શુક્રવાર, 19 એપ્રિલ, 2019

બળદગાડુ તૂટયા બાદ હનુમાનજીની મૂર્તિ ટસની મસ ન થતા અહીં જ સ્થાપના થઈ

 

- 100 વર્ષ પુરાણા પાઘડીવાળા સંકટમોચન

- ખેરગામ નજીકના રૂમલા ગામે મંદિરમાં દર શનિવારે રાતે ત્રણ કલાક નિયમિત ભજનો ગવાય છે


ખેરગામ સમીપના રૂમલા ગામે સો વર્ષથી વધુ પુરાણા પાઘડીવાળા સંકટ મોચન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થશે. લોકવાયકા મુજબ, બળદગાડામાં હનુમાનજીની અને અન્ય મૂર્તિઓ લઈ જતા હતા ત્યારે આ મંદિરની જગ્યાએ બળદગાડાનો આક તૂટી જતા મૂર્તિઓને ઉંચકીને બીજા બળદગાડામાં મુકવા માટે અનેક પ્રયત્નો થયા પણ આ સંકટ મોચન મૂર્તિ ટસની મસ ન થતા ભક્તોએ આ જ જગ્યાએ સવાસો એક વર્ષ પહેલા નાનકડુ મંદિર બનાવેલ અને તેની ભક્તિભાવથી પૂજા - અર્ચના કરતા આવ્યા છે.
રૂમલા ગામના ગ્રામજનોએ ભેગા થઈ આ મંદિરનો તા. ૨-૬-૧૯૯૨ ના દિને પુનર્નિર્માણ કરી ભગવાન શિવ-પાર્વતી અને રામ-લક્ષ્મણ-જાનકીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ મનાવ્યો. અગ્રણીઓની દેખરેખથી આ મંદિર સંકુલ સુંદર બનાવાયું છે, જેમાં શિવજીની તામ્રવર્ણી ઘણી ઉંચી પ્રતિમા પણ મુકાયેલી છે.
દર શનિવારે રાત્રે ત્રણ કલાકના નિયમિત ભજનો ગવાય છે. શ્રાવણમાં પહેલા સાત દિવસની ને હવે ત્રણ દિવસીય ભજન સપ્તાહ થાય છે. જેમાં ગામની ૧૯ થી વધુ ભજન મંડળીઓ ઉત્સાહથી ભજનો ગવાય છે.
ગુજરાતમાં અને કદાચ દેશમાં પણ પાઘડીવાળા હનુમાનજીનું એકમાત્ર સ્થાનક રૂમલા ગામમાં જ છે, જેનું સત્ હોય દક્ષિણ ગુજરાતમાંથી બજરંગ બલીના ભક્તો દર્શન કરવા પૂજા-અર્ચન માટે આવે છે અને દાન પ્રવાહ પણ વહાવડાવે છે. હનુમાન જયંતિ નિમિત્તે શુક્રવારે સવારે ૧૧ થી વધુ દંપતિઓ યજ્ઞામાં ભાગ લેશે. મહા આરતી થશે અને ત્યારબાદ સેંકડો હનુમાન ભક્તો મહાપ્રસાદ લેશે. સાંજે ભક્તિસંગીતની રંગત જામશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો