Sunday, 3 March 2019

'ગોલ્ડન ગર્લ' તરીકે ઓળખાતી રાજધાની એક્સપ્રેસ દેશની પ્રથમ ફુલ્લી એસી ટ્રેન હતી

 

- ૧૯૬૯-૨૦૧૯ : રાજધાની સાથે દેશને જોડતી ટ્રેનની અડધી સદી


- નવી દિલ્હીથી ૧લી માર્ચ, ૧૯૬૯ના દિવસે ઉપડેલી રાજધાની ૧૭ કલાક, ૨૦ મિનિટ પછી ૧૪૪૫ કિલોમીટરનું અંતર કાપી હાવડા સ્ટેશને પહોંચી હતીરાજધાની એક્સપ્રેસની ગણતરી દેશની સર્વોત્તમ ટ્રેનમાં થાય છે. દેશની રાજધાની દિલ્હી સાથે વિવિધ રાજ્યોના પાટનગર અથવા મહત્ત્વના શહેરોને જોડતી હોવાથી તેને રાજધાની એક્સપ્રેસ નામ આપી દેવાયું છે.
પાટા પર રોજ હજારો કિલોમીટરની મુસાફરી કરતી રાજધાની એક્સપ્રેસે અડધી સદીની સફર પૂરી કરી છે. પહેલી રાજધાની એક્સપ્રેસ નવી દિલ્હી અને હાવડા (કલકતા) વચ્ચે દોડી હતી.
૧૯૬૯ની ૧લી માર્ચે સાંજે ૫:૩૦ વાગ્યે ટ્રેન ઉપડી હતી અને વચ્ચે ૩ ટેકનિકલ હોલ્ટ સિવાય ક્યાંય રોકાયા વગર ૧૭ કલાક, ૨૦ મિનિટની સફર કરી હાવડા પહોંચી હતી. એ વખતે ટ્રેને કુલ ૧૪૪૫ કિલોમીટરનું અંતર કાપ્યુ હતુ. વળી હાવડાથી ૩જી માર્ચે સાંજે પાંચ વાગ્યે રવાના થયેલી રાજધાની દિલ્હી બીજા દિવસે સવારે ૧૦:૨૦ વાગ્યે પહોંચી હતી.
૧૯૬૯-૭૦ના રેલવે બજેટમાં જ એવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે સરકાર સપ્તાહમાં બે વખત ચાલે એવી રાજધાની એક્સપ્રેસ દિલ્હી-હાવડા વચ્ચે દોડાવશે. એ પછી તુરંત તેના પર કામ શરૃ થયુ હતુ અને ટ્રેન દોડતી કરી દેવાઈ હતી.
શરૃ થઈ ત્યારે માત્ર બે શહેર વચ્ચે અને એ પણ અઠવાડિયામાં બે દિવસ પુરતી ટ્રેન હતી. પરંતુ તેની સફળતા તથા પ્રતિષ્ઠા જોઈને દરેક રાજ્ય દ્વારા આવી ટ્રેનની ડિમાન્ડ થવા લાગી હતી. માટે રેલવે મંત્રાલયે બીજી રાજધાની દિલ્હી-મુંબઈ વચ્ચે મંજૂર કરી હતી.
આજે મોટા ભાગની ટ્રેનોમાં એરકન્ડિશનર ડબ્બાની સગવડ છે અને ઘણી સ્પેશિયલ ટ્રેનો આખેઆખી એરકન્ડિશન્ડ છે. પણ એ વખતે ફુલ્લી એસી હોય એવી રાજધાની પહેલી ટ્રેન હતી. સરકારે એ ટ્રેન માટે ત્યારે ૬૫ લાખનો ખર્ચ કર્યો હતો. શરૃ થઈ ત્યારે દિલ્હી-હાવડા રાજધાની ૯ ડબ્બાની હતી, આજે એ ટ્રેન ૨૦ ડબ્બા સાથે દોડે છે. 
શરૃઆતમાં આ ફાસ્ટ ટ્રેનની સ્પીડ ૧૪૦ સુધી મંજૂર કરવા ડિમાન્ડ થઈ હતી. પરંતુ એટલી ઝડપ ખમી શકે એવા રેલવે ટ્રેક ન હતા. માટે ૧૨૦ની ઝડપને મંજૂરી અપાઈ હતી. એ પછી ૧૩૦ની ઝડપ અને હવે ૧૫૦ કિલોમીટર સુધીની ઝડપે દોડી શકે છે.
અલબત્ત, રાજધાનીની ઓળખ લક્ઝરી અને સુપર ટ્રેન તરીકેની છે, એ ફાસ્ટેસ્ટ ટ્રેન નથી. એ વિક્રમ બીજી ટ્રેનોના નામે છે. પરંતુ ઓછા બ્રેક લેતી હોવાથી આ ટ્રેન આપોઆપ ઝડપી બની રહે છે. તેની સામે તેનું ભાડુ પણ ઘણુ મોંઘુ હોય છે.
અત્યારે દેશમાં વિવિધ સ્થળો વચ્ચે ૨૬ રાજધાની એક્સપ્રેસની જોડી દોડે છે અને રોજેરોજ દોડે છે. જોડી એટલા માટે કે દિલ્હીથી ઉપડીને કોઈ શહેર તરફ જાય અને ત્યાંથી રાજધાની પરત દિલ્હી આવે છે. માટે કુલ ટ્રેન સંખ્યા ૫૨ થાય છે. ભારતનું રેલવેતંત્ર ખોટ કરવા માટે જાણીતું છે. પરંતુ રાજધાની એ વખતે નફો કરતી હતી. ત્યારે દેશમાં બહુ ઓછી ટ્રેન નફો કરી શકતી હતી.
વિવિધ રાજ્યો વચ્ચે પોતાને ત્યાં રાજધાની આવે એ માટે ખંચતાણ ચાલતી રહેતી હતી. કેમ કે એ ટ્રેન મોભાનું પ્રતિક બની હતી અને આજે પણ મોભાદાર છે. ટ્રેનમાં ભોજન પિરસતી હોય એવી પણ ટ્રેનોની સંખ્યા ત્યારે મર્યાદિત હતી, જેમાં રાજધાનીનો સમાવેશ થતો હતો. એક સમાન ઓળખ જળવાઈ રહે એટલા માટે બધી ગાડીના નંબર ૧૨થી જ શરૃ થાય એ રીતે અપાતા હતા.
જેમ કે અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડતી સુવર્ણજયંતિ રાજધાનીનો  નંબર ૧૨૯૫૭/૧૨૯૫૮ છે. હવે જોકે પાછળથી શરૃ થયેલી કેટલીક ટ્રેનોના નંબર અલગ પણ છે. પરંતુ મોટા ભાગની ગાડીઓના નંબરમાં બારનો આંકડો જોવા મળે છે. મોટા ભાગની રાજધાનીના ડબ્બાને ચમકતો કેસરી રંગ કરવામાં આવ્યો છે. માટે તેનુ બીજું નામ ગોલ્ડન ગર્લ પણ છે. અલબત્ત, હવે અમુક ટ્રેનોમાં જૂદો કલર જોવા મળે છે. પરંતુ બહુદ્યા રાજધાનીનો કલર ચળકતો કેસરી જ હોય છે.
આજે દેશના દરેક ખૂણે રાજધાની પહોંચી ચૂકી છે. સૌથી લાંબી રાજધાની દિલ્હી-તિરૃવનંથપુરમ વચ્ચે દોડે છે. ૩૧૪૯ કિલોમીટરનું અંતર એ રેલગાડી ૪૨ કલાકમાં કાપે છે. તો વળી દિલ્હીથી જમ્મુ તાવી જતી રાજધાની સૌથી ટૂંકી છે, કેમ કે તેણે પોણા છસ્સો કિલોમીટરનું જ અંતર કાપવાનું થાય છે. ભારતમાં રાજધાની ટ્રેનોના અકસ્માતનો દર પણ સૌથી ઓછો છે. મુસાફરો તેમાં સલામતીનો અહેસાસ કરી શકે છે.