કેપ્ટન
તરીકે સૌથી વધુ બેવડી સદી કોહલીએ લારાનો રેકોર્ડ તોડયો
- કોહલીએ
૪૯૯ દિવસમાં છ બેવડી સદી ફટકારી
- સતત બે
ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારવાની પણ અનોખી સિદ્ધિ
વિરાટ કોહલીએ રેકોર્ડ તોડવાનો સિલસિલો જારી રાખ્યો
છે. શ્રીલંકા સામે રમાતી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કોહલીએ ૨૪૩ રનની ઇનિંગ્સ સાથે
જ સુકાની તરીકે છઠ્ઠી બેવડી સદી ફટકારી હતી. આમ, કોહલીએ સુકાની
તરીકે સૌથી વધુ બેવડી સદીનો બ્રાયન લારાનો રેકોર્ડ તોડયો છે. આ ઉપરાંત કોહલી સતત
બે ટેસ્ટ ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારીને અનોખી ક્લબમાં સામેલ થઇ ગયો છે. ટેસ્ટ
ક્રિકેટના ઈતિહાસમાં વોલિ હેમન્ડ, ડોન બ્રેડમેન, કુમાર સંગાકારા, વિનાદ કાંબલી, માઇકલ ક્લાર્ક જ એવા બેટ્સમેન છે જેમણે સતત બે ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી
છે. કોહલીએ તેની તમામ છ બેવડી સદી છેલ્લા ૪૯૯ દિવસમાં ફટકારી છે.
સૌથી ઓછા
દિવસમાં સૌથી વધુ બેવડી સદીનો અગાઉનો રેકોર્ડ ડોન બ્રેડમેનને નામે હતો, તેમણે ૫૮૧ દિવસમાં
આ સિદ્ધિ મેળવી હતી. કોહલી શ્રીલંકા સામેની વર્તમાન શ્રેણીમાં ૧૦૦૨ મિનિટ બેટિંગ
કરી ચૂક્યો છે. જુલાઇ ૨૦૧૬ અગાઉ કોહલીની ટેસ્ટ બેટિંગ એવરેજ ૪૪ હતી, જે હવે ૫૪ થઇ ગઇ
છે. ફેબુ્રઆરી ૨૦૧૦ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત સદીની ભાગીદારી
કરવાનો રેકોર્ડ કોહલી-રોહિતને નામે છે. બંનેએ ૯૨ ઇનિંગ્સમાં ૧૮ વખત સદીની ભાગીદારી
નોંધાવી છે. કોહલીએ આ વર્ષે ૭૭.૬૧ની એવરેજથી ૧૦૦૯ રન ટેસ્ટ ક્રિકેટમાં નોંધાવ્યા
છે. ગત વર્ષે કોહલીએ ટેસ્ટમાં ૭૫.૯૩ની એવરેજથી ૧૨૧૫ રન કર્યા હતા. સતત બે વર્ષમાં
ટેસ્ટ ક્રિકેટમાં ૧ હજાર રન કરનારો કોહલી સૌપ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે.