ગુજરાતી ભાષાના સમર્થ
હાસ્યલેખક વિનોદ ભટ્ટનું નિધન
- છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બીમાર હતા
- નિર્દોષ અને નિર્ડંખ હાસ્ય માટે પ્રસિદ્ધ હતા
ગુજરાતી
ભષાના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટનું આજે સવારે લાંબી માંદગી બાદ અવસાન થયું હતું.
તેમના નિધનથી કદી ન પૂરાય એવી ખોટ હાસ્ય સાહિત્યને પડી હતી.
વ્યવસાયે
સેલ્સ ટેક્સ કન્સલ્ટન્ટ એવા વિનોદભાઇ છેલ્લાં પંચાવન સાઠ વર્ષથી સતત હાસ્યલેખક
તરીકે પ્રસિદ્ધ હતા અને એમના હાસ્યલેખોનું વૈવિધ્ય જબરદસ્ત હતું. એ પોલિટિશ્યનો, ક્રિકેટર્સ, ફિલ્મ સ્ટાર્સ અને સાંપ્રત
પરિસ્થિતિ એમ વિવિધ વિષયો પર હાસ્યસર્જન કરતા. એમના હાસ્ય લેખનની વિશેષતા એ હતી કે
કદી કોઇની લાગણી દૂભાય એવું એ લખતા નહોતા. એમનો કટાક્ષ સદા નર્મમર્મ ટાઇપનો રહેતો.
એમણે
અત્યાર સુધીમાં સોએક જેટલાં પુસ્તકોનું સર્જન કાર્ય કર્યું હતું. ગુજરાતી સાહિત્ય
પરિષદના હોદ્દેદાર હતા ત્યારે એ સમયના મુખ્ય પ્રધાન અને વિનોદભાઇના દોસ્ત એવા
શંકરસિંહ વાઘેલા પાસેથી માત્ર પાંચ મિનિટની વાત પછી એકાવન લાખ રૃપિયાનું દાન
મેળવીને વિનોદભાઇએ ગુજરાતી સાહિત્ય પરિષદને એનું મકાન બનાવવામાં માતબર સહાય કરી
હતી.
વિવિધ
ગુજરાતી સાહિત્યકારો વિષેની એમની હાસ્ય કટાર વિનોદની નજરે કુમાર સામયિકમાં પ્રગટ
થઇ હતી અને એ કટારમાં જે જે સાહિત્યકાર વિશે એમણે નિરીક્ષણો વ્યક્ત કર્યા હતાં એ
સૌએ ખેલદિલીપૂર્વક વિનેાદભાઇનાં એ નિરીક્ષણને સ્વીકાર્યાં હતાં.
તેમનો
જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ ગુજરાતનાં નાંદોલ ખાતે
થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ.
કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ
વ્યવસાયે વેરા સલાહકાર હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના
પ્રમુખ રહ્યા હતા. તેમની કટાર મગનું નામ મરી ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થતી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો