ભારતના પ્રથમ ઉપગ્રહ 'આર્યભટ્ટ'ના જનક યુ.આર.રાવનું ૮૫ વર્ષે
નિધન....
ઈસરોના પૂર્વ ચેરમેન અને દેશના
જાણીતા વિજ્ઞાની પ્રોફેસર ઉડુપી રામચંદ્ર (યુ.આર.)રાવનું આજે ૮૫ વર્ષની વયે અવસાન
થયું હતું. તેમના બેંગાલુરુ સ્થિત ઘરે મધરાતે ૩ વાગ્યા આસપાસ તેમણે અંતિમ શ્વાસ
લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા. ૧૯૮૪થી ૧૯૯૪ સુધી દસ વર્ષ ઈસરોના
ચેરમેન રહી ચૂકેલા પ્રોફેસર રાવ ભારતમાં ઉપગ્રહના જનક ગણાય છે. તેમની આગેવાનીમાં જ
દેશનો પ્રથમ ઉપગ્રહ 'આર્યભટ્ટ' ૧૯૭૫માં તૈયાર થયો
હતો. પ્રોફેસર રાવનો જન્મ ૧૯૩૨ની ૧૦મી માર્ચે કર્ણાટકના અંદામારુ ગામે થયો હતો.
શેડમાં પ્રથમ ઉપગ્રહ તૈયાર
કર્યો
વિક્રમ સારાભાઈએ જ્યારે ૧૯૬૦-૭૦ના
દાયકામાં યુવા વિજ્ઞાનીઓની ટીમ સાથે ભારતનો અવકાશ કાર્યક્રમ શરૃ કર્યો ત્યારે
તેમાં યુવાન યુ.આર.રાવ પણ શામેલ હતા. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી
(PRL)માં કામ કરતા રાવને સારાભાઈએ ઉપગ્રહની કમાન સોંપી હતી. સારાભાઈના અવસાન
પછી યુ.આર.રાવે કુશળતાપૂર્વક દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કરી બતાવ્યો હતો.
એ વખતે ઈસરો પાસે ઉપગ્રહ બનાવવા માટે આધુનિક કહી શકાય એવુ બિલ્ડિંગ પણ ન હતુ. માટે
બેંગાલુરુના જીઆઈડીસીના શેડમાં વર્કશોપ તૈયાર કરી ત્યાં ઉપગ્રહ તૈયાર કરવામાં
આવ્યો હતો.
મંગળયાનમાં સક્રિય હતા
ઈસરોમાંથી નિવૃત્ત થયા પછી પણ તેઓ
ઈસરોની સલાહકાર સમિતિમાં હતા અને સક્રિયપણે માર્ગદર્શન આપતા રહેતા હતા. જ્યારે
મંગળયાન માટે વિજ્ઞાનીઓની ટીમ તૈયાર થઈ રહી હતી ત્યારે ઈસરોના ડિરેક્ટર રાધાકૃષ્ણન
સૌથી પહેલા જઈને પોફેસર રાવને મળ્યાં હતા. રાવ સૌથી પહેલા મંગળયાનની ટીમમાં જોડાયા
હતા. જોકે તેમને સક્રિય કામગીરી કરવાની ન હતી, પણ માર્ગદર્શકનો રોલ ભજવવાનો હતો.
અમેરિકા મુકીને ભારત આવ્યા
હતા
૧૯૬૬માં ઈસરોમાં કામગીરી શરૃ કરીએ
પહેલા તેઓ અમેરિકા હતા અને ત્યાં મેસેચ્યુશેટ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)
તથા યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ભણાવતા હતા. વિક્રમ સારાભાઈના આગ્રહથી તેઓ દેશના
અવકાશ કાર્યક્રમને આગળ ધપાવવા ભારત આવ્યા હતા. ગુજરાત સાથે તેમને અંગત નાતો હતો.
અમેરિકાથી આવ્યા પછી તેઓ અમદાવાદમાં પીઆરએલમાં જોડાયા હતા. અહીં રહીને ગુજરાત
યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિજિક્સમાંથી તેમણે પીએચ.ડી.ની ડીગ્રી હાંસલ કરી
હતી. તેમણે બ્રહ્માંડ કિરણો પર ડોક્ટરેટ કર્યું હતું અને એ શોધનિબંધમાં તેમના ગાઈડ
ડો.વિક્રમ સારાભાઈ હતા.
ઉપગ્રહોના વૈશ્વિક નિષ્ણાત
પ્રોફેસર રાવ સેટેલાઈટ ટેકનોલોજીના
નિષ્ણાત તરીકે જગવિખ્યાત થયા હતા. માટે જ ૨૦૧૩માં તેમને 'ધ સોસાયટી
ઓફ સેટેલાઈટ પ્રોફેશનલ્સ ઈન્ટરનેશનલ' દ્વારા અમેરિકામાં 'હોલ ઓફ ફેમ'માં સ્થાન આપવામાં આવ્યુ હતુ. આવુ સન્માન
મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય વિજ્ઞાની હતા. ભારત સરકારે તેમના જ્ઞાનની કદર કરીને
૧૯૭૬માં પદ્મભૂણષથી નવાજ્યા હતા, જ્યારે ૨૦૧૭માં
પદ્મવિભૂષણનું સન્માન મળ્યું હતુ.
બ્રહ્માંડ કિરણોના અભ્યાસુ
ઈસરોના ચેરમેનકાળ દરમિયાન તેમણે
ભારતનું સેટેલાઈટ લોન્ચિંગ વ્હિકલ વિકસાવવા પર ધ્યાન આપ્યું હતુ. સેટેલાઈટ ઉપરાંત
કોસ્મિક રે એટલે બ્રહ્માંડમાં દૂરથી આવતા કિરણોના તેઓ અભ્યાસુ હતા. તેમણે ૩૫૦થી
વધારે વૈજ્ઞાનિક સંશોધન પત્રો (રિસર્ચ પેપર) રજૂ કર્યા હતા. વડાપ્રધાન સહિતના
આગેવાનોએ તેમના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતુ.