મંગળવાર, 12 માર્ચ, 2019

DRDOએ તૈયાર કરેલી ખાસ પ્રકારની દવા જવાનો માટે વરદાનરૂપ બનશે

 

- પુલવામા હુમલા પછી DRDOની ટીમને મહત્ત્વની સફળતા

- દુર્ગમ વિસ્તારમાંથી ઘાયલ જવાનને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સમય લાગશે તો પણ નવી દવા તેનો જીવ બચાવશે : DRDO

 
 DRDOએ એક મહત્વપૂર્ણ સંશોધન કરવામાં સફળતા મેળવી છે. કોમ્બેટ કેઝ્યુઆલિટી ડ્રગ્સ નામની નવી દવા ઘાયલ જવાનો માટે વરદાનરૃપ બનશે. આ દવા ઘામાંથી લોહી નીકળતું અટકાવશે એટલે હોસ્પિટલમાં પહોંચતા વાર લાગશે તો પણ ઘાયલ સૈનિકોનો જીવ બચાવી શકાશે.
ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની લેબોરેટરીમાં એક ક્રાંતિકારી શોધ થઈ છે. કોમ્બેટ કેઝ્યુઆલિટી ડ્રગ્સ નામની આ દવાથી પુલવામા જેવા હુમલા વખતે ઘાયલ જવાનોને નવજીવન આપી શકાશે. ઘાયલ જવાનોના શરીરમાંથી લોહીનો પ્રવાહ વહી જતો હોવાથી દુર્ગમ વિસ્તારમાંથી હોસ્પિટલ સુધી પહોંચતા સુધીમાં જ સ્થિતિ ગંભીર થઈ જતી હોય છે.
તે કારણે સૈનિકનો જીવ બચાવી શકાતો નથી, પરંતુ  DRDOના દાવા પ્રમાણે આ દવાથી ઘાયલ સૈનિકોના શરીરમાંથી નીકળતું લોહી અટકાવી શકાશે અને તે કારણે હોસ્પિટલે પહોંચવામાં સમય લાગશે તો પણ તેનું જીવનું જોખમ ઘટાડી શકાશે. આ શોધ ઊંચાઈવાળા સ્થળોએ ફરજ બજાવતી વખતે ઘાયલ થયેલા સૈનિકોને, પુલવામા જેવાં આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા સૈનિકોને કે પછી નક્સલીઓ સામે જંગે ચડેલા જવાનોને દુર્ગમ જંગલમાંથી હોસ્પિટલમાં પહોંચાડતી વખતે મદદરૃપ બનશે.
ઘાયલ જવાનો રીઝતા ઘાના કારણે ગણતરીની કલાકોમાં જીવ ખોઈ દે છે. પરંતુ આ દવાથી મેડિકલની પરિભાષામાં જેને ગોલ્ડન કલાકો કહેવાય છે એમાં વધારો કરી શકાશે. મતલબ કે ઘાયલ સૈનિકોનો નાજુક સમય વધારશે અને ત્યાં સુધીમાં તેમને હોસ્પિટલોના નિષ્ણાત ડોક્ટરોની મદદ મળી જશે.
રીસર્ચ લેબોરેટરીના સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે આ દવાનો ફર્સ્ટ એડમાં સમાવેશ કરાશે અને લશ્કરી છાવણીઓ સુધી પહોંચાડાશે. ડીફેન્સ સેક્ટર માટે તાત્કાલિક આ દવાનું ઉત્પાદન થશે. અત્યારે ઘાયલ સૈનિકોમાંથી ૯૦ ટકા સૈનિકો થોડી કલાકોમાં જ દમ તોડી દે છે, પરંતુ લેબોરેટરીના સંશોધકોના દાવા પ્રમાણે આ દવા ફર્સ્ટ એડમાં સામેલ થશે પછી કેઝ્આલિટીને ૭૦ ટકા સુધી ઘટાડી શકાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો