ગુરુવાર, 17 ઑગસ્ટ, 2017


૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 1974-1981


૧૮ મે, ૧૯૭૪ -છેટા રેજો, અમારી પાસે પણ અણુશસ્ત્રો છે!
અમેરિકા-રશિયા અને યુરોપના દેશો એવુ માની બેઠા હતા કે પરમાણુ શસ્ત્રો પર તો અમારા જેવા આગેવાન દેશોનો જ અધિકાર છે. એ માન્યતાના ચૂરા ૧૯૭૪માં ભારતે ઉડાવી દીધા. છેક ૧૯૪૪થી ધીમે ધીમે ચાલતા પરમાણુ પ્રોજેક્ટને ઈન્દિરા ગાંધીએ ઝડપ અપાવી. આખરે ૧૯૭૪ની ૧૮મી મેની સવારે ગુપ્ત રીતે પોખરણના રણમાં ૧૦૭ ફીટ નીચે બોમ્બ ઉતારી ધડાકો કરવામાં આવ્યો. એ વખતે સવારના ૮ વાગીને ૫ મિનિટ થઈ હતી. સામાન્ય રીતે પરમાણુ ધડાકા પછી મશરૃમ વાદળ રચાય. પરંતુ અહીં એવુ કશું થયુ ન હતું કેમ કે ભારતનો વિસ્ફોટ ભુગર્ભમાં ખાસ્સો નીચે હતો. પરંતુ જાગતિક મંચ પર ભારતની તાકાતનું મેઘવાદળ અચૂક બંધાઈ ચૂક્યુ હતુ. ભારતને મહાસત્તા તરીકે સ્વીકારવાની શરૃઆત થઈ.

૧૫ માર્ચ, ૧૯૭૫ - ભારતે હોકી વિશ્વકપ જીત્યો
૧૯૭૫માં મલેશિયામાં ત્રીજો વિશ્વકપ યોજાયો હતો. કુલ બાર ટીમો ભાગ લઈ રહી હતી. આગલા એટલે કે ૧૯૭૩ના વર્લ્ડકપમાં ભારત રનર-અપ રહ્યું હતું. તો વળી સૌથી પહેલા વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને હતું. માટે ભારત ક્રમશ: પ્રગતી કરીને આ વખતે ફાઈનલમાં પહોંચ્યુ અને વિજેતા પણ થયું. વધુ મહત્ત્વ એ વાતનું હતું કે ભારતે ફાઈનલમાં હરીફ ટીમને ૨-૧થી હાર આપી હતી અને એ હરીફ ટીમનું નામ પાકિસ્તાન હતું. ભારત વતી મહત્ત્વની રમત અશોક કુમારે દાખવી હતી. અશોક કુમારને હોકીની રમત વારસામાં મળી હતી. માત્ર રમત નહીં, સાથે સફળતા પણ મળી હતી કેમ કે તેમના પિતાજીનું નામ ધ્યાનચંદ હતું!

૧૯ એપ્રિલ, ૧૯૭૫ - પ્રથમ ઉપગ્રહ લોન્ચ થયો
અમેરિકા સહિતના દેશો હવે ઉપગ્રહ લોન્ચ કરવા માટે ભારતની અવકાશી સંસ્થા ઈસરોની મદદ લે છે. બદલાયેલા સમયનું એ પ્રતિક છે. કેમ કે ખુદ ભારતે પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ પરદેશી રોકેટની મદદથી લોન્ચ કરાવવો પડયો હતો. અલબત્ત, છતાં પણ એ સિદ્ધિ હતી કેમ કે ભારત ઉપગ્રહ બનાવી શકે એવું જ માનવા તૈયાર ન હતા ત્યારે ભારતના વિજ્ઞાનીઓએ પ્રોફેસર યુ.આર.રાવની આગેવાનીમાં ઉપગ્રહ તૈયાર કરી દેખાડયો હતો. ૩૬૦ કિલોગ્રામ વજનના એ ઉપગ્રહને ભારતના મહાન ખગોળજ્ઞા આર્યભટ્ટનું નામ અપાયું હતુ. ૬ મહિના માટે બનેલો ઉપગ્રહ ૧૯૮૧ સુધી સક્રિય રહ્યો હતો.

માર્ચ, ૧૯૭૭ - કટોકટી પછી ફરી લોકશાહી 

ઈન્દિરા ગાંધીએ ૧૯૭૫માં કટોકટી લાદી આખા દેશને કેદ કર્યો. બે વર્ષ એ સ્થિતિ રહી અને એ પછી કટોકટી ઉઠાવી લેવાઈ. પરંતુ લોકોને ફરી લોકતંત્ર પર ત્યારે જ વિશ્વાસ બેઠો જ્યારે નવી ચૂંટણી થઈ. ઈન્દિરા ગાંધી સામે જનતા પાર્ટીના મોરારજી દેસાઈ વિજેતા થયા. માત્ર જનતા પાર્ટી વિજેતા થઈ એટલું નહીં, ઈન્દિરા પોતાની રાયબરેલીની બેઠક હારી ગયા અને કોંગ્રેસને કુલ ૧૮૯ બેઠકો મળી. વિજેતા જનતા પક્ષને ૩૪૫ બેઠકો મળી હતી. ભારતને આઝાદી પછી પ્રથમવાર બિનકોંગ્રેસી સરકાર મળી.

૨૯ ડિસેમ્બર, ૧૯૭૭ - ભારતમાં દુનિયાનું સૌથી મોટું થિએટર! 
મુંબઈના બાંદ્રામાં એ દિવસે ઓપન-એર ડ્રાઈવ-ઈન થિએટર ખુલ્લું મુકાયુ હતું. એ વખતે એ જગતનું સૌથી મોટું ઓપન એર થિએટર હતું. ત્યારે તેમાં ૮૦૦ કાર અંદર ગોઠવી શકાતી હતી અને તેનું ડ્રાઈવ-ઈન નામ સાર્થક થતું હતું. બાદમાં એ થિએટર તોડી પડાયુ હતું. હવે જોકે રિનોવેટ થઈને ફરીથી ખુલ્લું મુકાયુ છે. પણ હવે ૩૦૦થી વધુ કાર સમાઈ શકતી નથી. એ વખતે એવડું મોટુ ડ્રાઈવ ઈન જગતમાં ક્યાંય ન હતું.

૩ ઓક્ટોબર, ૧૯૭૮ - ટયુબે કૂખનું સ્થાન લીધું 
First Testtube baby

ટેસ્ટ ટયુબ બેબી એ આજે તો નિસંતાન દંપતીઓ માટે આશિર્વાદ સ્વરૃપ ટેકનોલોજી થઈ ચૂકી છે. પણ ભારતની પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી કનુપ્રિયા અગ્રવાલ બંગાળી ડોક્ટર સુભાષ મુખોપાધ્યાયના પ્રયાસોથી જન્મી હતી. એ વખતે હજુ જગતની પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી ઈંગ્લેન્ડમાં અવતરી તેને બે મહિના જ થયા હતા. માત્ર બે મહિનાના ટૂંકા ગાળમાં મેળવેલી એ સિદ્ધિ જોકે સરકારને ગુનો લાગતી હતી. માટે સુભાષ મુખોપાધ્યાયને એટલા બધા હેરાન કરવામાં આવ્યા કે તેમણે આત્મહત્યા કરી લીધી. તેમના મૃત્યુ પછી તેમની સિદ્ધિને સ્વીકારાઈ પણ ખરાં. તેમની એ સંઘર્ષકથા પરથી બોલિવૂડમાં 'એક ડોક્ટર કી મોત' નામે ફિલ્મ બની હતી. દરમિયાન કનુપ્રિયા પોતે પણ હવે તો માતા બની ચૂકી છે. 

જાન્યુઆરી ૧૯૭૯ - પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન 
નાગરિકો કોઈ પ્રજાહિતના પ્રશ્નને કોર્ટમાં પીઆઈએલ એટલે કે પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે જાહેર હિતની અરજી કરી શકે છે. એ અરજીની પ્રથા ૧૯૭૯માં શરૃ થઈ હતી. કપિલા હિંગોરાની નામના મહિલા વકીલે બિહારની મુઝફ્ફરપુરની જેલમાં દયનીય હાલતમાં સજા કાપી રહેલા કેદીઓનો પ્રશ્ન કોર્ટમાં ઉપસ્થિત કર્યો હતો. મહત્ત્વનો મુદ્દો એટલો જ હતો કે હિંગોરાની કે તેમના પતિ કેસ સાથે સંકળાયેલા ન હતા, છતાં તેમણે કોર્ટમાં અરજી કરી. ગુજરાતી જજ પી.એન.ભગવતી સહિતના જજોએ હિંગોરાનીની થર્ડ પાર્ટી અરજી ધ્યાનમાં લીધી અને એ રીતે પીઆઈએલની શરૃઆત થઈ. 

૧૦ ડિસેમ્બર, ૧૯૭૯ - આઝાદી પછી પ્રથમ નોબેલ 
૧૯ વર્ષની વયે યુરોપના મેસોડેનિયા દેશથી ભારત આવીને સ્થિર થયેલા સાધ્વી મધર ટેરેસાને ૧૯૭૯માં શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. ભારતની આઝાદી પછી કોઈ ભારતીયને પ્રથમવાર એ સન્માન મળ્યું હતું. મિશનરી દ્વારા ગરીબ, રક્તપિતના દરદી, એઈડ્સ, ટીબી વગેરે ઘાતક રોગોના દરદીની સેવા માટે મધર ટેરેસાની પસંદગી થઈ હતી. અત્યારે મધર ટેરેસાની સંસ્થા ૧૩૩ દેશોમાં ૪૫૦૦ સિસ્ટર્ર્સની મદદથી સામાજિક કાર્યો કરે છે. ૧૯૯૮માં અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રમાં તો ૨૦૧૪માં કૈલાસ સત્યાર્થીને શાંતિનું નોબેલ પણ મળ્યું છે. જ્યારે પરદેશમાં રહેતા ભારતીયો હરગોવિંદ ખુરાના, સુબ્રમણ્યમ ચંદ્રશેખર અને વેંકટ રામાક્રિષ્નન પણ નોબેલ લોરિએટેસ છે. 

જુલાઈ ૧૮, ૧૯૮૦ : રોકેટ લોન્ચિંગ વ્હિકલ બનાવ્યું 
ભારતે ઉપગ્રહ તો બનાવી લીધો પણ લોન્ચ કરવા પારકે પાદર જવાનું હતું. ભારત પાસે ઉપગ્રહ લોન્ચ કરી શકે એવું રોકેટ એટલે કે લોન્ચિંગ વ્હિકલ ન હતું. દસેક વર્ષથી સાવ મર્યાદિત સાધનો વચ્ચે ભારતના ડો.અબ્દુલ કલામ સહિતના વિજ્ઞાનીઓ રોકેટ મેકિંગની કામગીરી કરી રહ્યાં હતા. ભારતે અગાઉ રોકેટ બનાવ્યા ન હતા, જ્યારે જે દેશો રોકેટ બનાવી જાણતા હતા એ રોકેટ આપવા તૈયાર ન હતા. એટલે પછી ભારતના વિજ્ઞાનીઓએ પોતાની રીતે જ રોકેટ તૈયાર કર્યું અને ઉપગ્રહ લોન્ચ પણ કરી બતાવ્યો. ૧૯૮૦માં ભારતે ભારતના રોકેટ વડે ભારતનો જ ઉપગ્રહ રોહિણી-૧ ભ્રમણકક્ષામાં મૂકી આપ્યો હતો. એ પછી તો હવે ભારતને પીએસએલવી રોકેટની ૧૦૦ ઉપગ્રહ એક સાથે લોન્ચ કરતાં પણ આવડી ગયું છે. તો વળી સમાનવ અવકાશયાત્રા માટે જીએસએલવી પણ તૈયાર થઈ રહ્યું છે. 

૧૯૮૧ - ક્રેડિટ કાર્ડની શરૂઆત થઈ 
 અત્યારે ખરીદી કરવા માટે ખિસ્સામાં પૈસા ન હોય તો પણ કંઈ ગનીમત નહીં. કેમ કે ખિસ્સામાં કાર્ડ હોય ને! કાર્ડ એટલે કે ક્રેડિટ કાર્ડ. અત્યારે પ્લાસ્ટીક મની તરીકે વધુ જાણીતા ક્રેડિટ કાર્ડની ભારતમાં બોલબાલા છે. તેની શરૃઆત ૧૯૮૧માં 'સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા'એ કરી હતી. પછી બીજી બેન્કો પણ તેને અનુસરી. જો ગ્રાહકો સાવચેત ન રહે તો પહેલા કાર્ડ પધરાવી દેવામાં અને પછી તેના દ્વારા ખર્ચો કરાવવામાં ભારતની બેન્કોએ મહારત હાંસલ કરી લીધી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો