ગુજરાતના સંવેદનશીલ દરિયા ઉપર બાજનજર રાખવા 'સૂર' શીપ તૈનાત
-પોરબંદર કોસ્ટગાર્ડના ભાથામાં વધુ એક સુરક્ષા-શસ્ત્રનો ઉમેરો
-અત્યાર સુધી ગોવા ખાતે કાર્યરત રહેલી અદ્યતન મહાકાય શીપમાં એડવાન્સ
લાઇટ હેલિકોપ્ટર પણ સમાવિષ્ટ.
પોરબંદરથી પાકિસ્તાન સમુદ્ર માર્ગે
ખુબ જ નજીક છે અને તેની કારણે ગુજરાતનો દરિયા કિનારો સંવેદનશીલ છે ત્યારે પોરબંદર
કોસ્ટગાર્ડના ભાથામાં સુર નામની અગાઉ ગોવા ખાતે કાર્યરત રહેલી શીપનો સમાવેશ થયો
છે. જે હવે ગુજરાતના દરિયાની સુરક્ષા કરશે. ભારતીય કોસ્ટગાર્ડમાં બે વર્ષ પહેલા
ગોવા ખાતે સુર નામની મહાકાય શીપનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ શીપ ત્યાંથી
પોરબંદર ખાતે કોસ્ટગાર્ડમાં ફરજ બજાવવા માટે આવી છે ત્યારે તેને આવકારવા માટે
કોસ્ટગાર્ડની જેટી ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉપસ્થિત કોસ્ટગાર્ડના ડીઆઇજી
ચૌહાણે એવું જણાવ્યું હતું કે સુર શીપનો સમાવેશ થવાને કારણે ગુજરાતની દરિયાઇ
સુરક્ષાને વધુ મજબુત બનાવી શકાશે અને કોર્ટગાર્ડના જવાનો હરહંમેશ દેશની સુરક્ષા
માટે કટીબદ્ધ છે. આ શીપ ૨૦૧૬ની સાલના એપ્રિલ મહિનામાં તત્કાલીન રોડ ટ્રાન્સફોર્ટ
અને શીપીંગ મીનીસ્ટરના હસ્તે કોસ્ટગાર્ડમાં સામેલ કરવામાં આવી હતી. જે સુર શીપનો
પોરબંદર કોસ્ટ ગાર્ડમાં સમાવેશ થયો છે. તેણે ૨૦૧૭ની સાલમાં બે મોટા રેસ્ક્યુ કરીને
૫૦થી વધુ ક્રુમેમ્બરોનો જીવ બચાવ્યા છે.
જે અંગેની માહિતી આપતા
કોસ્ટગાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે તા. ૪-૪-૧૭ના રોજ શ્રીલંકાના કોઇમ્બ્તુર
નજીક પનામાની કાર્ગો શીપમાં વિકરાળ આગ લાગી હતા ત્યારે સુર શીપે ત્યાં પહોંચીને
પાણીનો મારો ચલાવીને ૨૫ જેટલા ખલાસીઓનો જીવ બચાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તા.
૬-૭-૨૦૧૭ના લક્ષદીપ પાસે એક કન્ટેનર શીપમાં પણ વિકરાળ આગ ભભૂકી ઉઠતા ૨૭ જેટલા
ખલાસીઓને બચાવી
લેવામાં સુર શીપના જવાનોને સફળતા મળી હતી.
આ શીપની સાથે એડવાન્સ લાઇટ
હેલિકોપ્ટર પણ તેમાં જ સમાવિષ્ટ થતું હોવાથી તેના દ્વારા રેસ્ક્યુનું નિર્દશન
કરવામાં આવ્યું હતું. સૌએ તાળીઓનો ગડગડાટ સાથે હેલિકોપ્ટર દ્વારા થયેલા રેસ્ક્યુને
વધાવી લીધી હતી. કોસ્ટગાર્ડના જવાનોએ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના
દરિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે સુર નામની આ શીપ ખુબ જ ઉપયોગી સાબિત થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો