શુક્રવાર, 19 એપ્રિલ, 2019

આજે વર્લ્ડ હેરિટેજ ડે


 
આજે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવશે, પરંતુ હેરિટેજ સંબંધિત જાણકારી છે, ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યા બાદ પણ પોળ વિસ્તારમાં રહેલા કેટલાક લોકોને આજે પણ તેમનું મકાન હેરિટેજ દરજ્જો ધરાવે છે તેવી જાણકારી નથી. વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યા બાદ શહેરમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસ વધારો થયો છે પરંતુ આજે પણ હેરિટેજ વૉકમાં કેટલાક એવા સ્થાપત્યો છે. જેને હેરિટેજ વૉકમાં સ્થાન આપવામાં આવતું નથી. જેના કારણે સામાન્ય લોકો હેરિટેજની સંપૂર્ણ જાણકારી મેળવવામાં અસમર્થ રહે છે. ઉપરાંત હેરિટેજ સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા કેટલાક લોકોનું માનવું છે કે વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જા પછી હેરિટેજ દર્શન વ્યાપાર બન્યું છે.
જૂના સમયમાં અમદાવાદ કાપડ, કિનખાબ અને ગળીના ઉદ્યોગ માટે જાણીતું હતું, અહીંની કલા-કારીગરી જગવિખ્યાત હતી અને કિનખાબની માગ પરદેશમાં પણ રહેતી હતી.
વેપાર કરવાની છૂટ મેળવવા માટે મોગલ સમ્રાટ સમક્ષ રજૂઆત કરવા આવેલા વલંદાઓના પ્રતિનિધિ સર ટોમસરોએ પણ અમદાવાદમાં નિવાસ કરેલો અને ફુવારા પાસે 'વલંદાની હવેલી'ના નામે જાણીતી મોટી ઇમારત હતી, જે પડી જવાથી નાશ પામી છે.
૧૯૪૬ સુધી બીજા વિશ્વયુદ્ધના કારણે પેટ્રોલની તંગી હતી અને ૧૯૪૭માં જ્યારે શહેરમાં બસ સેવા શરૃ થઇ ત્યારે પણ પેટ્રોલ મર્યાદિત જથ્થામાં મળતું હોવાથી, પ્રથમ ખાનગી બસોમાં કોલ-ગેસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શહેરીજનોને સસ્તા દરે મુસાફરીની સવલત આપવા માટે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશની સૌપ્રથમ સરકારી બસ સેવાની શરૃઆત કરી હતી.
શહેરની પોળમાં ૨૨૩૬ હેરિટેજ મકાનો, ૪૪૯ મંદિર - મસ્જિદ - દરવાજાઓ આવેલા છે. જેને જોવા માટે વિદેશી પ્રવાસીઓની સરેરાશ વાર્ષિક સંખ્યા ૧.૩૮ લાખ છે. જ્યારે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા ૭૪ લાખ જેટલી છે.
શહેરની આસપાસ હેરિટેજ સ્થાપત્યોમાં સમાવેશ કરી શકાય તેવી ૨૦ જેટલી વાવ આવેલી છે, પરંતુ પાંચ જેટલી વાવ સિવાય મોટાભાગની વાવની હાલત કફોડી છે. વાવનું સંવર્ધન યોગ્ય રીતે કરવામાં આવતું નથી, ઉપરાંત લોકોમાં જાગૃતિ ન હોવાથી વાવનો ઉપયોગ ડમ્પયાર્ડ તરીકે કરે છે.
ગુજરાત વર્નાક્યુલકર સોસાયટી દ્વારા ૧૮૫૦ અને ૧૮૫૧માં ત્રણ કન્યાશાળાઓ શરૃ થઇ હતી, અને ૧૮૭૦માં ફિમેલ ટ્રેનિંગ કોલેજ શરૃ થઇ હતી.
કર્ણાવતી નગરની સ્થાપના ૧૦૯૪માં થઇ હતી. તે પહેલા શહેરનું નામ આશાપલ્લી હતું. આશાપલ્લી નામ આશા ભીલ પરથી રખાયું હોવાની વાયકા છે.
૧૯૫૬નાં દુષ્કાળમાં માત્ર અમદાવાદ શહેરના જ ૩૨,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા, જેથી તેને છપ્પનીયોકાળ તરીકે પણ ઓળખાય છે.
૧૬૧૮માં શહેનશાહ જહાંગીરના માતા જોધાબાઇ અને અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વહાણો અંગ્રેજ વેપારીઓ અને ચાંચિયાઓએ લૂટયાં હતાં.


દમણનો જૂના પુર્તગીઝ ફોર્ટ અને ચર્ચ અત્યારે પણ પર્યટકોને આકર્ષિત કરે છે

દમણ એટલે એવી પર્યટન જગ્યા કે જ્યાં વર્ષે દહાડે અનેક પ્રવાસીઓ મુલાકાતે આવે છે.દમણમાં આવેલી અનેક ઐતિહાસિક જગ્યાઓ પર્યટકોને અહીં ખેંચી લાવે છે. દમણનો જૂના પુર્તગીઝ ફોર્ટ અને ચર્ચ અત્યારે પણ પર્યટકોને આકર્ષિત કરે છે. સાથે પુર્તગીઝોનો કિલ્લો કે જેની ચારે બાજુ ફરી શકાય છે. આ કિલ્લા પરથી મોટી અને નાની દમણને નિહાળી શકાય છે. કિલ્લા પર આવેલી પુર્તગીઝ સમયની તોપ અત્યારે પણ છે. આ સાથે 450 વર્ષ જૂની દમણ નગરપાલિકાને જોવા માટે દેશ વિદેશથી પર્યટકો આવે છે. વર્લ્ડ હેરિટેજ ડે દિવસે પ્રવાસન સ્થળ દમણમાં આવેલી અનેક હેરિટેજ સાઈટોને નિહાળવા જેવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો