બુધવાર, 6 ફેબ્રુઆરી, 2019

GSAT-31નું સફળ લોન્ચિંગ, ઇનસેટ-4CRની લેશે જગ્યા


ભારતીય સ્પેસ રિસર્ચ સંસ્થા (ઇસરો)ના 40મા કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-31ને બુધવારના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરાયું. આ લોન્ચ ફ્રેન્ચ ગુએનામાં સ્થિત યુરોપીયન સ્પેસ સેન્ટર પરથી ભારતીય સમયાનુસાર બુધવારના રોજ રાત્રે 2 વાગ્યે 31 મિનિટ પર કરાયું. લૉન્ચના 42 મિનિટ બાદ 3 વાગ્યાને 14 મિનિટ પર સેટેલાઇટ જિઓ-ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત થઇ ગયું. આ લોન્ચ એરિયનસ્પેસના એરિયન-5 રોકેટથી કરાયો.

GSAT-31નું વજન 2535 કિલોગ્રામ છે અને આ સેટેલાઇટની ઉંમર 15 વર્ષની છે. આ ભારતના જૂના કોમ્યુનિકેશન સેટેલાઇટ ઇનસેટ-4 સીઆરનું સ્થાન લેશે. ફ્રેન્ચ ગુએનાના ઇસરોની તરફથી ઉપસ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડાયરેકટર એસ પાંડિયને આ અંગે કહ્યું કે લોન્ચમાં કોઇ સમસ્યા નથી આવી. GSAT-31 ઇનસેટ સેટેલાઇટને રિપ્લેસ કરશે. હું આ સફળતા માટે એરિયનસ્પેસ અને ઇસરોના અધિકારીઓએ એ અધિકારીઓને અભિનંદન પાઠવવા માંગું છું, જે જાન્યુઆરીના શરૂઆતથી જ અહીં ગુએનામાં હાજર છે.

જુલાઇમાં GSAT-30ને પણ લોન્ચ કરશે એરિયનસ્પેસ
એસ પાંડિયને કહ્યું કે એરિયનસ્પેસ જ આ વર્ષે જૂન-જુલાઇમાં વધુ એક કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-30 લોન્ચ કરશે. એરિયનસ્પેસ અને ઇસરોના આ સાથ અંગે પાંડિયને કહ્યું કે આપણું એરિયનસ્પેસથી 1981થી સંબંધ છે, જ્યારે એરિયન ફલાઇટ L03એ ભારતના પ્રાયોગિક સેટેલાઇટ APPLEને લોન્ચ કર્યો હતો. બીજીબાજુ એરિયનસ્પેસના સીઇઓ સ્ટીફન ઇઝરાયલે કહ્યું કે એરિયન વ્હિકલ દ્વારા ભારત માટે લોન્ચ કરાયું. આ 23મું સફળ અભિયાન છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અમે ભારતના સૌથી ભારે સેટેલાઇટ GSAT-11ને લોન્ચ કર્યું હતું, તેનું વજન 5854 કિલોગ્રામ હતું.

આ કામોમાં GSAT-31નો ઉપયોગ થશે
ઇસરો એ કહ્યું કે GSAT-31નો ઉપયોગ વીસેટ નેટવર્ક, ટેલિવિઝન અપલિંક, ડિજિટલ સેટેલાઇટ ન્યૂઝ ગેધરિંગ, ડીટીએચ ટેલિવિઝન સર્વિસ અને બીજી કેટલીય અન્ય સર્વિસીસમાં કરાશે. આ સિવાય આ સેટેલાઇટ પોતાના વ્યાપક બેન્ડ ટ્રાન્સપોડરની મદદથી અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના વિશાળ સમુદ્રી ક્ષેત્રની ઉપર સંચારની સુવિધા માટે વિસ્તૃત બીમ કવરેજ પ્રદાન કરશે.