડેમની નજીકના આજુબાજુના વિસ્તારોમાં વધતા જતા ઉદ્યોગો, ઈંટોના ભઠ્ઠા અને પ્રદૂષણની અસર પક્ષીઓ ઉપર વિપરીત પડે છે જેના કારણે પક્ષીઓને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બને છે.


ઈશ્વરિયા ફ્લાવર વેલી અત્યારે પ્રાકૃતિક દ્રષ્ટિએ સૌથી વધુ મુલ્યવાન બની રહી હોવાનું જણાવી વિદ્યાર્થીઓએ ઉમેર્યું હતું કે જ્યાં નવા બાગ-બગીચા અને વનીકરણ ઉભુ થાય છે ત્યાં પક્ષીઓનો વસવાટ વધુ જોવા મળે છે. ફ્લાવર વેલીમાં રંગબેરંગી પતંગિયાની ૪૦ જાતિ છેલ્લા છ માસ દરમિયાન જોવા મળી છે.

રાજકોટ શહેરના સિમાડાના વિસ્તારો ઉપર સિમેન્ટ કોંક્રીટનું જંગલ દિનપ્રતિદિન ઉભુ થતી જાય છે. જેના કારણે પક્ષીઓએ સ્થળાંતરિત થવું પડે છે. પરંતુ રાંદરડા લાલપરી સહિતના વિસ્તારોને પ્રદૂષણથી મુક્ત રાખવામાં આવે તો અહીં રાજકોટ પણ પોરબંદરની માફક ફ્લેમિંગોના કાયમી નિવાસ માટે પીન્ક સીટી બની શકે તેમ છે.

ન્યુ રાજકોટના વિસ્તારોમાં પ્રાકૃતિક સુરક્ષાના મુદ્દે બાયો સાયન્સ ભવનના સીનીયર અધ્યાપક પ્રો. વી.એમ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને અટલ સરોવરની આજુબાજુના વિસ્તારો પક્ષી વસાહત માટે કેટલા અનુકુળ છે તેનું કામ સોંપ્યું છે. તેના કેટલાક તારણો સાનુકુળ મળ્યા છે. જો અહીં મોટા પ્રમાણમાં વનીકરણ થશે તો પક્ષી વસાહત ઉભી થતા આ વિસ્તાર પણ પક્ષીપ્રેમીઓ માટે દર્શનીય બની જશે.

યુનિ. કેમ્પસમાં પતંગિયાની જોવા મળી ૩૨થી વધુ પ્રજાતિ


સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં પતંગિયાઓનું સર્વેક્ષણ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૭-૦૭માં વિરલ તંતી નામના વિદ્યાર્થીએ પતંગિયાની ૨૭ પ્રજાતિ હોવાનું તારણ કાઢ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૧૧માં રંજનબેન સી. માલમાડી નામની વિદ્યાર્થીનીએ પતંગિયાની ૧૬ જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રભાત ચાવડા નામના વિદ્યાર્થીએ ૩૨ પ્રજાતિ યુનિ. કેમ્પસમાં જોવા મળી હોવાનું જાહેર કર્યું હતું.