મંગળવાર, 29 મે, 2018

વેદાંતા જૂથને મોટો આંચકો: તમિલનાડુ સરકારનો તુતિકોરનમાં 

સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ કાયમી બંધ કરવા આદેશ

- ગયા સપ્તાહમાં આ જ પ્લાન્ટનો વિરોધ કરી રહેલા દેખાવકારો પર પોલીસે ગોળીબાર કરતા 13 લોકોનાં મોત થયા

- વિરોધ પક્ષોના પ્રહારોથી બચવા વિધાનસભા સત્ર અગાઉ જ લેવાયેલો નિર્ણય

તમિલનાડુ સરકારે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તુતિકોરનમાં આવેલા વેદાંતાના કોપર પ્લાન્ટને સીલ કરવા અને કાયમ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં આ જ પ્લાન્ટનો વિરોધ કરી રહેલા દેખાવકારો પર પોલીસે ગોળીબાર કરતા ૧૩ લોકોનાં મોત થયા હતાં. સરકારનો આદેશ મળતા જ તુતિકોરન જિલ્લાના ટોચના અધિકારીઓએ કોપર પ્લાન્ટનું પરિસર સીલ કરી દીધું હતું અને મેઇન ગેટ પર પોસ્ટર ચોંટાડી દીધું હતું.

પલાનીસામીએ ચેન્નાઇમાં પત્રકારોને જણાવ્યું હતું કે પ્લાન્ટ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર શરૃ થવાના પહેલા જ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી સત્ર દરમિયાન વિરોધ પક્ષના વિરોધનો સામનો કરવો ન પડે.

તુતિકોરિનના જિલ્લા કલેક્ટર સંદીપ નાંદુરીએ જણાવ્યું હતું કે હવે પ્લાન્ટ કાયમ માટે બંધ થઇ ગયો છે.ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટ સામે સ્થાનિક લોકો વર્ષોથી વિરોધ કરી રહ્યાં હતાં. જ્યારે પનાલીસામીને તુતિકોરનના લોકો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ફરીથી શાંતિ સ્થપાઇ છે. લોકો સરકારને સહકાર આપે તે પણ જરૃરી છે. અમ્માની સરકારે લોકોની માગનો સ્વીકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં સ્ટરલાઇટના પ્લાન્ટમાંથી ગેસ લીક થતાં જયલલિતાએ ૨૯ માર્ચ, ૨૦૧૩ના રોજ આ પ્લાન્ટને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્લાન્ટનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને યુનિટ બંધ કરી દેવાયું હતું.


જો કે કંપનીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો સંપર્ક સાધતા તેણે ૮ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ પેલાન્ટની કામગીરી શરૃ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સરકારે સુપ્રીમમાં અરજી કરી હતી. સુપ્રીમમાં આ કેસ હજુ સુધી ચાલી રહ્યો છે. ૯ એપ્રિલના રોજ ટીએનપીસીબીએ પ્લાન્ટનો લાયસન્સ રિન્યુ કરવાનો ઇનકાર કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો