ગુરુવાર, 21 ડિસેમ્બર, 2017

વર્લ્ડ યુથ ચેસ ઓલિમ્પિયાડમાં ભારતને સિલ્વર


- રશિયા ચેમ્પિયન : ઈરાન ત્રીજા ક્રમે

ઈન્ડિયા ગ્રીન ટીમે અમદાવાદમાં યોજાયેલા વર્લ્ડ યુથ અંડર-૧૬ ચેસ ઓલિમ્પિયાડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. રશિયાને ગોલ્ડ અને ઈરાનને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. કર્ણાવતી કલબમાં રમાયેલી ૨૫ દેશોની વર્લ્ડ યુથ ચેસ ઓલિમ્પિયાડ ચેમ્પિયનશીપમાં ભારતે ત્રણ ટીમોને સ્પર્ધામાં ઉતારી હતી, જેમાંથી ઈન્ડિયા-ગ્રીન બીજા ક્રમે રહી હતી, જ્યારે ઈન્ડિયા રેડને પાંચમું સ્થાન મળ્યું હતુ અને ઈન્ડિયા બ્લુ ૧૩માં ક્રમે રહી હતી.

નવમા અને આખરી રાઉન્ડમાં ઈન્ડિયા ગ્રીને ૩.૫-૧.૫થી કઝાખ્સ્તાનને પરાજય આપ્યો હતો. ઈન્ડિયા ગ્રીન તરફથી આર.પ્રગ્ગનાનાન્ધાએ કાઝીબૅક નોગેરબેક સામેની બાજી ડ્રો કરી હતી. જો કે ભારતના નિતિન સરિન, પી. ઈનિયન અને આર. વૈશાલીએ જીતની હેટ્રિક સર્જતાં ઈન્ડિયા ગ્રીને વિજય મેળવતા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ઈરાને આખરી મુકાબલામાં ૪-૦થી બેલારુસને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

જ્યારે આઠમાં રાઉન્ડના અંતે જ ટાઈટલ નિશ્ચિત કરી ચૂકેલા રશિયાને ઈન્ડિયા રેડે આખરી રાઉન્ડમાં ૨.૫-૧.૫થી અણધાર્યો પરાજય આપ્યો હતો.

એવોર્ડ સમારંભમાં ચેસની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફિડેના વાઈસ પ્રેસિડેન્ટ ડીવી સુધીર, ઓલ ઈન્ડિયા ફેડરેશનના સેક્રેટરી ભરત સિંહ ચૌહાણ, ગુજરાજ સ્ટેટ ચેસ એસોસિએશનના અજય પટેલ અને સેક્રેટરી ભાવેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો