મંગળવાર, 22 મે, 2018

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું



- બ્રહ્મોસની મદદથી ધરતી, આકાશ, સમૃદ્રમાં હુમલો કરવા સૈન્ય સક્ષમ

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત સંરક્ષણ મંત્રીએ કરી હતી. રશિયાની મદદથી બનેલી આ સ્વદેશી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ૮૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરવા સક્ષમ બની ગઈ છે.

ઓડિશા પરીક્ષણ રેન્જથી ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) અને બ્રહ્મોસની ટીમે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. અત્યાર સુધી ભારત પાસે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ઉપલબ્ધ હતી, તેની આવરદા ૧૦ વર્ષ હતી અને તેની રેન્જ ૪૦૦ કિલોમીટર હતી. નવું સંશોધન કરીને સ્વદેશી ટેકનિકથી બનેલી આ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની પ્રહાર ક્ષમતા ૮૦૦ કિલોમીટર સુધીની થઈ ગઈ છે અને તેનું આયુષ્ય પણ વધીને ૧૫ વર્ષ થયું છે. એટલે કે હવે આ મિસાઈલ ૧૫ વર્ષ સુધી કાર્યરત રહેશે.

સંરક્ષણ મંત્રી નિર્મળા સિતારમણે ટ્વીટ કરીને ડીઆરડીઓ અને બ્રહ્મોસની ટીમને અભિનંદન આપવાની સાથે સાથે આ સફળ પરીક્ષણની જાહેરાત કરી હતી. રશિયાની મદદથી ચાલતા બ્રહ્મોસ પ્રોજેક્ટમાં ભારતના વિજ્ઞાનિકોએ ૭૫ ટકા સ્વદેશી ટેકનિકનો ઉપયોગ કર્યો છે અને એ સ્વદેશી ટેકનિકના કારણે જ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની ક્ષમતા બમણી કરવામાં સફળતા મળી છે. બ્રહ્મોસ મિસાઈલની કાર્યક્ષમતા વધી હોવાથી બજેટની બચત પણ થશે એવું એક ટ્વીટમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું.


બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલથી ધરતી, આકાશ અને સમૃદ્રમાં હુમલો કરી શકવા સૈન્ય સક્ષમ બન્યું છે. ભારતીય સૈન્ય આમ તો પ્રથમ શ્રેણીની બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ છેક ૨૦૦૭થી કરે છે. એમાં નવા નવા સુધારા કરીને હવે ૮૦૦ કિલોમીટર સુધીની ક્ષમતા વિકસાવવામાં ડીઆરડીઓને સફળતા મળી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો