બુધવાર, 9 મે, 2018

1857ની ક્રાંતિના ચિત્રો ચરોતરની દીવાલ પર આજે પણ સચવાયેલા છે!


- શું હતો દેશની પહેલી ક્રાંતિમાં ગુજરાતનો રોલ...

૧૮૫૭ની ક્રાંતિની શરૃઆત મે મહિનાની દસમી તારીખે મીરઠ છાવણી ખાતેથી થઈ હતી. અહીંના ૮૫ સૈનિકોએ નવી દાખલ થયેલી એનફિલ્ડ રાઈફલને હાથ લગાવવાની ના પાડી હતી. કે તેમાં ગાય અને ડુક્કરનું માંસ વપરાતુ હતુ.

હિન્દુ-મુસ્લિમ સૈનિકો માટે એ બન્ને ચીજોને હાથ લગાવવો પાપ કરવા બરાબર હતું. માટે સૈનિકોએ ના પાડી અને તેમને કાનૂન પ્રમાણે દસ દસ વર્ષની સજા ફટકારી દેવાઈ. એ સાથે જ સૈનિકોનો રોષ ફાટી નીકળ્યો અને ત્યાં જ કેટલાક અંગ્રેજ અધિકારીઓના માથા વાઢી લેવાયા હતા. એ પછી ક્રાંતિની જ્વાળા ઠેર ઠેર ફેલાઈ હતી.

દાહોદમાં ૫૦૦ ભીલની સેનાએ અંગ્રેજોને હંફાવ્યા હતા: વૃક્ષની ડાળી દ્વારા ગુપ્ત સંદેશા અપાતા હતા: તાત્યાને અંગ્રેજો આજીવન પકડી શક્યા ન હતા.

ક્રાંતિ વખતે અંગ્રેજ લશ્કર ભરી બંદૂકે એક ગામથી બીજે ગામ પરેડ કરતું. લોકોને કનડતા અને ખેતરોમા લૂંટફાંટ કરતા. એ બધી વાતોની નોંધ કઈ રીતે રાખવી? ઈતિહાસ સાચવવાની એક પદ્ધતિ ભીંતચિત્રો પણ છે. એટલે જે કંઈ પણ બન્યું એ દીવાલ પર ચિત્ર સ્વરૃપે ચીતરી લેવાયું હતુ. બધા ચિત્રો સચવાયા નથી, પરંતુ તો પણ ચરોતરના વડતાલ સહિત અનેક ગામોની દીવાલો પર ઈતિહાસ અણનમ ઉભો છે. પ્રદીપ ઝવેરી અને કનુ પટેલે આ બધા ચિત્રોને જતનપૂર્વક ગ્રંથસ્થ પણ કર્યા છે.

ગાયના લોહીની અફવા

અત્યારની જેમ ૧૮૫૭ની ક્રાંતિમાં પણ ગૌમાંસના લાલ રંગે લોકોની લાગણી ભડકાવી હતી. એ વખતે ગુજરાતમાંથી થેલામાં ભરીને મીઠું રાજપુતાના સુધી લઈ જવાતુ હતું. એક થેલામાં મીઠું ભરતા પહેલા સિંદુર ભરેલો હતો. માટે મીઠું તેના રંગે લાલ થયું.

જોનારાઓને એવુ લાગ્યુ કે ધર્મભ્રષ્ટ કરવા નીકળેલા અંગ્રેજોએ હિન્દુઓની લાગણી દુભાવવા માટે ગાયનું લોહી મીઠાં પર છાંટયુ છે. એ અફવા ગુજરાતના ઘણા ભાગોમાં ફેલાઈ અને તેના કારણે લોકોનો અંગ્રેજો સામે રોષ પણ વધ્યો હતો.

હેંગ ટીલ ધ ડેથ

અંગ્રેજોએ આખા દેશમાં ક્રાંતિકારીઓને ફાંસી આપવાનો આકરો રસ્તો અપનાવ્યો હતો. અમદાવાદ-ધોળકા માર્ગ પર આવેલી તાજપુર ચોકડી પાસે સાત બંડખોર પૈકી બે માર્યા ગયા, પાંચ તાબે થયા. અંગ્રેજોએ એ પાંચેયને ફાંસી આપી દીધી હતી. અમદાવાદમાં ગ્રેનેડિયર ટુકડીએ અંગ્રેજો સામે ચળવળ શરૃ કરી હતી. કુલ ૨૧ સૈનિકો હતા. તેમાંથી પાંચને તોપગોળે દેવાયા હતા, ત્રણને બંદૂકે વીંધી નખાયા હતા બાકીના ૧૩ને ફાંસી અપાઈ હતી.

સંદેશાની ગુપ્ત આપ-લે

અંગ્રેજોને ખબર ન પડે એટલા માટે ગુજરાતમાં ઘણા સ્થળોએ વૃક્ષની ડાળખીનો ઉપયોગ કરીને સંદેશાનો પ્રસાર કરવામાં આવતો હતો. ફેબુ્રઆરી ૧૮૫૭માં ઉત્તર ભારતમાં 'રોટી (ચપાતી) ચળવળ' નામની રહસ્યમ ઘટના શરૃ થઈ હતી. લોકો કોઈ કારણ વગર રોટી બનાવી બીજા ગામે વહેંચતા હતા.
હકીકતે એ ક્રાંતિકારીઓની સાંકેતિક ભાષા હતી. રોટી એ લડતનું પ્રતીક હતી. રોટી એક ગામેથી બીજા ગામે લઈ જનારા લોકો હકીકતે તો ગુપ્ત સંદેશાની હેરફેર કરતાં હતા. અંગ્રેજો રોટીને કારણે બરાબર ગોટે ચડયા હતા. ડો.ગિલ્બર્ટ હેડો નામના અંગ્રેજે પોતાની બહેનને લખેલા પત્રમાં લખ્યું હતુ કે 'અહીં વિચિત્ર કહી શકાય એવી ચપાતી મુવમેન્ટ શરૃ થઈ છે. કોઈને ખબર નથી તેની પાછળનો ઉદ્દેશ શું છે અને ક્યાંથી તેનો પ્રારંભ થયો છે!'

ખંડેરાવને પદભ્રષ્ટ કરીશું?

ગાયકવાડ સ્ટેટના રાજા ખંડેરાવ બ્રિટિશરોના તરફદાર હતા. માટે અમદાવાદમાં ક્રાંતકારી ગોવિંદરાવ (બાપુ) ગાયકવાડના ઘરે રણનીતિ પણ ઘડાઈ હતી. પરંતુ એ આયોજન અંતિમ તબક્કા સુધી પહોંચે એ પહેલા જ માહિતી લીક થઈ ગઈ હતી અને અચાનક હુમલો કરીને આયોજકોને પકડી લેવામાં આવ્યા હતા. બાકી તો ક્રાંતિકારીઓએ અમદાવાદ તાબે કરીને વડોદરા કૂચ કરવાનું નક્કી કર્યું હતુ.

ચરોતરમાં ખાનપુરના ઠાકોર જીવાભાઈ અને આણંદના મુખી ગરબડદાસ હરિદાસની જુગલબંધીએ ફિરંગી સેનાને ઘણો સમય સુધી હંફાવી હતી. બાદમાં ગરબડમુખી પકડાયા ત્યારે અંગ્રેજોએ તેમને કાળાપાણીની સજા માટે આંદામાન મોકલી દીધા હતા અને ત્યાં જ તેમનું અવસાન થયું હતુ.

ગુજરાતમાં તાત્યાની સેના

ગુજરાતના ક્રાંતિકારીઓ પાસેથી તાત્યા ટોપેને ઘણી આશા હતી. માટે તેઓ દક્ષિણના માર્ગે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. અંગ્રેજોનો પ્રયાસ એવો હતો કે કોઈ પણ રીતે તાત્યા નર્મદા નદી ઓળંગવા ન જોઈએ. પરંતુ અંગ્રેજોના લાખ પ્રયાસો અને હજારો સૈનિકોનો પહેરો તાત્યાને ગુજરાતમાં પ્રવેશતા અટકાવી શક્યા ન હતા.

અંગ્રેજોએ એક રાતે 'તાત્યા'ને પકડીને ફાંસી આપી દીધી હતી. પરંતુ થોડા સમય પછી અંગ્રેજોને ખબર પડી કે ફાંસી અપાઈ એ વ્યક્તિ બીજો કોઈ હતો! તાત્યા આજીવન અંગ્રેજોના હાથમાં આવ્યા જ ન હતા.

અંગ્રેજ કિલ્લા પર ક્રાંતિનો ધ્વજ

દાહોદના બોરડી ગામના ચુનીલાલ રાયજી દેસાઈએ સાથીદારો સાથે મળીને અંગ્રેજોને હંફાવવા ૫૦૦ ભીલોની સેના તૈયાર કરી હતી. દાહોદના કિલ્લામાં રહેલા અંગ્રેજોને આ સેનાએ બહારથી કેદ કરી દીધા હતા અને ચાર દિવસ સુધી અંદર પુરી રાખ્યા હતા.

એ દરમિયાન કિલ્લા પર અંગ્રેજોને બદલે ક્રાંતિકારીઓનો ધ્વજ ફરકતો રહ્યો હતો. બાદમાં અંગ્રેજોએ લડવૈયા પૈકી ૧૪ને ફાંસીની સજા જાહેર કરી હતી. એ લડતમાં કેટલીક બહેનોએ પણ ભાગ લીધો હતો. જેમ કે નીમુબેન જમનાદાસ દેસાઈને તો માત્ર ૧૪ વર્ષની વયે જ ક્રાંતિમાં ભાગ લેવા બદલ જેલમાં મોકલી દેવાયા હતા.

ગુજરાતમાં અનેક સ્થળોએ ક્રાંતિની અસર થઈ હતી અને મોટે પાયે લોકો અંગ્રેજો સામે રસ્તા પર ઉતરી આવ્યાં હતા. સૌથી વધુ સક્રિયતા મહિ નદીના કાંઠે થઈ હતી. ઈડર પાસે આવેલા મંટેડી અને ઈડર રાજ્ય વચ્ચે દસેક મહિના ખટરાગ ચાલ્યો હતો.


ઈડરને અંગ્રેજોનો સાથ હતો એટલે આખરે મંટેડીએ શરણાગતી સ્વીકારવી પડી હતી. ગોધરા, દક્ષિણ ગુજરાત, રેવા નદીના કાંઠે, સૂંથ રાજ્ય, ઓખામાં વાઘેરો.. એમ વિવિધ સ્થળે ક્રાંતિની લડાઈ જોવા મળી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો