સોમવાર, 30 એપ્રિલ, 2018


૨૨૬ દિવસ ચાલેલા 'ખાંભી સત્યાગ્રહે' 'મહાગુજરાત આંદોલન'ને વેગ આપ્યો હતો

Image result for khambhi satyagraha gujarat

- ૧૯૫૮માં આંદોલનકારીઓએ રાતોરાત ચૂપચાપ ખાંભી ઉભી કરી દીધી હતી
- ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આંદોલનની એક અજાણી કથા ધાંગધ્રાની ઘંટીના પથ્થર પર મશાલ ગોઠવીને સ્મારક

૧લી મેના દિવસે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઉજવાશે. ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલને મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. પરંતુ ૧૯૫૬માં શરૃ થયેલા આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ૬૦ વર્ષ પહેલા શરૃ થયેલા ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. નવલોહિયા યુવાનોએ સરકારની જાણ બહાર રસ્તા પર ખાંભી ઉભી કરી લોકોની લાગણીને સાંકેતિક રીતે વાચા આપી હતી. માટે એ સત્યાગ્રહ ખાંભી સત્યાગ્રહ તરીકે જાણીતો બન્યો છે. આ સત્યાગ્રહ ૨૨૬ દિવસ સુધી ચાલ્યો હતો અને અંતે સરકારે ઝુકવું પડયું હતુ.

કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. માટે ૧૯૫૬માં જ નાના પાયે આંદોલનની શરૃઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિાક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૃઆત કરી પછી આંદોલને મોટું સ્વરૃપ ધારણ કર્યું અને છેવટે મહાગુજરાત આંદોલન તરીકે પ્રસિદ્ધિ પામ્યું.

ખાંભી સત્યાગ્રહના સાક્ષી રહી ચૂકેલા ૮૦ વર્ષના સેનાની રમણભાઈ પંચાલ જણાવે છે કે 'અમે બધા કોલેજના વિદ્યાર્થીઓ ૧૯૫૬ની ૭મી ઓગસ્ટે એ વખતના કોંગ્રેસ હાઉસ ખાતે કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા માટે ગયા હતા. અમારા હાથમાં પુસ્તકો હતા, પણ સામે થ્રી-નોટ-થ્રી રાઈફલ તૈયાર હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર ગોળીઓ છોડાઈએ. એ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા.'

ગોળીબારથી લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો. એ પછી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પાળીને મોરારજીભાઈની નેતાગીરીને તમાચો માર્યો. ઈન્દુલાલ યાજ્ઞિાક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા. લોકોને શહાદત અને કોંગ્રેસની નેતાગીરીન નિષ્ફળતા યાદ રહે એટલા માટે ઈન્દુલાલે કોંગ્રેસ ભવનની ઓટલી ઉપર જ શહીદ સ્મારક મુકવાની જાહેરાત કરી.

ખંતિલા યુવાનો સ્મારકની કામગીરી સોંપાઈ. કડિયાનાકામાંથી ધાંગધ્રાની ઘંટીના પથ્થર મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યુ હતુ. નક્કી થયા પ્રમાણે ૧૯૫૮ની ૭મી ઓગસ્ટે રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલી ઓટલી તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે ૮મી ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલે ત્યાં ખાંભી ગોઠવી. યુવાનો દ્વારા ચણતર કરી લેવામાં આવ્યું અને એ પછી સત્યાગ્રહને ખાંભી સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું.

ખાંભી ગોઠવાઈ જવાથી લોકોનો જુસ્સો વધ્યો. એટલે સરકારે રાતોરાત એ સ્મારકને ત્યાંથી હટાવી દેવું પડયું. માટે આજે એ અસલ સ્મારક ત્યાં નથી. પાછળથી જોકે નવું સ્મારક બનાવાયું છે. અત્યાર સુધી ધીમે ધીમે ચાલતા આંદોલનને આ ઘટના પછી વેગ મળ્યો. અનેક લોકો સત્યાગ્રહમાં જોડાયા. ૨૨૬ દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો અને મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી. છેવટે સરકારે આંદોલનકારીઓ સામે ઝૂકવું પડયું અને અંતે બે વર્ષ પછી ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પણ થઈ.

કવિ પ્રદીપે શહાદત પર કવિતા લખી

રાષ્ટ્રભક્તિના ગીત-કવિતા રચવા માટે જાણીતા કવિ પ્રદીપે ચાર વિદ્યાર્થીઓની શહાદત પર પણ કવિતા લખી હતી. એ કવિતાની કેટલીક પંક્તિ...

'તૂટ પડી બિજલી સપનો પર હુઈ ભાગ્ય ઘાત
આજ આંખમે આંસુ લેકર બેઠા હૈ ગુજરાત
ઉસે દીખાએ યે દિલકા છાલા, કોઈ દર્દ સમજને વાલે કો
ફુટફુટ કર રોતે હૈ પ્યારે બાપુ કે પ્રાણ..
આજ આંખોમેં આંસુ લેકર...'



તલવારબાજીના વર્લ્ડ કપમાં ભારતને સિલ્વર

Image result for bhawani devi of india won gold medal


રેયકજાર્વિક : ભારતની ભવાની દેવીએ આઇસલેન્ડના રેયકજાર્વિકમાં યોજાયેલી વર્લ્ડ કપ સેટેલાઈટ ફેન્સિંગ ચેમ્પિયનશીપની સાબેર ઈવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. તમિલનાડુની તલવારબાજને અમેરિકાની એલેક્સીસ બ્રાઉન સામે ૧૦-૧૫થી હારનો સામનો કરવો પડયો હતો. ભારતીય તલવારબાજે ક્વાર્ટર ફાઈનલમાં પેરેડ ટોરેસને ૧૫-૯થી અને સેમિ ફાઈનલમાં ગુઈલા એર્પીનોને ૧૫-૧૦થી હરાવીને આગેકૂચ કરી હતી. ગત વર્ષે રમાયેલી આ જ ટુર્નામેન્ટમાં ભવાની દેવીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સમયે તેણે આંતરરાષ્ટ્રીય તલવારબાજીમાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય મહિલા ખેલાડી તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો હતો.


તીરંદાજીમાં અભિષેક અને જ્યોતિની જોડીને બ્રોન્ઝ



શાંઘાઈ : ભારતના અભિષેક વર્મા અને જ્યોતિ સુરેખા વેન્નામે તીરંદાજી વર્લ્ડ કપની મિક્સ પેર્સ ઈવેન્ટમા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે શાંઘાઈમાં યોજાયેલી તીરંદાજીની મેજર ઈવેન્ટમાં ભારતે પહેલો મેડલ જીત્યો હતો. 

અભિષેક અને જ્યોતિની જોડીએ બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં તુર્કીના યેસીમ બોસ્ટાન અને ડેમીર ઈલ્માગાલીની જોડીને ૧૫૪-૧૪૮થી પરાજય આપ્યો હતો. અભિષેક વર્માએ આ સાથે વર્લ્ડ કપમાં બીજી વખત બ્રોન્ઝ જીત્યો છે, જ્યારે ઓવરઓલ તેનો આ સાતમો મેડલ છે. જ્યોતિએ પહેલી વખત આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરીહતી.

સુપ્રીમ કોર્ટના જજ ઈન્દુ મલ્હોત્રા


- પ્રથમ વાર કોઈ મહિલા વકીલની સીધા SCના જજ તરીકે નિમણૂક કરાઈ
- વરિષ્ઠ મહિલા વકીલ ઈન્દુ મલ્હોત્રાએ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકેના શપથ લીધા

તા. 27 એપ્રિલ 2018 શુક્રવાર

વરિષ્ઠ મહિલા વકીલ ઈન્દુ મલ્હોત્રાએ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકેના શપથ લીધા. આ અવસર ઐતિહાસિક છે, કેમ કે આજે દેશમાં પ્રથમ વાર કોઈ મહિલા વકીલની સીધા સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ગત ત્રણ દાયકાઓથી વકાલત કરી રહેલા ઈન્દુ મલ્હોત્રા કાયદાના વિશેષજ્ઞ છે. તે વિભિન્ન ઘરેલૂ અને આંતરાષ્ટ્રીય વાણિજ્યિક કેસમાં હસ્તક્ષેપ કરતા પણ જોવા મળ્યા છે. ડિસેમ્બર 2016માં ભારત સરકારે ભારતમાં હસ્તક્ષેપ તંત્રના સંસ્થાનીકરણની સમીક્ષા કરવા માટે તેમને કાયદા અને ન્યાય મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્ય બનાવ્યા હતા. ઈન્દુ મલ્હોત્રા વર્ષ 2007માં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નોમિનેટ થનાર બીજી મહિલા હતા.


ઈન્દુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે કાર્યરત હતા. તેમના પિતા ઓમ પ્રકાશ મલ્હોત્રા પણ સુપ્રીમ કોર્ટમાં સીનિયર એડવોકેટ હતા. ઓમ પ્રકાશ મલ્હોત્રા એક સારા લેખક પણ હતા. જેમણે ઔદ્યોગિક વિવાદોના કાનૂન અને લૉ એન્ડ પ્રેક્ટિસ ઓફ આર્બિટ્રેશન પર પુસ્તકો લખ્યા.



દાદા સાહેબ ફાળકેના 148માં જન્મદિવસે ગુગલે ડૂડલ બનાવી શ્રદ્ધાંજલિ અર્પી

Image result for dada saheb phalke on google doodle


- તેમનો જન્મ 30 એપ્રિલ 1870એ મહારાષ્ટ્રના ત્ર્યમ્બકેશ્વરમાં થયો હતો.

- દાદા સાહેબ ફાળકેએ 19 વર્ષની કારકિર્દી દરમિયાન 95 ફિલ્મો અને 27 શોર્ટ ફિલ્મ બનાવી.

આજે ગૂગલે ભારતીય સિનેમાના જનક દાદા સાહેબ ફાળકેના 148માં જન્મદિવસ પર ડૂડલ બનાવીને યાદ કર્યા છે. ફાળકે ભારતીય ફિલ્મોના પ્રથમ ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને સ્ક્રિપ્ટરાઈટર હતા.

તેમણે તેમની 19 વર્ષની કારકિર્દી દરમિયાન 95 ફિલ્મો અને 27 શોર્ટ ફિલ્મ બનાવી હતી. પહેલી ફિલ્મ રાજા હરિશચંદ્ર બનાવી હતી. જેને ભારતની પહેલી ફીચર ફિલ્મનો દરજ્જો મળેલો છે. આ સિવાય તેમણે કેટલીય યાદગાર ફિલ્મો જેવી કે મોહિની ભસ્માસુર, સત્યવાન સાવિત્રી અને કાલિયા મર્દન જેવી ફિલ્મો બનાવીને લોકોના દિલોમાં અમિત છાપ છોડી હતી.

દાદાસાહેબ ગોવિંદ ફાળકેનો જન્મ 30 એપ્રિલ 1870એ મહારાષ્ટ્રના ત્ર્યમ્બકેશ્વરમાં થયો હતો. આ સ્થાન નાસિકથી 30 કિલોમીટરના અંતરે આવેલુ છે. તેમના પિતા એક જાણીતા વિદ્વાન હતા.

દાદાસાહેબે વર્ષ 1885માં મુંબઈની જે જે સ્કુલ ઓફ આર્ટમાંથી અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમણે વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાના કલા ભવનથી મૂર્તિકલા, ઈન્જિનિયરિંગ, ચિત્રકારી, ચિત્રકલા અને ફોટોગ્રાફીનો અભ્યાસ કર્યો હતો.

અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે ગોધરામાં ફોટોગ્રાફર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ આ દરમિયાન આવેલા બૂબોનિક પ્લેગના કારણે તેમની પત્ની અને બાળકોના મોત થઈ ગયા હતા ત્યારે તે પોતાની નોકરી છોડીને પાછા મુંબઈ આવી ગયા હતા. જે બાદ તેમણે અમુક દિવસ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં કામ કર્યું પરંતુ બાદમાં તેમણે પ્રિન્ટિંગ પ્રેસ લગાવી અને બિઝનેસ કરવાનું શરૂ કર્યું. પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યા પહેલા તેમણે ચિત્રકાર રાજા રવિ વર્માની સાથે કામ કર્યું હતુ.


પોતાના બિઝનેસ પાર્ટનર સાથે મૂક ફિલ્મ ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટને લઈને તેમનો વિવાદ થઈ ગયો. જે બાદ તેમનું ધ્યાન ફિલ્મો તરફ ગયુ. જે બાદ તેમને સૌથી પહેલા રાજા હરિશચંદ્ર નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શરૂઆત કરી હતી. જે આજે દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બની ચૂકી છે. નાસિકમાં 16 ફેબ્રુઆરી 1944એ તેમનું નિધન થઈ ગયુ હતુ.