રાજસ્થાનના પોખરણમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું
સફળ પરીક્ષણ
- ડીઆરડીઓની વધુ એક સિદ્ધિ :
નિર્મલા સીતારામને અભિનંદન પાઠવ્યા
- ભારત-રશિયાના સંયુકત ઉપક્રમે તૈયાર થયેલ
બ્રહ્મોસ મિસાઇલની મહત્તમ ક્ષમતા ૪૦૦ કિમી
ભારતે આજે રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જમાંથી બ્રહ્મોસ
સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ હતું. સંરક્ષણ પ્રધાન નિર્મલા
સિતારમણે જણાવ્યું હતું કે મિસાઇલ નક્કી કરેલ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સફળ રહી
હતી. આ સફળતાથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બની છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના અગાઉ પ્રથમ વખત ઇન્ડિયન
એરફોર્સના સુખોઇ-૩૦ એમકેઆઇ યુદ્ધ વિમાનમાંથી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક
પરિક્ષણ કરવામાં આવ્યું હતું. સિતારમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે રાજસ્થાનના
પોખરણ ટેસ્ટ રેન્જમાંથી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું સવારે ૮.૪૨ વાગ્યે સફળ
પરિક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઇલનું પરિક્ષણ ૧૦૦ ટકા સફળ રહ્યું હતું.
ભારત અને રશિયાના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવેલ આ
મિસાઇલની રેન્જ ૪૦૦ કિમી સુધી લઇ જઇ શકાય છે. ગયા વર્ષે ભારત મિસાઇલ ટેકનોલોજી
કન્ટ્રોલ રિજિમ(એમટીસીઆર)નું સંપૂર્ણ સભ્ય બન્યા પછી કેટલાક ટેકનિકલ પ્રતિબંધ દૂર
કરવામાં આવ્યા છે.
બ્રહ્મોસનું નિર્માણ ભારતની ડીઆરડીઓ અને રશિયાની એનપીઓ
મશિનોસ્ટ્રોનિયા (એનપીઓએમ)એ સાથે મળીને કર્યુ છે. સંરક્ષણ પ્રધાને સફળ પરિક્ષણ બદલ
ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા હતાં. બ્રહ્મોસ મિસાઇલ સુખોઇ યુદ્ધ વિમાન પર લઇ જવામાં
આવેલું સૌથી વજનદાસ શસ્ત્ર હતું.