રવિવાર, 9 ઑગસ્ટ, 2020

 સંરક્ષણ મંત્રાલયે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા કરી મોટી જાહેરાત

101 જેટલા સંરક્ષણ ઉપકરણોની આયાત પર સંરક્ષણ મંત્રાલય લગાવશે પ્રતિબંધ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટવીટ કરીને આપી માહિતી

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ટવીટ કરીને જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલય આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા 101 જેટલા સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુકવા ભલામણ કરશે. સંરક્ષણમંત્રીએ જે 101 સંરક્ષણ ઉપકરણોની નિકાસ પર ચોક્કસ મુદત માટે પ્રતિબંધ મુકાવા જઇ રહ્યો છે તેની યાદી પણ આપી હતી. આ અંગે નિષ્ણાંતોનું માનવું છે કે, 101 જેટલા સંરક્ષણ ઉપકરણોની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતાં તેના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને વેગ મળશે. ખાનગી ક્ષેત્ર પણ તેમાં યોગદાનની સાથે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે.

 

 મુખ્યમંત્રીની "મોકળા મને " શીર્ષક હેઠળ યોજાયેલા સંવાદ

કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીમાં સીધા સંકળાયેલા અને કોરોના સામેના જંગમાં પોતાનું જીવન હારી ચૂકેલા 35 દિવંગત કર્મયોગીઓના પરિવારજનો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. "મોકળા મને " શીર્ષક હેઠળ યોજાયેલા આ સંવાદમાં દિવંગત કોરોના વોરિયર્સના પરિવારજનો માટે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી. 

જે અંતર્ગત પોતાનું આવાસ ન હોય તેવા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિવારને સરકારી યોજનાના આવાસ ફાળવણીમાં અગ્રતા અપાશે. એટલે કે, ડ્રો વિના તેમને આવાસ ફાળવાશે. સાથે જ માં અમૃતમ, માં વાત્સલ્યમ યોજના અન્વયે રૂ.3 લાખ સુધીની આરોગ્ય સારવાર મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના પરિવારજનોને અપાશે.

વિશ્વ આદિવાસી દિવસ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

રાજપીપળા ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ઉજવાયો આદિવાસી દિવસ

વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી અને માસ્ક સાથે આદિવાસી દિવસ ઉજવાયો હતો. નર્મદા જિલ્લાના આદિવાસીઓને તેમની કુશળતા મુજબ અલગ અલગ પ્રશસ્તિપત્રો આપવામાં આવ્યા હતા. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આદિવાસી શબ્દ રદ કરવાની છોટુભાઈ વસાવાની વાતમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, તેમાં સમાજે માનસિકતા બનાવવી પડે. મારા આદિવાસી ભાઈ-બહેનો પણ પછાતમાંથી સામાન્યમાં જોડાય અને પછાત વિસ્તાર તરીકે વિકસિત વિસ્તાર તરીકે તેને ઓળખવામાં આવે આ સરકારની અને સમાજની પણ ફરજ છે.