રવિવાર, 14 એપ્રિલ, 2019


રામના મંદિર સર્વત્ર પરંતુ લક્ષ્મણજીના મંદિર બે જ: જેમાનું એક ભાવનગરમાં
 
મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામચન્દ્રના દેશભરમાં અસંખ્ય મંદિરો આવેલા છે જયારે તેમના લઘુબંધુ લક્ષ્મણજીના મંદિર ભારત દેશમાં ફકત બે જ સ્થળોએ આવેલા છે. જેમાં એક મંદિર તામીલનાડુમાં તેમજ બીજુ મંદિર ભાવનગર શહેરના વડવા દેવજી ભગતની ધર્મશાળા ખાતે આવેલ છે. જયાં તા. 14.04ને રવિવારે રામનવમીના પર્વે જન્મોત્સવના હરખભેર વધામણા કરવામાં આવશે.

ભગવાન શ્રીરામચન્દ્રજીના જન્મોત્સવની તા. 14.04ને રવિવારે પરંપરાગત રીતે ભાવનગર સહિત દેશભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ચોતરફ મોટી સંખ્યામાં ભગવાન શ્રીરામચન્દ્રના મંદિરો આવેલા છે. ભારત દેશમાં બીજા ક્રમના ગણાતા આ લક્ષ્મણજીના મંદિરના ગૌરવવંતા ઈતિહાસની પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરની સ્થાપનાના થોડા વર્ષ બાદ 247 વર્ષ પૂર્વે શહેરના ભગાતળાવ નજીક ભગતની શેરી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા દશાશ્રીમાળી વણિક લખુભાઈના ઘેર એક પુત્ર દેવજીનો જન્મ થયો હતો.

પૂર્વ જન્મના સંસ્કારે નાનપણથી જ તેમનું મન સાધુ સંતોની સંગતમાં રંગાઈ ગયુ હતુ દરમિયાન નાળિયેરના એક વેપારીના દરિયામાં અટવાયેલા વહાણો ભગતની દયાથી પાછા મળતા તેઓએ યાત્રાળુઓનો મોટો સંઘ અને ભાવનગરનો ગામધુમાડો બંધ રાખેલ ત્યારે પાણી માટે  વાવ ખોદાવતા જમીનમાંથી માતા અન્નપુર્ણા અને લક્ષ્મણજી સહિત અન્ય દેવતાઓની મૂર્તિઓ મળી આવતા તેનું સ્થાપન કરાયુ હતુ. ત્યારથી મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામચન્દ્રજીના લઘુબંધુ લક્ષ્મણજી તેમના આરાધ્યદેવ બની ગયા હતા અને ભગવાનની આરાધના અને સેવા તેમનો જીવનમંત્ર બની ગયો હતો.  દરમિયાન ૧૮૫૮માં રામનવમીના પર્વે ધર્મપ્રેમી રાજવી વખતસિંહજીએ આ મંદિર અને ધર્મશાળાના મકાનનું સ્વહસ્તે લોકાર્પણ કરેલ. તેવો દસ્તાવેજ સચવાયો છે. દેવજી ભગતના પરમ કૃપાપાત્ર શિષ્ય સાધુ રઘુનાથજીના કાર્યકાળમાં આ સ્થળે અનેકવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ ધમધમતી હતી.

આ દેવજી ભગતની જગ્યા (ધર્મશાળા)માં ગુરૃ પરંપરાના આઠમાં સંત રૃગનાથદાસજીબાપુ એ પરંપરાના આગ્રહી છતાં નવુ કરવામાં પણ સદાય અગ્રેસર હોય આબાલવૃધ્ધ સેવક સમુદાયમાં જ નહિ પણ સંતો અને મહંતોના સમુદાયમાં પણ સર્વપ્રિય હતા. તેઓએ આજથી 225 વર્ષ પૂર્વે ઉગમણી બાજુએ બનાવેલા માટીના જીર્ણ થયેલા મંદિરના સ્થાને અત્યારનું ઉત્તરાદાબાનું સર્વાંગ સુંદર મંદિર બનાવી તમામ દેવી દેવતાઓની પુન પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. આ માટે જે તે વખતે નગરના શ્રેષ્ઠીઓના સહકાર અને સહયોગથી સંત મોરારીબાપુએ 108 પોથીઓ સાથેની રામકથા કરાવી જુના મંદિરના સ્થાને આજથી બરાબર ૨૨૫ વર્ષ પુર્વે નવુ મંદિર બનાવાયુ હતુ.હાલ જયા પ્રાચીન મૂર્તિઓની પણ નીત્ય સેવાપૂજા થાય છે આ ધર્મસ્થાનકમાં તમામ ધાર્મિક તહેવારો ઉજવાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો