મંગળવાર, 12 માર્ચ, 2019

રાષ્ટ્રપતિએ 47 પ્રેરણાદાયી હસ્તિઓનું પદ્મ પુરસ્કારથી સન્માન કર્યું

- ભારત રત્ન બાદ પદ્મવિભૂષણ બીજા ક્રમનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર
- રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પુરસ્કારો એનાયત કરાયા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પસંદગી પામેલી ૧૧૨ પૈકીની ૪૭ પ્રેરણાદાયી હસ્તિનું પદ્મ પુરસ્કારથી સન્માન કર્યું. દેશના સર્વોચ્ય નાગરિક સન્માનમાં સમાવિષ્ટ પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં એનાયત કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૪૭ પ્રેરણાદાયી હસ્તિઓનું પદ્મ પુરસ્કારથી સન્માન કર્યું હતું અને બાકીના ૬૫ લોકોનું સન્માન આગામી ૧૬મી માર્ચે યોજાનારા કાર્યક્રમમાં કરવામાં આવે તેવી શક્યતા છે.
કબડ્ડી ખેલાડી અજય ઠાકુર, આનંદન શિવમણિ, પહેલવાન બજરંગ પુણિયા, ગાયક અને સંગીત નિર્દેશક શંકર મહાદેવન, અભિનેતા પ્રભુ દેવા, ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ, ભારતીય ગ્રાન્ડ માસ્ટર હરિકા દ્રોણાવલ્લી અને પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરનું પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. 
અભિનેતા મોહનલાલ, અકાલી દળના નેતા સુખદેવસિંહ ઢીંડસા અને  બિહારના નેતા હુકુમ નારાયણ દેવને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરનું મરણોપરાંત પદ્મભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું અને નૈયર તરફથી આ સન્માન તેમના પત્નીએ ગ્રહણ કર્યું હતું. આ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત અનેક મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારે ૨૫મી જાન્યુઆરીએ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર માટે નામની જાહેરાત કરી હતી. 
પદ્મવિભૂષણ એ ભારત રત્ન પછીના બીજા ક્રમનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર છે. 
લોક કલાકાર તીજન બાઈ, જિબુતીના રાષ્ટ્રપતિ ઈસ્માઈલ ઉમર ગુલેહ, લાર્સન એન્ડ ટુબ્રોના ચેરપર્સન અનિલકુમાર મણિભાઈ નાઈક તથા લેખક-થિએટર કલાકાર બલવંત મોરેશ્વર પુરંદરેનું પદ્મવિભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું. પદ્મ પુરસ્કાર માટે નામાંકિત થયેલી હસ્તિઓમાં ૨૧ મહિલાઓ, ૧૧ વિદેશી/અનિવાસી ભારતીયો/ભારતીય મૂળના લોકો /ભારતના ઓવરસીઝ નાગરિક તથા એક ટ્રાન્સજેન્ડર છે. વધુમાં ત્રણ પ્રેરણાદાયી હસ્તિનું મરણોપરાંત પદ્મ પુરસ્કારથી સન્માન થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો