આજે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન
- વિશ્વના ૭૧ દેશોના ૪,૫૦૦
ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા
- ભારતના ૨૨૧ ખેલાડીઓ ૧૭ રમતોની ૨૧૮ સ્પર્ધામાં
ભાગ લેશે
- ઓસ્ટ્રેલિયામાં
ત્રીજીવાર કોમનવેલ્થ ગેમ્સ યોજાશે
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ
શહેરમાં આવતીકાલથી ૨૧માં કોમનવેલ્થ ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે, જેમાં ૭૧ દેશોના આશરે ૪,૫૦૦
જેટલા ખેલાડીઓ તેમજ ઓફિસિઅલ્સને આવકારવાની સાથે રંગારંગ સેલિબ્રેશન યોજાશે. ગોલ્ડ
કોસ્ટમાં તારીખ ૧૫ એપ્રિલ સુધી ચાલનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ૨૨૧ જેટલા
ખેલાડીઓ ૧૭ રમતોની કુલ ૨૧૮ જેટલી સ્પર્ધામાં ભાગ લેશે.
ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન આવતીકાલે ભારતીય સમય
પ્રમાણે બપોર ૨.૩૦ વાગ્યાથી શરૃ થશે. ઓલિમ્પિક અને એશિયન ગેમ્સની જેમ કોમનવેલ્થ
ગેમ્સમાં પણ રંગારંગ ઉદ્ઘાટન સમારંભની સાથેની સાથે ખેલાડીઓની પરેડ યોજાશે, જેમાં ભારતીય ટીમના નેતૃત્વની જવાબદારી
રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પી.વી. સિંધુને સોંપવામાં આવી છે.
કોમનવેલ્થ ગેમ્સ પાંચમી વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાવા જઈ
રહી છે. આ વખતની કોમનવેલ્થ ગેમ્સની ખાસિયત એ છે કે, પુરષ અને મહિલાઓ માટે એક સમાન સ્પર્ધાઓનું આયોજન કરવામાં
આવ્યું છે. આ વખતે મહિલાઓ માટેની સાત મેડલ્સ ઈવેન્ટમાં વધારો કરવામાં આવ્યો છે.
કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ૧૮ સ્પોર્ટસમાં ૨૭૫ ઈવેન્ટ્સ રમાશે.
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮ ફેક્ટ ફાઈલ
૭૧ દેશો
ગોલ્ડ કોસ્ટમાં ૧૫ એપ્રિલ સુધી ચાલનારા કોમનવેલ્થ ગેમ્સમાં ૭૧
દેશોની ૪,૫૦૦થી વધુ ખેલાડીઓ
ભાગ લેશે.
૨૭૫ સ્પર્ધા
જુદી-જુદી ૧૯ રમતોમાં કુલ મળીન ૨૭૫ સ્પર્ધા યોજાશે. પહેલી વખત
મહિલા અને પુરુષો માટે એક સરખી સ્પર્ધા થશે.
પાર્ટીસિપેન્ટસ
સૌથી મોટી ૪૭૪ ખેલાડીઓની ટીમ યજમાન ઓસ્ટ્રેલિયાની છે, જ્યારે ગામ્બીયાએ માત્ર ૬ જ ખેલાડીઓની
ટીમ મોકલી છે.
ઉદ્ઘાટન
કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટનમાં ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથ ટુના
પ્રતિનિધિ તરીકે પ્રિન્સ ચાર્લ્સ હાજર રહેશે.
સુરક્ષા
૩,૫૦૦
પોલીસ કર્મચારીઓ અને ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના ૨,૦૦૦
જવાનોની સાથે હજ્જારો વોલન્ટિયર્સ ગેમ્સના સફળ આયોજન માટે કાર્યરત છે.
૧૨.૪ લાખ ટિકિટ
કોમનવેલ્થ ગેમ્સની ૧૨.૪ લાખ ટિકિટોમાંથી મોટાભાગની વેચાઈ ગઈ છે.
માત્ર ૧.૪૦ લાખ ટિકિટો જ અનસોલ્ડ રહી છે.
૩૮૮
ક્વિન્સ બૅટન રિલેનો ૩૮૮ દિવસનો પ્રવાસ આજે પુરો થશે.
૨.૩૦ લાખkm
ક્વિન્સ બૅટન રિલેનો ૨.૩૦ લાખ કિલોમીટરનો પ્રવાસનો ખેડીને ગોલ્ડ
કોસ્ટના મેઈન સ્ટેડિયમમાં પહોંચશે.
ભારતના ઓલિમ્પિક સ્ટાર્સ ગોલ્ડ મેડલના દાવેદાર
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ઓલિમ્પિક મેડાલીસ્ટ ખેલાડીઓ ગોલ્ડ
મેડલના પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર જીતનારી
બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુ તેમજ બ્રોન્ઝ જીતનારી મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક
પોતપોતાની ઈવેન્ટમાં ચેમ્પિયન બનવાન દાવેદાર છે. ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ કુસ્તીબાજ
સુશીલ કુમાર, ઓલિમ્પિક
બ્રોન્ઝ મેડાલીસ્ટ શૂટર ગગન નારંગ તેમજ મહિલા બોક્સર મેરિ કોમ પણ સુવર્ણ સફળતા
માટે હોટફેવરિટ મનાય છે. આ ઉપરાંત શૂટર જીતુ રાઈ, હિના
સિદ્ધુ, જેવલીન થ્રોઅર નીરજ ચોપરા, બોક્સિંગમાં
વિકાસ ક્રિશ્નન, સરિતા દેવી, મનોજ
કુમાર, જિમ્નાસ્ટીકમાં આશીષ કુમાર તેમજ અરૃણા રેડ્ડી,
સ્ક્વોશમાં જોશના ચિનપ્પા, દિપીકા પલ્લીકલ,
સૌરવ ઘોષાલ તેમજ મેન્સ અને વિમેન્સ હોકી ટીમ પણ મેડલ જીતવાની
દાવેદાર છે.
સિરિંજ વિવાદમાં ગેમ્સ ફેડરેશને ભારતીય ડોક્ટરને ઠપકો આપ્યો
ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ અગાઉ ભારતીય બોક્સરો સિરિંજ
વિવાદમાં સપડાયા હતા. જોકે આ મામલે કોઈ પણ ભારતીય બોક્સર દોષી ઠર્યો નથી. અલબત્ત, ભારતીય ટીમના ડોક્ટરને સિરિંજને ડિસ્પોઝ
ન કરવા બદલ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ઠપકો આપીને છોડી મૂક્યા છે, જેના કારણે ભારતે રાહત અનુભવી હતી. કોમનવેલ્થ
ગેમ્સ ફેડરેશનની મેડિકલ કાઉન્સીલે કરેલી ફરિયાદના પગલે ગેમ્સ ફેડરેશને આ અંગે
સુનાવણી યોજી હતી અને ભારતીય ડોક્ટર અમોલ પાટીલને સિરિંજોને ડિસ્પોઝ ન કરવા બદલ
દોષી ઠેરવ્યા હતા. પાટીલે ભારતીય ટીમના એક બીમાર ખેલાડીને બી કોમ્પલેક્સના
ઈન્જેક્શન આપ્યા હતા, જે પછી ઈન્જેક્શનની સિરિંજોને યોગ્ય
રીતે ડિસ્પોઝ કરી નહતી.
સાયના નેહવાલના પિતાને આખરે ગેમ્સ વિલેજમાં પ્રવેશ અપાયો
ઓફિસિઅલ્સની
યાદીમાંથી સાયનાના પિતાનું નામ કાઢી નંખાયુ હતુ
ગોલ્ડ કોસ્ટ:ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં શરૃ થનારા કોમનવેલ્થ
ગેમ્સ અગાઉ સરકારની મંજૂરી છતાં સાયના નેહવાલના પિતાનું નામ ભારતીય ઓફિસિઅલની
યાદીમાંથી કાઢી નાંખવામાં આવ્યું હતુ. જેના કારણે સાયનાના પિતા હરવિર સિંઘને
કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં એન્ટ્રી મળી નહતી. જે અંગે સાયના નેહવાલે ટ્વીટર પર
પોતાની નારાજગી ઠાલવતા લખ્યું હતુ કે, જ્યારે અમે ભારતથી અહી આવવા નીકળ્યા ત્યારે મારા પિતાનું નામ ભારતીય ટીમના
ઓફિસિઅલ્સમાં સામેલ હતુ. તેમના માટેનો તમામ ખર્ચ મેં જાતે ઉઠાવ્યો છે.
હવે જ્યારે અમે ગોલ્ડ કોસ્ટ પહોંચી ગયા છીએ ત્યારે મારા પિતાનું
નામ ઓફિસિઅલ્સની યાદીમાંથી કાઢી નાંખવામાં આવ્યું છે. તેઓ મારી સાથે રહી શકે તેમ નથી.
તેઓ મારી મેચીસ જોઈ નહિ શકે કે ન તો મને મળી શકશે. આ કેવા પ્રકારનો સપોર્ટ છે ?! મારે તેમની હાજરીની જરુર છે. હું મારી
તમામ મેચોમાં તેમને લઈ જતી હોંઉ છું. જોકે શા માટે મને કોઈએ પહેલા આ બાબતે જાણ ન
કરી તે ભારે આશ્ચર્યજનક કહેવાય. સાયનાના પિતા હરવિર નેહવાલ અને અન્ય મહિલા
બેડમિંટન સ્ટાર પુસાર્લા સિંધુની માતા વિજયા પુસાર્લા પણ ભારતીય ટીમમાં ઓફિસિઅલ
તરીકે સામેલ છે. જેમનો ખર્ચ સરકારે નહિ પણ જે તે ખેલાડીઓ કે પછી તેમનું સ્પોર્ટસ
ફેડરેશન ઉઠાવશે.
બેડમિંટન સિંધુ અને
શ્રીકાંત ટોપ સીડ
ઓલિમ્પિક સિલ્વર મેડાલીસ્ટ પી.વી. સિંધુ અને વર્લ્ડ રેન્કિંગમાં
બીજું સ્થાન ધરાવતો કિદામ્બી શ્રીકાંતને કોમનવેલ્થ ગેમ્સમાં ટોપ સીડ જાહેર કરવામાં
આવ્યા છે. કારારા સ્પોર્ટસ અને લેઈસ્યોર સેન્ટર ખાતે૧૦મી એપ્રિલથી બેડમિંટનની
મેન્સ અને વિમેન્સ સિંગલ્સ ઈવેન્ટ શરૃ થશે,
જેમાં બંનેમાં ભારતીય ખેલાડી ટોપ સીડ જાહેર થયા છે. સિંધુને પ્રથમ
રાઉન્ડમાં બાય મળી છે અને બીજા રાઉન્ડમાં તે ફાલ્કલેન્ડ આઇસલેન્ડની ઝોઈ મોરીસ સામે
ટકરાશે.જ્યારે સાયના નેહવાલ બીજા રાઉન્ડમાં એલીસ ડી વિલિયર્સ સામે ટકરાઈ શકે છે.
બેડમિંટન વિમેન્સ સિંગલ્સમાં સિંધુ અને સાયના વચ્ચે ફાઈનલ રમાઈ શકે છે. મેન્સ
સિંગલ્સમાં શ્રીકાંતની ટક્કર બીજા રાઉન્ડમાં ફીજીના લીએમ ફોંગ સામે થશે. જ્યારે
સેમિ ફાઈનલમાં તેની સામે ઈંગ્લેન્ડનો રાજીવ ઓસેફ આવી શકે છે.
મેરી કોમ પહેલો મુકાબલો જીતે તો મેડલ નિશ્ચિત
ભારતની એકમાત્ર ઓલિમ્પિક
મેડાલીસ્ટ મહિલા બોક્સર મેરી કોમ કારકિર્દીમાં પહેલી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ
લઈ રહી છે. આશ્ચર્યની બાબત એ છે કે, મેરી
કોમને સીધી જ ક્વાર્ટર ફાઈનલ રમવાની છે. ટૂંકમાં જો મેરિ કોમ તેનો પહેલો મુકાબલો
જીતશે તો તેનો મેડલ નિશ્ચિત બની જશે.૪૮ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં મેરી કોમ
ક્વાર્ટર ફાઈનલમાં સ્કોટલેન્ડની મેગાન ગોર્ડોન સામે
ટકરાશે, જે મુકાબલો તારીખ ૮ માર્ચે ખેલાશે. મેરી કોમની
કેટેગરીમાં માત્ર આઠ જ બોક્સરો ભાગ લઈ રહી છે.
ભારતના વિકાસ ક્રિશ્નનને પણ પ્રથમ રાઉન્ડમાં બાય મળી છે. ભારતના
વિકાસ અને મનીષ કૌશિક પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા છે. જ્યારે એશિયન ગેમ્સના
ભૂતપૂર્વ મેડાલીસ્ટ સતીષ કુમારને પણ ૯૧ કિગ્રા થી વધુ વજનવાળા ગુ્રપમાં સીધો જ
ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મળ્યો છે. પ્રિતી જાન્ગરાને પણ ૧૧ એપ્રિલે ૫૧ કિગ્રા વજન
વર્ગમા ઈંગ્લેન્ડની લીસા વ્હાઈટસાઈડ સામે ક્વાર્ટર ફાઈનલમાં ટકરાવાનું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો