Tuesday, 19 March 2019

છેવટે રાતે બે વાગ્યે પ્રમોદ સાવંતે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યાં
ભારે ગડમથલ બાદ છેવટે પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી બન્યાં છે. વિધાનસભા અધ્યક્ષ રહેલાં પ્રમોદ સાવંતે મંગળવારે રાતે લગભગ પોણા બે વાગ્યે રાજભવન ખાતે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા. તેમની સાથે 11 ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ લીધાં.

પ્રમોદ સાવંતની સરકારમાં બે નાયબ મુખ્યમંત્રી રહેશે. મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના સુધિન ધવલીકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ વિજય સરદેસાઇ નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળશે. એ સિવાય તમામ મંત્રીઓ એ જ રહેશે જે મનોહર પર્રિકરની સરકારમાં મંત્રી હતાં. 

અગાઉ રવિવારે મનોહર પર્રિકરના નિધન બાદ ગોવામાં રાજકીય હિલચાલ વધી ગઇ હતી. પહેલાં કોંગ્રેસે પણ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રવિવારે સાંજે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ગોવા પહોંચ્યાં, મળતી માહિતી મુજબ પહેલા સુધિન ધવલીકર અને વિજય સરદેસાઇ બંનેએ મુખ્યમંત્રીપદની માગણી કરી હતી.
છેવટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે દરમિયાનગીરી કરીને બે નાયબ મુખ્યમંત્રી વાળી ફોર્મ્યૂલા સૂચવી. 40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં હાલ 36 સંખ્યા છે અને ભાજપ પાસે 20 ધારાસભ્યોનું સમર્થન છે. 

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન

દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પાર્રિકરનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન થયો.  તેમના અંતિમ સંસ્કાર પણજીની નજીક મીરામાર બીચ પર પૂરા રાજકીય અને સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા. આ અવસર પર ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને અન્ય ગણમાન્ય લોકો ઉપસ્થિત હતા. 63 વર્ષીય પાર્રિકરે કાલે પણજીની નજીક પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તે એક વર્ષથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. આ પહેલા પાર્રિકરની અંતિમ યાત્રા કલા અકાદમી કોમ્પલેક્સથી શરૂ થઈ મીરામાર બીચ પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાર્રિકરનો પાર્થિવ દેહ દર્શનાર્થે પણજીની કલા અકાદમી અને ભાજપા મુખ્યાલયમાં રાખવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, સુરેશ પ્રભુ, નિર્મલા સીતારમન, સ્મૃતિ ઈરાની તથા શ્રીપદ નાયક, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય કેટલાએ મહત્વપૂર્ણ વ્યક્તિઓએ દિવંગત નેતાને શ્રદ્ધાંજલી આપી હતી..