ગુરુવાર, 29 જૂન, 2017

'ચણા', 'ચણા -દાળ' સહિત ૬૦૦ નવાં શબ્દોનો ઓક્સફર્ડ ડિક્શનરીમાં સમાવેશ




જગ-વિખ્યાત ઓક્સફર્ડ ડિક્શનરીએ ૬૦૦થી વધુ નવાં શબ્દોને પોતાના શબ્દ-ભંડોળમાં સ્થાન આપ્યું છે, જેમાં ભારતીય શબ્દો ચણા, ચણા દાળનો પણ સમાવેશ થાય છે. ઓક્સફર્ડ ડિક્શનરી જગતભરમાં માઈલસ્ટોન ગણાય છે અને અંગ્રેજી ભાષા માટે એક મહત્ત્વનો ગ્રંથ છે. 

અંગ્રેજી ભાષા જગત પર રાજ કરતી હોવાનું કારણ તેનું આ ખુલ્લાંપણું છે. આખા જગતમાંથી અંગ્રેજી ભાષામાં જે નવાં શબ્દો આવ્યા હોય તેને અંગ્રેજી ભાષા સરળતાથી સ્વીકારી ડિક્શનરીમાં સ્થાન આપે છે. પરિણામે આખી દુનિયાને એ ભાષા પોતીકી લાગે છે.


ચણાને અંગ્રેજીમાં 'ચિક્પીસ' કહેવામાં આવે છે, જ્યારે ચણા-દાળ માટે પણ 'સ્પ્લિટ ચિક્પિક લેન્ટિલ' એવા શબ્દો છે જ. પરંતુ અંગ્રેજી બોલનારા હવે વ્યાપકપણે ચણા, ચણા-દાળ જેવા શબ્દો પ્રયોજતા હોવાથી ડિક્શનરીમાં તેમને સ્થાન મળ્યું છે. એટલે કે અંગ્રેજી વાક્યમાં પણ કોઈ ચણા લખશે તો એ ખોટું નહીં ગણાય.

ચીની નૌસેનાએ આજે દસ હજાર ટન વજન ધરાવતું મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધજહાજ લૉન્ચ કર્યું હતું…



ડ્રેગને ગ્લોબલ નેવલ પાવર બનવાના હેતુથી ઘરઆંગણે જ આ અત્યાધુનિક જહાજ વિકસાવ્યું છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, ચીની સરકારે અમેરિકા અને ભારત જેવા મજબૂત નૌસેના ધરાવતા દેશોને ધ્યાનમાં રાખીને જ આ યોજના તૈયાર કરી હતી. આગામી દિવસોમાં ચીન હિંદ મહાસાગરમાં આ યુદ્ધજહાજ તૈનાત કરશે.

શાંઘાઈના જિઆંગન બંદરે નૌસેનાને વિધિવત અપાયેલું આ યુદ્ધજહાજ સંપૂર્ણપણે ચીની ટેક્નોલોજી આધારિત છે. ડિસ્ટ્રોયર શ્રેણીનું ચીનનું આ પહેલું યુદ્ધજહાજ છે, જેમાં એન્ટિ મિસાઈલ સિસ્ટમની સાથે એર ડિફેન્સ, એન્ટિ શિપ અને એન્ટિ સબમરિન વેપન સિસ્ટમ હોવાનો ચીની નૌસેનાએ દાવો કર્યો હતો.


ચીન સરકારે કહ્યું હતું કે, આ પ્રકારના યુદ્ધજહાજથી ચીની નૌસેનાને વધુ એક અત્યાધુનિક જહાજ મળશે.આ ડિસ્ટ્રોયરથી ચીની નૌસેનાની શક્તિમાં અનેકગણો વધારો થયો છે. આ મિસાઈલ ડિસ્ટ્રોયરની સાથે ચીન બે મહાકાય એરક્રાફ્ટ કેરિયર યુદ્ધજહાજો પણ ધરાવે છે. નૌસેનાનો આ કાફલો હિંદ મહાસાગરમાં તૈનાત કરવાનો ડ્રેગનનો ઈરાદો છે.

સિક્કિમ સરહદ ૨૨૦ કિમી સુધી ફેલાયેલી, ૨૦૦૮માં પણ બંકરો તોડયા હતા.

ભારત અને ચીનની સરહદનો કુલ વિસ્તાર ૩,૪૮૮ કિમીનો છે.જે જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ સાથે સંકળાયેલો છે. 

હાલ સિક્કિમની જે સરહદે ભારત અને ચીન વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે તે આશરે ૨૨૦ કિમી સુધી ફેલાયેલી છે. આ જ વિસ્તારમાં ચીની સૈનિકોએ ભારતના બે બંકરો ઉડાવી દીધા હતા. 

જ્યારે એક બંકર પર હવે બુલડોઝર ફેરવી દીધુ હોવાના અહેવાલો છે. આ બંકર હટાવવા પહેલા ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર દબાણ કર્યું હતું. જેને સ્વીકારવાની ભારતે ના પાડી દીધી હતી. જે બાદ બળજબરીથી ચીની સૈનિકો બુલડોઝર લઇને સરહદમાં ઘુસ્યા હતા અને આ બંકર પર બુલડોઝર ફેરવી હટાવી દીધુ હતું. ૨૦૦૮માં પણ ચીની સૈનિકોએ આ જ રીતે ભારતના બે બંકરો તોડયા હતા. 

પહેલી જુલાઇથી પાનકાર્ડને આધારકાર્ડ નંબર સાથે જોડવું ફરજીયાત



ઇન્કમટેક્સઇન્ડિયાઇફાઇલિંગ નામની વેબસાઇટ દ્વારા ઓનલાઇન પાનકાર્ડને આધાર નંબર સાથે લિંક કરી શકાશે

પહેલી જુલાઇથી પાન કાર્ડને આધાર કાર્ડની સાથે જોડવું ફરજીયાત થઇ જશે. 

આ ઉપરાંત જો કોઇ પહેલી જુલાઇ બાદ નવા પાન કાર્ડ માટે અરજી કરે તો તેઓએ પણ અરજી સાથે આધાર કાર્ડ નંબરને જોડવો ફરજીયાત રહેશે. પાનકાર્ડ હાલ આઇટી રિટર્ન ભરતી વેળાએ ફરજીયાત છે. માટે હવે આ પાનકાર્ડની સાથે લોકોએ આધાર નંબર પણ જોડવાનો રહેશે.