Thursday, 11 October 2018

એશિયન પેરા ગેમ્સમાં ભારતને સાતમો ગોલ્ડ : તીરંદાજીમાં હરવિન્દરની સફળતા


- મેન્સ ડિસ્કસ થ્રો અને ચેસમાં સિલ્વર મેડલ

- ગોળાફેંક અને ચેસમાં બ્રોન્ઝ


એશિયન પેરા ગેમ્સમાં ભારતની ગોલ્ડન સફળતાના સિલસિલાને આગળ ધપાવતા તીરંદાજીમાં પેરા શૂટર હરવિન્દર સિંઘે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે એશિયન પેરા શૂટિંગમાં ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા સાત થઈ ગઈ છે. જ્યારે ભારતે સૌપ્રથમ વખત એશિયન પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરવિન્દર સિંઘે ડબલ્યુટુ/એસટી કેટેગરીમાં આ સફળતા હાંસલ કરી હતી. 
ચેસની ઈવેન્ટમાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મળ્યા હતા. જ્યારે એથ્લેટિક્સમાં ભારતને ચક્ર ફેંકમાં સિલ્વર અને ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. 
ભારતના મોનુ ઘાંગસે પુરુષોની એફ૧૧ કેટેગરીમાં ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે મોહમ્મદ યાસેરે ગોળા ફેંકની એફ૪૬ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે પોઈન્ટ ટેબલમાં ભારતની સ્થિતિને વધુ મજબુત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતની જયંતી બેહેરાએ ૨૦૦ મીટરની સ્પ્રિન્ટ ઈવેન્ટમાં કાંસ્ય સફળતા હાંસલ કરી હતી. ઓડીશા સરકારે તેને ૧૦ લાખ રૃપિયાનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી દીધી હતી. 
ચેસમાં પીવન કેટેગરીમાં ભારતની કાનીકાઈ ઈરુદાયારાજ જેન્નીથા એન્ટોએ વ્યક્તિગત કેટેગરીમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે જેન્નીથા અને રાજુ પ્રેમા કાનીશશ્રીની જોડીએ મહિલાઓની સ્ટાન્ડર્ડ પી૧ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મેઘા ચક્રવર્તી, ટીજાન પુનારામ ગાવાર અને મૃણાલી પ્રકાશ પાંડેની બનેલી મહિલાઓની ટીમ સ્ટાન્ડર્ડ ફાઈવ- બી૨/બી૩ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. 
ભારતના સાત ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ મેડલ થઈ ગયા છે.