મંગળવાર, 29 જાન્યુઆરી, 2019

છોડવું હોય તેને છોડતાં કોણ રોકે છે ? ખોટ્ટાં બહાનાં કર્યે કેમ ચાલે ભૈ ?
Image result for gandhi
-     ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
-     નક્કી તો દરેકે પોતે કરવાનું હોય છે કે શું પસંદ કરવું, શુભ યા અશુભ, આરોગ્યદાયક ચીજ કે બીમારીને આમંત્રણ ?

આજે ૨૯ જાન્યુઆરી. આવતી કાલે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ. ત્રીસ જાન્યુઆરી. ગાંધીજી વિશે મબલખ લખાયું છે અને વંચાયું પણ છે. એવો એક કિસ્સો યાદ આવે છે. 

એક માતા પોતાના સાત આઠ વર્ષના બાળકને લઇને આવી અને બાપુને ફરિયાદ કરી કે આ છોકરો ગોળ બહુ ખાય છે. બહુ સમજાવ્યો પરંતુ માનતો નથી. 
બાપુએ એક સપ્તાહ પછી આવવાની વિનંતી કરી. એક સપ્તાહ પછી પેલી માતા બાળકને લઇને આવી ત્યારે બાપુએ વહાલ વર્ષાવતાં પેલા ટાબરિયાને કહ્યું, હવેથી ગોળ નહીં ખાતો હં કે.. પેલી માતા નવાઇ પામી. બાપુ આટલું તો તમે ગયા અઠવાડિયે પણ કહી શક્યા હોત. ના, બાપુએ કહ્યંુ, એ સમયે હું પોતે ગોળ ખાતો હતો. પહેલાં મેં છોડી જોયો. જાતઅનુભવે સમજ્યા બાદ એને કહ્યું. હવે એ જરૂર માનશે.
હજુ કેટલાક રસપ્રદ આંકડા આ સંદેશામાં છે. આપણને સૌને રસ પડે અને પ્રોત્સાહક થઇ પડે એવા આ આંકડા છે. શુદ્ધ ઘીનો કિલોનો ભાવ છે ૬૦૦ રૂપિયા. એની સામે તમાકુનો ભાવ છે કિલોના ૧૭૦૦ રૂપિયા. આમ આદમી શુદ્ધી ઘીના વિકલ્પ રૂપે તમાકુ પસંદ કરીને આરોગ્યને જોખમાવે છે. ગાય કે ભેંસનું દૂધ પચાસથી સાઠ રૂપિયે લિટર મળે છે. બીજી બાજુ દેશી વિદેશી શરાબનો લિટરનો  ભાવ સાડા છસોથી સાતસો રૂપિયા છે. અહીં લઠ્ઠા કે ગટરિયા દારુની વાત નથી, બ્રાન્ડેડ શરાબની વાત છે એે ધ્યાનમાં રહે. 
એક બહુ જાણીતું વાક્ય છે- એન એપલ અ ડે કીપ્સ ડૉક્ટર અવે. રોજ એક સફરજન ખાઓ તો સાજા સારા રહો, ડૉક્ટરની જરૂર ન પડે. સફરજનનો ભાવ છે કિલોએ સોથી સવાસો રૂપિયા. એની સામે સુગંધી સોપારીનો ભાવ છે કિલોના છસો રૂપિયા. 
બજારમાં આંટો મારો તો જાણવા મળે કે સફરજન કરતાં સડેલી અને સુગંધ તથા સેકેરિન ઉમેરવાથી મીઠ્ઠી લાગતી સોપારી વધુ વેચાય છે. આ તો માત્ર ચાર પાંચ દાખલા છે. આવી બીજી ઘણી વિગતો રોજબરોજના જીવનમાં નોંધી શકાય. એક તરફ છે તંદુરસ્તી, બીજી તરફ છે ડૉક્ટર અને દવાઓનાં તગડાં બિલ. 
એક પલ્લામાં છે સ્વાસ્થ્ય અને બીજામાં છે સ્વાસ્થ્ય સામે ખતરો. ગંભીર માંદગી. નક્કી તો દરેકે પોતે કરવાનું હોય છે કે શું પસંદ કરવું, શુભ યા અશુભ, આરોગ્યદાયક ચીજ કે બીમારીને આમંત્રણ ? વિચારજો અને તમને ગમે તો અમલમાં મૂકજો. ગાંધી બાપુને તમારો નિર્ણય ગમે એવો નિર્ણય લેજો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો