બુધવાર, 11 એપ્રિલ, 2018


ભારતની સ્વતંત્રતામાં સશસ્ત્ર ક્રાંતિકારીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા : મોહન ભાગવત

- સરદારસિંહ રાણાની વેબસાઇટના લોન્ચિંગમાં RSSના સરસંઘચાલકનું ઉદ્બોધન
- ગોળી- પિસ્તોલવાળા તમામ લોકોને એક ત્રાજવે તોલવા જોઇએ નહીં, દેશકાળની પરિસ્થિતિ મુજબ કાર્ય કરવું પડ
સ્વ. સરદારસિંહ રાણાએ કોઇ અંગત સ્વાર્થ વિના દેશ માટે જીવન સમર્પિત કર્યું હતું. ભારતને માત્ર એક માધ્યમથી જ સ્વતંત્રતા મળી છે તેમ કહેવું સહેજપણ યોગ્ય નથી. સત્ય ક્યારેકને ક્યારેયક છાપરે ચડીને બોલે જ છે. સશસ્ત્રચારીઓએ પણ ભારતની સ્વતંત્રતામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. શસ્ત્રચારના માર્ગમાં જે લોકો હતા તેમની પણ સંખ્યા ઓછી નહોતી અને તેઓ ભારતના ખૂણે-ખૂણે હતા તેમ રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે આજે અમદાવાદ ખાતે ક્રાંતિવીર સરદારસિંહ રાણાની વેબસાઇટ લોન્ચિંગના સમારોહમાં જણાવ્યું છે.

અમદાવાદમાં પંડીત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આજે ભારતની સ્વતંત્રતામાં મહત્વનું યોગદાન આપનારા સરદારસિંહ રાણાની વેબસાઇટ www.sardarsinhrana.com નું મોહનરાવ ભાગવત દ્વારા  લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મોહનરાવ ભાગવતે જણાવ્યું હતું કે, 'આપણે સ્વતંત્રતા મેળવી છે ત્યારે હવે સ્વતંત્રતા મેળવવાથી શું પ્રાપ્ત કર્યું તે પણ વિચારવાનું છે. અગાઉ એમ જ માનવામાં આવતું કે આપણા તમામ દુ:ખનું મૂળ અંગ્રેજો જ છે. પરંતુ માત્ર અંગ્રેજોના જવાથી આપણા દુ:ખ દૂર થવાના નથી તેમ લોકો ધીરે-ધીરે અનુભવતા થયા છે.

આપણે ભારતને વિશ્વને નેતૃત્વ પૂરું પાડતું રાષ્ટ્ર બનાવીશું તો જ આપણું જીવન સુખી બનશે. ક્રાંતિવીર સરદારસિંહ રાણાની વેબસાઇટની શરૃઆત કરવી તે પ્રસંગ પુણ્ય સ્મરણ સમાન છે. ભારતની સ્વતંત્રતા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્ય કર્યું છે તેમના સ્મરણથી રાષ્ટ્રભાવનાની ચોક્કસ વૃદ્ધિ થશે. ૧૮૫૭ના સ્વતંત્ર સંગ્રામ બાદ ભારતના ભાગ્યોદયનું કાર્ય પૂરજોશમાં થયું હતું. આઝાદી માટેની લક્ષ્યાંક એક હતું પરંતુ તે રાજનૈતિક, સામાજીક સુધારા, મૂળ તરફ પાછા ફરીને પોતાના વિચાર તરફ આગળ વધીને અને છેલ્લે સશસ્ત્ર ક્રાંતિ કે શસ્ત્રાચાર એમ ચાર માર્ગ દ્વારા સિદ્ધ થયું છે.

આજે શરૃ કરાયેલી વેબસાઇટ દ્વારા ક્રાંતિકારીઓ કેવા હતા તેમના મિજાજનો પરિચય થાય છે. ગોળી, પિસ્તોલવાળા તમામ લોકોને એક ત્રાજવે તોલવા જોઇએ નહીં. દેશકાળની પરિસ્થિતિ મુજબ  કાર્ય કરવું પડતું હોય છે. દેશ માટે કઇ રીતે જીવવું તેના માટે સ્વ. સરદારસિંહ રાણાનું જીવન પ્રેરણા સમાન છે. તેમણે દેશ માટે જીવન સમર્પિત કર્યું હતું પરંતુ તેમનામાં અહંકાર નહોતો. આજે લોકો ત્રણ મહિના દેખાડો કરવા માટે સારું કામ કરીને સરકાર સમક્ષ તામ્રપત્ર માટે દાવેદારી નોંધાવે છે. સ્વ. સરદારસિંહ રાણાનું એકમાત્ર લક્ષ્યાંક નિ:સ્વાર્થ ભાવના સાથે દેશ હિતનું હતું. અંગ્રેજો સામે આઝાદીની લડત વખતે વિદેશમાં રહીને સશસ્ત્ર ક્રાંતિ માટે સંખ્યાબંધ ક્રાંતિકારીઓને સરદારસિંહ રાણાએ તૈયાર કર્યા હતા. '  

આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલમેયર ગૌતમ શાહ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ રાણા, દિગ્વિજયસિંહ રાણા, પ્રતાપસિંહ રાણા, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, આઇ.કે.જાડેજા, જયંતિ ભાડેસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું કે, 'ઘણા લોકો સરદારસિંહના યોગદાનથી અજાણ છે, તેમના માટે આ વેબસાઇટ ખૂબ જ ઉપયોગી રહેશે. પોતાના જીવનકાળના લગભગ ૫૦ વર્ષ ભારત બહાર રહીને દેશની આઝાદી માટે લડત ચલાવવી તે અસાધારણ કાર્ય છે. '

૧૯૦૭માં જર્મનીમાં ફરકાવાયેલો તિરંગો રજૂ કરાયો

આજે વેબસાઇટ લોન્ચિંગના સમારોહ દરમિયાન ૧૯૦૭માં જર્મનીમાં મેડમ કામાએ સરદારસિંહ રાણા સાથે જે સૌપ્રથમ તિરંગો બનાવીને ફરકાવ્યો હતો તેના ત્રણ સેટમાંથી એક તિરંગો પણ વિશેષ આકર્ષણ તરીકે મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરદારસિંહ રાણા ક્રાંતિકારી ચળવણના અનસંગ હીરો છે. શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ કામા સાથે મળીને તેમણે ક્રાંતિકારી ચળવળ શરૃ કરી હતી. ભારતમાં બોમ્બ, પિસ્તોલની ક્રાંતિ માટે આ ત્રિપુટીનો મોટો ફાળો હતો. તેમના દ્વારા શરૃ કરાયેલી સ્કોલરશીપ યોજનાનો વીર સાવરકર સહિત અનેક લોકોએ લાભ મેળવ્યો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો