ગુરુવાર, 17 ઑગસ્ટ, 2017

૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1982-1988

૧૯૮૨ - ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ શરૂ
કરોડો મતદારો હોવાને કારણે ભારતની ચૂંટણી પ્રક્રિયા ખાસ્સી લાંબી ચાલે છે. પરંતુ પહેલા તો મહિનાઓ સુધી ચાલતી. ઝડપી કરવાનું કામ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) દ્વારા થયું છે. હવે ભારતની બધી ચૂંટણી ઈવીએમ દ્વારા થાય છે, જેથી ગણતરીના કલાકોમાં પરિણામ મળી શકે છે. વળી ચૂંટણીમાં ચાલતી ગરબડો પર પણ ઈવીએમને કારણે અંકુશ આવ્યો છે. ઈવીએમની શરૃઆત ૧૯૮૨માં કેરળની વિધાનસભા ચૂંટણી વખતે થઈ હતી. મશીનની ડિઝાઈન ડો.અબ્દુલ કલામના સહાધ્યાયી એસ.રંગરાજને કરી હતી.

૨૫ એપ્રિલ, ૧૯૮૨ : કલર ટીવીનું આગમન થયું

બ્લેક-એન્ડ વ્હાઈટ યુગમાં જીવતા ભારતનો કલર ટેલિવિઝનમાં પ્રવેશ થયો એ સાથે મનોરંજનનો વિશાળ મહાસાગર ખૂલ્યો. ૧૯૮૨ના એશિયન ગેમ્સનું આયોજન ધ્યાનમાં લઈને સરકારે દેશમાં કલર પ્રસારણનો નિર્ણય લીધો હતો. ભારતમાં ટીવી ઉત્પાદિત થતા ન હતા માટે સરકારે વિદેશમાંથી ૫૦ હજાર ટીવી આયાત કરવાની મંજૂરી આપી હતી. ગ્રાહકોએ એ કલર ટીવી રૃપિયા ૮ હજારથી ૧૫ હજાર સુધીની કિંમતે ખરીદ્યા હતા. એ ટીવી પર દુરદર્શને એ દિવસે પહેલી વાર બ્લેક એન્ડ વ્હાઈટને બદલે રંગીન પ્રસારણ રજૂ કર્યું હતુ. હવે ભારતમાં વિવિધ પ્રકારની સાડા આઠસોથી વધારે ચેનલો છે અને અડધા કરતાં વધુ ભારતવાસીઓના ઘરમાં ટીવી છે.

૧૧ એપ્રિલ, ૧૯૮૩- ભાનુ અથૈયાને ઑસ્કર મળ્યો
ફિલ્મોમાં કોસ્ચ્યુમ એટલે કે વસ્ત્ર-પરિધાન એ ખાસ ચર્ચાનો વિષય બનતો નથી. પરંતુ ૧૯૮૩માં પ્રથમ વાર ભારતના ફિલ્મ ચાહકોને કોસ્ચ્યુમ ડિઝાઈનર હોવાનું મહત્ત્વ સમજાયું. કેમ કે મહારાષ્ટ્રમાં જન્મેલા ઈન્ડિયન કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયાને હોલિવૂડનો સર્વોત્તમ ફિલ્મ એવોર્ડ ઑસ્કર મળ્યો હતો. રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી'ના વસ્ત્રો ડિઝાઈન કરવા માટે ભાનુ અથૈયાને જોન મોલો સાથે સંયુક્ત રીતે ઑસ્કર એટલે કે એકેડમી એવોર્ડ મળ્યો હતો. ભારતની ધરતી પર જન્મેલા તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમને હોલિવૂડનું આ સન્માન મળ્યું હોય. ૨૦૧૨માં તેમણે એવોર્ડ એકેડમી સમિતિને પરત કરી દીધો હતો. કેમ કે તેમને એમ લાગતું હતું કે તેમના ગયા પછી પરિવાર ટ્રોફી સાચવી ન પણ શકે!  પછી તો એ.આર.રહેમાન, રસુલ પોકુટ્ટી, ગુલઝારને પણ સ્લમડોગ મિલિયોનેર ફિલ્મ માટે ૨૦૦૯માં ઑસ્કર મળ્યો હતો.

૨૫ જૂન, ૧૯૮૩ - ક્રિકેટ વિશ્વવિજેતા ભારત
ક્રિકેટનો એ ત્રીજો વર્લ્ડકપ હતો અને વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમ હોય ત્યાં સુધી બીજા કોઈએ જીતના સપનાં જોવાના ન હતા. લગભગ એવુ જ પરિણામ આવી રહ્યું હતું, કેમ કે ફાઈનલ સુધી તો કેપ્ટન ક્લાઈવ લોઈડની ધરમખ ટીમ પહોંચી ચૂકી હતી. ભારતની ટીમે પ્રથમ બેટિંગ લીધી અને માત્ર ૧૮૩ રન (૫૪.૪ ઓવરમાં) કરી શક્યા. ત્યારે ઈન્ડિઝની જીત નિશ્ચિત મનાતી હતી. પરંતુ કપિલ દેવે ખેલાડીઓમાં જુસ્સો ભરી રાખ્યો હતો. હરીફ ટીમ લોર્ડ્સના મેદાનમાં માંડ ૧૪૦ રન કરી શકી. મેદાનમાં હાજર ૨.૩૨ લાખ પ્રેક્ષકોને ક્રિકેટ વિશ્વના નવા ચેમ્પિયનનો પરિચય પણ મળ્યો. વિજેતા ભારતીય ટીમને ૨૦ હજાર પાઉન્ડની રોકડ રકમ પણ મળી હતી. ભારતે ૨૦૧૧માં પણ ફરીથી વર્લ્ડકપ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

૨ એપ્રિલ, ૧૯૮૪ - રાકેશ શર્મા અવકાશયાત્રી બન્યા
ભારત અને રશિયા વચ્ચે થયેલા કરારના ભાગરૃપે ભારતમાંથી પણ એક અવકાશયાત્રીને સોયુઝ-ટી-૧૧ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. એ અવકાશયાત્રી હતા પંજાબમાં જન્મેલા એરફોર્સના પાઈલટ રાકેશ શર્મા. એરફોર્સમાં રહીને તેમણે પાકિસ્તાન વિરૃદ્ધ યુદ્ધ લડયાં હતા. શર્મા સહિત કુલ ૩ પ્રવાસીઓ હતા, જેમને રશિયન બનાવટના સેલ્યુત-૭ સ્પેસ સ્ટેશની સફર કરી હતી. શર્માએ અવકાશમાં કુલ મળીને ૨૧ કલાક, ૪૦ મિનિટ પસાર કરી હતી.
એ દરમિયાન વડાંપ્રધાન શ્રીમતિ ગાંધીએ તેમને પૂછ્યું કે અવકાશમાંથી ભારત કેવું દેખાય છે? રાકેશ શર્માએ જવાબ આપ્યો : સારે જહાઁ સે અચ્છા! ૧૯૯૨માં પાઈલટ તરીકે નિવૃત્ત થયા પછી તેઓ તેજસ વિમાન જેવા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રહ્યા છે.
સુપર કમ્પ્યુટર તૈયાર થયા પછી તેના નામ માટે સંસ્કૃત શબ્દ પરમ અપનાવાયો હતો, જેનો અર્થ થાય છે સુપ્રીમ-સર્વોચ્ચ
વાયુસેનાએ 'ઓપરેશન સફેદ સાગર' દ્વારા યુદ્ધ વિમાનો ઈતિહાસમાં પ્રથમ વાર ૩૨ હજાર ફીટ ઊંચે ઊડાવ્યા હતા.

ઓગસ્ટ ૧૯૮૪ : ટેલિકોમ ક્રાંતિની શરૂઆત
અમેરિકા રહેતા એ ભાઈ ભારતની મુલાકાતે આવે ત્યારે પોતાની પત્નીને ફોન કરી શકતા ન હતા. ભારતમાં ત્યારે પરદેશ તો ઠીક દેશમાં ફોન કરવો પણ કપરો હતો. શું કરવું? એટલે પછી તેમણે ભારતમાં ખૂણે ખૂણે ટેલિફોન પહોંચાડવાની પ્રક્રિયા આરંભી. એ ભાઈનું નામ સામ પિત્રોડા. તેમને ભારતમાં લાવવાનું શ્રેય જોકે રાજીવ ગાંધીને જાય છે. ૧૯૮૪ના ઓગસ્ટમાં 'સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (સી-ડોટ)'ની સ્થાપના કરી. એ પછી દેશમાં જ ફોન ઉત્પાદન અને નેટવર્કનું મજબૂતીકરણ થયું. દેશમાં ઠેર-ઠેર એસટીડી પીસીઓ સ્થાપાયા અને ઘરમાં ટેલિફોન હોવું એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બન્યો.

૮ ઓગસ્ટ, ૧૯૮૪ : ઑલિમ્પિકમાં ભારતની ઉષા
લોસ એન્જેલસ ખાતે યોજાયેલા ઑલિમ્પિક રમતોત્સવનાં ભારતીય એથ્લિટ પી.ટી.ઉષાએ પણ ભાગ લીધો હતો. પરંતુ ભારત માટે ઊષાનું નામ ત્યારે જાણીતું થયું જ્યારે તેઓ ૪૦૦ મિટરની વિઘ્ન દોડની ફાઈનલમાં પહોંચ્યા. જોકે તેમને કોઈ મેડલ ન મળ્યો, પરંતુ ફાઈનલ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય તરીકે આજેય તેમનું જ નામ લેવાય છે. ઉષાને અન્ય સ્પર્ધામાં મળીને નાના-મોટાં ૧૦૧ આંતરરાષ્ટ્રીય મેડલ મળ્યાં છે. તેમની ગણતરી ગ્રેટેસ્ટ ઈન્ડિયન એથ્લિટ તરીકે કરવામાં આવે છે. હવે બાળકીઓને તેઓ વિનામૂલ્યે એથ્લેટિક્સની તાલીમ આપે છે.

ઓક્ટોબર ૧૯૮૪ : હિમસાગર એક્સપ્રેસની શરૂઆત
 અત્યારે ભારતની સૌથી લાંબા અંતરની ટ્રેન વિવેક એક્સપ્રેસ છે. પરંતુ ૧૯૮૪માં કાશ્મીરથી કન્યાકુમારીને જોડતી 'હિમસાગર એક્સપ્રેસ' શરૃ થઈ ત્યારે એ દેશની સૌથી લાંબી ટ્રેન હતી. સૌથી લાંબી ટ્રેન હોવાનો વિક્રમ હિમસાગરે લગભગ ૩ દાયકા સુધી જાળવી રાખ્યો. સપ્તાહમાં એક વાર ઉપડતી આ ગાડી ભારતના ઉત્તર છેડે આવેલા જમ્મુ તાવીથી શરૃ કરીને દક્ષિણ છેડે કન્યાકુમારી ખાતે પ્રવાસ પૂરો કરે છે. કુલ અંતર ૩,૭૧૪ કિલોમીટર છે અને એ પૂરું કરવામાં ૭૦ કલાકનો સમય લાગે છે. ગાડી કુલ ૭૨ સ્ટેશનોએ રોકાતી સરેરાશ ૫૩ કિલોમીટરની ઝડપે સફર કરે છે.
હિમસાગર પ્રવાસ શરૃ કરે ત્યારથી એન્જીન શાંત થાય ત્યાં સુધીમાં પૃથ્વી પોતાની ધરી પર ૩ વખત ફરી ચૂકી હોય છે! કોઈ મુસાફર જમ્મુથી કુમારી સુધી બેઠો રહે તો તેને એ દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિલનાડુ એમ ૧૨ રાજ્યોના પ્રવાસનો લાભ મળે!

૧૯૮૭ : વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન
બુદ્ધિશાળી લોકોની રમત ગણાતી ચેસમાં ભારતે ૧૯૮૭માં વૈશ્વિક સ્તરે નામ કંડાર્યું. ૧૭ વર્ષના ખેલાડી વિશ્વનાથન આનંદે રશિયામાં યોજાયેલી સ્પર્ધામાં હરીફ ખેલાડીને જ મ્હાત કરી દીધા. એ વખતે વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપ જીતનારા આનંદ પ્રથમ એશિયન હતા. બીજા વર્ષે તો પછી આનંદે ગેરી કાસ્પારોવને પણ હરાવ્યા અને એક પછી એક અનેક વિશ્વ સ્પર્ધાઓ જીતી દેખાડી. આજે પણ જગતના સર્વોત્તમ ચેસ ખેલાડીઓમાં આનંદનું નામ મોખરે છે. ખેલ ક્ષેત્રમાં પદ્મવિભૂષણ મળ્યો હોય એવા પણ તેઓ પ્રથમ ખેલાડી છે.

૨૬ જાન્યુઆરી, ૧૯૮૮ : અંગ્રેજો ન કરી શક્યા, ભારતે કર્યું
અંગ્રેજો ન કરી શક્યા અને ભારતે કરી દેખાડયું એવુ કામ એટલે કોંકણ રેલવે તરીકે ઓળખાતો રેલવે પ્રોજેક્ટ. મુંબઈથી શરૃ થઈ દક્ષિણમાં મેંગલોર સુધી લંબાતી રેલવે લાઈનો પશ્ચિમ ઘાટના આકરા પહાડો તોડીને પસાર થાય છે. એ ખડકો તોડવા માટે અંગ્રેજોએ હાથ ઊંચા કરી દીધા હતા. આઝાદી પછી ભારતે એ એન્જિનિયરો માટે પડકાર ગણાતો પ્રોજેક્ટ હાથમાં લીધો અને સફળતાપૂર્વક પૂર્ણ પણ કર્યો. તેમાં સૌથી મહત્ત્વનો ફાળો એન્જિનિયર ઈ.શ્રીધરનનો હતો. કોંકણ રેલવે આજે જગતભર માટે અભ્યાસનો વિષય છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો