સોમવાર, 26 માર્ચ, 2018


ચિપકો આંદોલનની 45મી વર્ષગાંઠ નિમિત્તે ગૂગલે બનાવ્યુ ડૂડલ

- આ આંદોલનને કારણે જ ભારતમાં પર્યાવરણને લગતા કાયદા બન્યા

ચિપકો આંદોલનની આજે 45મી વર્ષગાંઠ છે ત્યારે ગૂગલે પણ ડૂડલ બનાવીને તેને બિરદાવ્યુ છે. આજે જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાતો અને ચિંતા થઈ રહી છે ત્યારે આજથી 45 વર્ષ પહેલા એક નાનકડા ગામડાની મહિલાએ વૃક્ષો બચાવવા આંદોલન શરૂ કર્યુ હતુ. આ આંદોલનને કારણે જ ભારતમાં પર્યાવરણને લગતા કાયદા બન્યા.

ઉત્તરાખંડના રહાણે નામના ગામમાં પાકો રસ્તો બનાવવા માટે 2541 વૃક્ષોનું નિકંદન કાઢવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ ત્યારે જ્યારે ગામવાસીઓને આ વીશે જાણ થઈ ત્યારે તેમણે પોતાના પ્રાણ પ્યારા ઝાડવાઓને બચાવવાનો નિર્ધાર કર્યો.

આ સમય હતો માર્ચ 1973નો. ગામવાસીઓનો વિરોધ જોઈને વૃક્ષો કાપવા માટે એક ચાલ રમવામાં આવી. ગામવાસીઓને નવા રોડ બનતી વખતે જે જમીનેનું કે બીજુ નુકસાન થવાનું હતુ આ અંગેનું વળતર આપવાનુ કહીને તેમને 26મી તારીખે ચમૌલી બોલાવી લીધા.

એ વખતે ગામના તમામ પુરૂષો ચમૌલી ગયા હતા ત્યારે પહેલેથી જ નક્કી થયા પ્રમાણે વૃક્ષોને કાપવાનું શરૂ કરવા માટે મજૂરો અને કોન્ટ્રાક્ટરો આવી પહોંચ્યા ગામમાં માત્ર સ્ત્રીઓ અને બાળકો જ હતા.

જેવી સ્ત્રીઓને આ વાતની ખબર પડી કે તરત જ સ્ત્રીઓ બાળકોને સાથે લઈને જંગલમાં પહોંચી અને મજૂરોને ઝાડ ન કાપવા માટે સમજાવવા માંડી પણ મજૂરો માનતા નહતા ત્યારે ગૌરા નામની મહિલા ઝાળને વળગી પડી અને કહ્યુ કે, આ તો અમારૂ પિયર છે અમે તમને ઝાડ નહી કાપવા દઈએ. અને બસ પછી શું ત્યાં હાજર તમામ મહિલાઓ પણ વૃક્ષને વળગી પડી અને આ રીતે શરૂ થયુ ચીપકો આંદોલન.