ગુરુવાર, 24 મે, 2018

રોગોની સારવારની સુવિધામાં ભારત વિશ્વના ૧૯૫ દેશોમાં ૧૪૫માં ક્રમે

- ૨૦૧૬ના લેન્સેટના રિપોર્ટે સરકારના દાવાની પોલ ખોલી

- ભારત કરતા ચીન, ભુતાન, શ્રીલંકામાં સ્વાસ્થ્ય સંબંધી વધુ સારી સુવિધાઓ

- ભારતમાં અન્ય રાજ્યો કરતા કેરળ અને ગોવામાં સ્વાસ્થ્યની સૌથી વધુ સારી સુવિધાઓ : રિપોર્ટમાં દાવો

ભારતમા સ્વાસ્થ્યની સુવિધામાં સુધારાની માત્ર વાતો જ કરવામાં આવે છે. જ્યારે ગ્રાઉન્ડ લેવલે વાસ્તવીક્તા કઇ ક જુદી જ છે. લેન્સેટ દ્વારા જારી એક સંશોધન અનુસાર ભારત સ્વાસ્થ્ય સેવામાં પોતાના પાડોશી દેશો જેમ કે ભુતાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ચીન કરતા પણ પાછળ છે. ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝ સ્ટડીમાં આ રિપોર્ટ સામે આવ્યો છે. મોદી સરકાર સ્વાસ્થ્ય સેવામાં સુધારા થયાનો દાવો કરી રહી છે જ્યારે બીજીબાજુ આ સ્ટડી જુદો જ રિપોર્ટ આપી રહી છે. જોકે ૧૯૯૦ની ભારતની જે સ્થિતિ હતી તેના કરતા હાલ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.

સ્વાસ્થ્ય સેવાની ગુણવત્તામાં ભારત વિશ્વના ૧૯૫ દેશોમાં ૧૪૫માં ક્રમે છે. ભારતના રાજ્યોમાં પણ સ્વાસ્થ્યની સુવિધા કેવી છે તેને લઇને પણ આ રિપોર્ટમાં દાવા કરવામાં આવ્યા છે. જે મુજબ ગોવા અને કેરળમાં સ્વાસ્થ્ય સેવા અન્ય રાજ્યો કરતા વધુ સારી છે. અને તેને સૌથી વધુ સ્કોર પણ મળ્યો છે. ૬૦ પોઇન્ટ સાથે આ બન્ને રાજ્યો આગળ છે જ્યારે બીજી તરફ આસામ, ઉત્તર પ્રદેશને માત્ર ૪૦ પોઇન્ટ જ મળ્યા છે કેમ કે આ રાજ્યોમાં સ્વાસ્થ્ય સુવિધા અતી નબળી છે.

એશિયાના દેશોમાં ભારતને સ્વાસ્થ્ય સુવિધામાં ૪૧.૨ પોઇન્ટ જ મળ્યા છે. જ્યારે ક્રમની દ્રષ્ટીએ તે ૧૪૫માં ક્રમે છે અને ચીન ૪૮, શ્રીલંકા ૭૧, બાંગ્લાદેશ ૧૩૩ અને ભુતાન ૧૩૪માં ક્રમે છે. એટલે કે આ દેશો ભારત કરતા સારી સ્વાસ્થ્ય સુવિધા આપે છે. જોકે પાકિસ્તાન કરતા ભારતની સ્થિતિ સારી છે.

વિશ્વના જે પાંચ દેશોમાં સ્વાસ્થ્ય સુવિધા સારી છે તેમાં આઇસલેન્ડ (૯૭ પોઇન્ટ), નોર્વે (૯૬ પોઇન્ટ), નેધર્લેન્ડ (૯૬ પોઇન્ટ), લક્ઝેમ્બર્ગ (૯૬ પોઇન્ટ) અને ફિનલેન્ડ તેમજ ઓસ્ટ્રેલિયાને ૯૫ પોઇન્ટ મળ્યા છે. ભારતમાં ટીબી, હાર્ટની બિમારીઓ, કેન્સર, કિડનીની બિમારીઓ, સ્ટ્રોક વગેરેની સારવારની સુવિધાઓ બહુ જ નબળી છે. આ રિપોર્ટ ૨૦૧૬ની સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો