મંગળવાર, 29 મે, 2018

માનવરહિત રેલવે ક્રોસિંગ પર સર્જાતા અકસ્માતો અટકાવવાનો ઉપાય અમદાવાદ ઈસરોએ શોધી કાઢ્યો
Image result for railway crossing india

- જાણો કેવી રીતે ઈસરોની એપ્લિકેશન રોકશે અથડામણો

અમદાવાદ સ્થિત 'ઈસરો'ના કેન્દ્ર 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક)' દ્વારા ટ્રેન અકસ્માત નિવારવાની સિસ્ટમ વિકસાવાઈ છે. આ સિસ્ટમ એ એક પ્રકારની 'ઈન્ટિગ્રેટેડ સર્કિટ (ચીપ)' છે, જે રેલવે એન્જીનમાં ફીટ કરી દેવામાં આવશે. આ ચીપનો ઉપયોગ મુખ્યત્વે માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માત રોકવા માટે કરવામાં આવશે. એન્જિનમાં ફીટ થયેલી ચીપ ઉપગ્રહ સાથે જોડાણ ધરાવતી હશે, જ્યાંથી કન્ટ્રોલ રૃમને સતત અપડેટ મળ્યાં કરશે.

ભારતમાં લગભગ ૬ હજાર જેટલા રેલવે ફાટકો માનવ રહિત છે. ત્યાં લોકો બન્ને દિશાએ જોયા વગર આડેધડ પાટા ક્રોસ કરતાં હોય છે. એમ કરવામાં હજારો લોકો મૃત્યુ પામે છે, રેલવેના નામે અનેક અકસ્માત નોંધાય છે અને અકસ્માત થવાથી ટ્રેન મોડી પડવા જેવી સમસ્યા પણ સર્જાય છે. તેના નિવારણનું કામ ઈસરોની

આ સિસ્ટમ કરશે. રેલવેના કુલ અકસ્માત પૈકી ૬૦ ટકા અકસ્માત માનવ રહિત ફાટક ક્રોસ કરતી વખતે સર્જાય છે. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના કુશી નગરમાં માનવ રહિત ફાટકનું ક્રોસિંગ કરતી વખતે સ્કૂલ બસ ટ્રેન સાથે અથડાઈ હતી અને ૧૩ બાળકોના મોત થયા હતા.

આ સિસ્ટમ પ્રમાણે દરેક ફાટક પર એક ભૂંગળું ગોઠવી દેવામાં આવશે. એ ભૂંગળું રેલવે કન્ટ્રોલ રૃમના કાબુમાં હશે. બીજી તરફ એન્જિનમાં ચીપ ફીટ થયેલી હશે, જેના કારણે ફાટકથી ચાર કિલોમીટર દૂર ટ્રેન હશે ત્યારે જ ફાટકને એલર્ટ મળી જશે. ટ્રેન ચાર કિલોમીટર દૂર હશે ત્યારથી ફાટક પર રહેલું ભૂંગળું સાઈરન વગાડશે. જેથી એટલો સમય લોકો સિગ્નલ ક્રોસ ન કરે. ટ્રેન નજીક આવતી જશે તેમ સાઈરનનો અવાજ મોટો થતો જશે અને ટ્રેન પસાર થઈ જશે પછી શાંત થઈ જશે. સ્પેસ એપ્લિકેશન સેન્ટરે ફેબુ્રઆરી ૨૦૧૬માં જ આ સિસ્ટમ વિકસાવી હતી. એ પછી તેના પર વિવિધ પરીક્ષણ ચાલ્યા હતા. હવે લગભગ બધા ટેસ્ટિંગમાંથી આ સેટેલાઈટ બેઝ્ડ અર્લિ વોર્નિંગ સિસ્ટમ પાસ થઈ ગઈ છે. માટે રેલવે મંત્રાલય ટૂંક સમયમાં તેનો ઉપયોગ કરે એવી શક્યતા છે. રેલવેના રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ) દ્વારા આ પ્રયોગ સંપૂર્ણ સફળ રહ્યાનો અહેવાલ રેલવે મંત્રાલયને આપી દેવામાં આવ્યો છે. 


પ્રાયોગિક ધોરણે કેટલીક ટ્રેનોમાં આ ચીપ ગોઠવીને દેશભરમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. એ ટેસ્ટમાં ચીપ સંપૂર્ણપણે ઉપયોગી સાબિત થઈ છે. હવે રેલવે મંત્રાલય ઈચ્છે ત્યારે તેને રેલવે એન્જિનમાં ફીટ કરી શકે છે. એક વર્ષ સુધી વિવિધ પ્રકારના વાતાવરણ, વિવિધ સમય-સંજોગો વચ્ચે વોર્નિંગ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. બધી વાતે ઈસરોની સિસ્ટમ ખરી ઉતરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો