શુક્રવાર, 6 જુલાઈ, 2018

2000 વર્ષથી વધુ ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર રાજપૂત, માલવા, સૌરાષ્ટ્રને જોડતું વડનગર વેપારી મથક હતું


- હ્યુ એન સાંગે 10 બૌદ્ધ વિહાર હોવાનું આલેખ્યું :2005 - 06 માં ઉત્ખનન વખતે બૌદ્ધવિહાર અને સ્તૂપ મળ્યા, માથાના વાળ ગુંચળુ વળેલી બુદ્ધની અલભ્ય પ્રતિમા મળી

મૌર્ય યુગથી મરાઠા યુગ અને અંગ્રેજ શાસન વખતે ઘણી તડકી-છાંયડી વેઠી ચુકેલુ વડનગર નગર રાજપૂતો, માલવા, સૌરાષ્ટ્રને જોડતી એક મહત્વનુ સાંસ્કૃતિક અને વ્યાપારિક કેન્દ્ર હતું. જે આજે પણ ગૌરવપૂર્ણ ભૂતકાળના આધારે તજસ્વી વર્તમાન ઘડી રહ્યું છે. ઐતિહાસિક નગરી વડનગરમાં કિર્તીતોરણ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મહાદેવ અને તાના-રીરી સિવાય આશરે ૨૦૦૦ વર્ષ કે તેથી પણ વધારે સળંગ ઈતિહાસ ધરાવતું નગર ઉંચા ટેકરા પર વસેલુ છે.

ઈ.સ.ની પહેલી સદીમાં ભારતમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે વિદ્વાનો વિદેશ જવા લાગ્યા અને તેમના સંસર્ગથી પરદેશી મુમુક્ષો બૌદ્ધ ધર્મ જાણવા ભારતમાં આવવા લાગ્યા હતા. જેમાં ચીનના હ્યુ એન સાંગ ઈ.સ.૬૪૧માં ગુજરાતના વડનગરની બૌદ્ધ ધર્મ જાણવા અને સમજવા મુલાકાત લીધી હતી. વડનગરની તેની મુલાકાતમાં અહીં ૧૦ બૌદ્ધ વિહારો હોવાનું નોંધ્યું છે. જો કે કનૈયાલાલ દેસાઈ આ સંખ્યા ૩૦૦ની હોવાનું જણાવે છે.

કેટલાક વર્ષોથી પુરાતત્વ ખાતા દ્વારા ઉત્ખનન કામગીરી ચાલી રહી છે. જેમાં ઈ.સ.૨૦૦૫-૦૬માં વડનગરના ઘાંસકોળ દરવાજે ઉત્ખનન દરમિયાન એક બૌદ્ધ વિહાર અને સ્તૂપ મળ્યો હતો.એ સિવાય એક ખેતરમાં ખેડાણ કરતી વખતે ઈ.સી.ની બીજી ત્રીજી સદીની પદ્માસનમાં બેઠેલી બુદ્ધની પ્રતિમા મળી આવી છે. જેના માથાના વાળ ગુંચળુ વળેલા છે. ઉત્ખનન દરમિયાન જંગલમાં બુદ્ધ વિહાર કરતા હોય એ સમયે વાંદરો બુદ્ધને મધ આપે છે એવું અલભ્ય શિલ્પ પણ મળી આવ્યું છે.

તાજેતરમાં નગરની બહાર ઉત્ખનન કરતા માટીના વાસણો, શંખની બંગડીઓ તેમજ મણકા મળી આવેલા છે. ચાલુ વરસમાં શર્મિષ્ઠા તળાવ કિનારે ઉત્ખનન દરમિયાન એક વિશિષ્ટ સ્ટ્રક્ચર મળી આવેલા છે કે જે શું છે? શા માટે બનાવાયું હશે? જેવા સવાલો જવાબ વિદ્વાનો પણ આપી શકતા નથી. પરંતુ આ સ્ટ્રક્ચરમાં ૨૦ જેટલા સેલ એક પ્રકારના રૃમ જેવા મળી આવ્યા છે. આ સ્ટ્રક્ચર ક્ષત્રપ કાળથી લઈને મોગલ સમય સુધીનો કાળ ધરાવે છે. દરેક સમયના શાસકોએ તેમની જરૃરીયાત મુજબ જુદો-જુદો ઉપયોગ કર્યો હોવાનું મનાય છે.

અહીંથી મળેલ સોલંકી કાલીન ગણાતો એક વર્તુળાકાર અવશેષ કે જેના પર પ્રાચીન ભાષાના અક્ષરો કોતરાયેલા છે. જે કુતૂહલ જગાડે છે કેમકે તેનો ઉપયોગ શું હશે? શું છે? એના વિશે પુરાતત્વવિદો પણ એકમત નથી. પણ એ જ્યોતિષ દિશાસૂચન કે તાંત્રિકમાં ઉપયોગ લેવાતું સાધન હશે એવું માની શકાય.

ઋષિ આરા તરીકે ઓળખાતુ પુરાણુ સ્થળ

વડનગરના શર્મિષ્ઠા તળાવના ઉપરના ભાગે ઋષિ આરા તરીકે ઓળખાતુ એક પુરાણુ સ્થળ છે. આ જગ્યાની પ્રાચીનતામાં તળાવના આરે સપ્તઋષિની પ્રતિમાઓ કંડારેલી છે. હાલ ભગ્ન અવસ્થામાં જોવા મળે છે. આ બાંધકામ એક સમયે ચોક્કસ ભવ્ય હશે. અહીના શિલ્પો જોતા તળાવ કિનારે વિશાળ મંદિર કે મોટુ બાંધકામ હશે. તળાવ આસપાસ સુંદર પક્ષીઓ પણ જોવા મળે છે.  

અમરથોળ દરવાજાની બહાર કોટની દિવાલે છનાના મંદિરો


વડનગર અમરથોળ દરવાજા બહાર કોટની દિવાલને અડીને છનાના મંદિરો આવેલા છે. ૧૦મી સદીમાં બંધાયેલા આ મંદિરોમાંથી મુખ્ય મંદિર સિવાયના તમામ મંદિરો ભગ્ન અવસ્થામાં જોવા મળે છે. સૂર્ય, શક્તિ અને વિષ્ણુના આ મંદિરો છે. એક મંદિર લુપ્ત છે. અહીંથી મળેલી મૂર્તિઓ દિવાલ પર ગોઠવેલી જોવા મળે છે. મુખ્ય મંદિરમાં અત્યારે પૂજા-અર્ચના થાય છે તેના દરવાજા અને બારીમાં પણ જૂની કોતરણી છે. જેનો કેટલોક ભાગ જૂનો-નવો એ રીતે સચવાયું છે. કેટલાક સુંદર શિલ્પો પણ હાલ જોવા મળે છે.