મંગળવાર, 8 મે, 2018
અમદાવાદ ઈસરોએ સ્વદેશી પરમાણુ ઘડિયાળ તૈયાર કરી : અભૂતપૂર્વ સિદ્ધિ
- યુરોપથી આયાત થતી ઘડિયાળમાં ગરબડ સર્જાતી હતી
- જાણો શું છે આ ઘડિયાળનુ મહત્વ અને કેટલો સચોટ સમય બતાવે છે
ઉપગ્રહમાં ગોઠવવા માટે 'ઈસરો'ના અમદાવાદ સ્થિત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક)' દ્વારા સ્વદેશી પરમાણુ ઘડિયાળ (એટમિક ક્લોક) તૈયાર કરવામાં આવી છે. પૃથ્વી પરની સૌથી પરફેક્ટ ઘડિયાળ એટલે પરમાણુ ઘડિયાળ. તેના વિવિધ ઉપયોગો પૈકી એક ઉપયોગ ઉપગ્રહો દ્વારા લોકેશન નક્કી કરવામાં થાય છે. ભારત અત્યાર સુધી યુરોપિયન દેશોને પરમાણુ ઘડિયાળ વાપરતું આવ્યું છે. પરંતુ છેલ્લા વર્ષોમાં નિષ્ફળતાને કારણે ઈસરોએ પોતાની જ પરમાણુ ઘડિયાળ વિકસિત કરવાનું નક્કી કર્યું હતું. એટમિક ક્લોક બનાવવાનું કામ ઈસરોના અમદાવાદ કેન્દ્રને સોંપવામાં આવ્યું હતું.
આ ઘડિયાળ તૈયાર થઈ ચૂકી છે અને હાલ તેનું ટેસ્ટિંગ ચાલે છે. ટેસ્ટિંગમાં સફળતા મળ્યાં પછી આગામી નેવિગેશન (દિશાશોધન) ઉપગ્રહમાં તેનું ફિટિંગ કરવામાં આવશે. દિશાશોધન કરતા ઉપગ્રહોને સમયમાં મિલિ સેકન્ડનો પણ ફેરફાર ચાલે નહીં. માટે તેમાં અનિવાર્યપણે પરમાણુ ઘડિયાળ ફીટ થયેલી હોવી જોઈએ. દુનિયાની બહુ ઓછી સંસ્થાઓ પોતાની રીતે એટમિક ક્લોક તૈયાર કરી શકે છે. તેમાં હવે ઈસરોનો સમાવેશ થયો છે. માટે ઈસરો અને અમદાવાદ કેન્દ્ર 'સેક'ની આ બહુ મોટી સિદ્ધિ છે. એટમિક ક્લોક એટલી બધી સચોટ હોય છે કે તેમાં દસ કરોડ વર્ષે માત્ર ૧ સેકન્ડની ભૂલ આવવાની શક્યતા રહે છે.
ઈસરોના દરેક નેવિગેશન ઉપગ્રહમાં ૩ એટમિક ક્લોક છે. એટલે કે કુલ ૨૧ ક્લોક છે. તેમાંથી ઘણી ક્લોકમાં ખામી સર્જાઈ રહી છે. વારંવારની ખામી-એરરથી કંટાળીને ઈસરોએ પોતાની જ ક્લોક વિકસાવી લીધી છે. બે વર્ષ પહેલા ઈસરોએ લોન્ચ કરેલા ઉપગ્રહ 'આઈઆરેનએસએસ-૧એ'માં ગયા એપ્રિલમાં ઘડિયાળની ખામી સર્જાઈ હતી. તેના સ્થાને ઈસરોએ બીજો ઉપગ્રહ ગોઠવવો પડયો હતો. ભવિષ્યમાં આવી ગરબડ નિવારી શકાય એટલા માટે સ્વદેશી ઘડિયાળ અનિવાર્ય હતી.
ભારત પોતાની સ્વદેશી જીપીએસ પ્રકારની 'ઈન્ડિયન રિજિનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ' વિકસાવી રહ્યું છે.'આઈઆરએનએસએસ' નામે ઓળખાતી આ સિસ્ટમના સાત ઉપગ્રહ લોન્ચ થઈ ગયા છે. એ બધા પરમાણુ ઘડિયાળ સાથે કનેક્ટ થયેલા છે. ભ્રમણકક્ષામાં અલગ અલગ સ્થળે રહેલા ઉપગ્રહો વચ્ચે દિશાશોધનના સચોટ તાલમેલ મેળવવાનું કામ પરમાણુ ઘડિયાળનું છે. આખી દુનિયામાં સમય નક્કી કરવા, ઉપગ્રહ આધારીત દિશા શોધવા માટે, નકશા તૈયાર કરવા, ટાઈમિંગ મેળવવા માટે વિવિધ સ્થળોએ ૪૦૦ જેટલી પરમાણુ ઘડિયાળ કાર્યરત છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)