શુક્રવાર, 23 માર્ચ, 2018


શહીદ દિવસ: ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની આજે 87મી પુણ્યતિથિ


- શહીદે-આઝમ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને શ્રદ્ધાંજલિ


ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને  23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી. ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દીન તરીકે ઉજવવાય છે.

સમગ્ર દેશ આજે 'શહીદ દિવસ' મનાવી રહ્યો છે. દેશની સ્વાતંત્ર્ય ચળવળના ત્રણ દિવાના - ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 87 વર્ષ પહેલા આજની જ તારીખે બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી. આજે ત્રણેય શહીદની 87મી પુણ્યતિથિ છે. 1931ની 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. બાદમાં પંજાબના ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા ખાતે સતલજ નદીના કાંઠા પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ જ જગ્યાએ સ્મારક બનાવવામાં આવ્યું છે.

1907
ની 28 સપ્ટેમ્બરે જન્મેલા ભગતસિંહ કિશોરવયથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા અને બ્રિટિશરોના દમન સામે તેમણે જે સાહસ બતાવ્યું હતું તેને કારણે ભગતસિંહ હંમેશ માટે યુવાનોના આદર્શ બની ગયા.

1919
ની 13મી એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્ર થયેલા સ્વતંત્રતા સેનાનીઓ પર જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કર્યો એ ઘટનાની ભગતસિંહ ઉપર ઘેરી અસર થઈ અને ત્યારપછી તેમણે અભ્યાસ પણ છોડી દીધો અને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા.

પંજાબી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, ઉર્દુ તેમજ બાંગ્લા ભાષાઓ પણ ભગતસિંહ જાણતા હતા. અંગ્રેજોના સકંજામાંથી દેશને સ્વતંત્ર કરાવવા માટે 'હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન' આયોજન અને અમલની વચ્ચે સમય મળે ત્યારે વાચન-લેખન પણ પુષ્કળ કરતા.

1929
ની 8મી એપ્રિલે અંગ્રેજોની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોંબ ફેંક્યા પછી ભાગી જવાને બદલે પકડાઈ ગયા ત્યારથી 1931ની 23 માર્ચ સુધી તેઓ જેલમાં જ હતા અને એ દરમિયાન વિવિધ અખબાર-સામયિકમાં લેખ લખવા ઉપરાંત સાથીદારો અને પરિવાર સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્કમાં રહેતા. આ પત્રો અને લેખો હજુ પણ યુવાનો માટે પ્રેરણાદાયી છે.

ભગતસિંહની એક ઈચ્છા હતી એકવાર સફાઈ કામદારના હાથે બનેલી રોટલી ખાવા પણ તેમની આ ઈચ્છા અધુરી રહી ગઈ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો