રવિવાર, 31 માર્ચ, 2019

ગુજરાતની શૂટર ઈલાવેનિલની ગોલ્ડન સફળતા : ભારતને વધુ ચાર સુવર્ણ ચંદ્રક

 


- એશિયન એરગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં સફળતાનો સિલસિલો જારી

- દિવ્યાંશ પનવરે ૧૦ મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીત્યો


ગુજરાતની શૂટર ઈલાવેનિલ વાલારિવને એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં વધુ સફળતા મેળવતા મહિલાઓની ૧૦ મીટરની એર રાઈફલ વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટ એમ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે ભારતના ૧૭ વર્ષીય શૂટર દિવ્યાંશ પનવરે મેન્સની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. દિવ્યાંશની સફળતાને પરીણામે ભારતને મેન્સ ટીમ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. આમ તાઈપેઈમાં ચાલી રહેલી એશિયન એરગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતે વધુ ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.
આ સાથે એશિયન એર ગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના ૧૬ મેડલમાંથી ૧૦ તો ગોલ્ડ છે. ઉપરાંત ભારતીય શૂટરોએ ૪ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. 
૧૯ વર્ષની ઈલાવેનિલે આ જ ટુર્નામેન્ટમાં અગાઉ સિલ્વર મેડલ મેળવ્યો હતો. જે પછી તેણે આજે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ૨૫૦.૫ પોઈન્ટના સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. આ ઈવેન્ટમાં તાઈપેઈની તાઈ યિંગ-શિને ૨૫૦.૨ના સ્કોર સાથે સિલ્વર મેડલથી સંતોષ માન્યો હતો. ઈલાવેનિલને માત્ર ૦.૩ પોઈન્ટના અંતરથી ગોલ્ડ મેડલ મળ્યો હતો. સાઉથ કોરિયાની પાર્ક  ૨૨૯.૧ના સ્કોર સાથે ત્રીજા ક્રમે રહી હતી. જોકે ભારતની અપૂર્વી ચંદેલા અને મેઘના સજ્જનાર ફાઈનલમા પ્રવેશવા છતાં મેડલ જીતી શક્યા નહતા. જોકે ઈલાવેનિલ, અપૂર્વી અને મેઘનાની ત્રિપુટી ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીતી હતી. 
મેન્સ ઈવેન્ટમાં ભારતના ૧૭ વર્ષના દિવ્યાંશે  ૨૪૯.૭ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સાઉથ કોરિયાના કિમ ડાઝિનને ૨૪૭.૪ પોઈન્ટ સાથે સિલ્વર અને તેના જ દેશના શિન મિન્કીને ૨૨૫.૫ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. જ્યારે દિવ્યાંશની સાથે રવિ કુમાર અને દીપક કુમારની ભારતીય મેન્સ ટીમને પણ સુવર્ણચંદ્રક મળ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો