બુધવાર, 20 માર્ચ, 2019

ટેસ્ટ ઈતિહાસના 142 વર્ષમાં પ્રથમવાર ક્રિકેટરો નામ-નંબરવાળી ટીશર્ટ પહેરશે

 

- એશિઝથી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે

- ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ ટેસ્ટ સિરીઝથી નિયમ અમલી : ખેલાડીઓ ૧થી ૯૯ નંબરમાંથી કોઈ પણ નંબર પસંદ કરી શકશે


ક્રિકેટના સૌથી જૂના અને લાંબા ફોર્મેટ તરીકે ઓળખાતા ટેસ્ટ ક્રિકેટમાં સમયની સાથે પરિવર્તન થવા જઈ રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટના ૧૪૨ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ક્રિકેટરોે તેમની ટીશર્ટની પાછળ તેમના નામ અને પસંદગીના નંબરો લખવાની છુટ આપવામાં આવી છે. આઇસીસીએ ટેસ્ટ ચેમ્પિયનશીપના પ્રારંભ અગાઉ આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓને તેમના નામ અને નંબર વાળી ટીશર્ટ પહેરવાની પરવાનગી આપી છે અને આ નવી શરૃઆત ઓગસ્ટમાં રમાનારી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝથી થશે, જે આઇસીસીની ટેસ્ટ ચેમ્પિયનશીપની સૌપ્રથમ સિરીઝ હશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ અત્યાર સુધી રમાતી પરંપરાગત દ્વિપક્ષિય ક્રિકેટ સિરીઝને ભેગી કરીને એક ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાડવા જઈ રહી છે અને આ ચેમ્પિયનશીપ અંતર્ગત દરેક સિરીઝના પરીણામને આધારે બંને ટીમોને પોઈન્ટ્સ અપાશે અને નિર્ધારિત સમયના અંતે સૌથી વધુ પોઈન્ટ્સ ધરાવતી ટીમને ટેસ્ટ ચેમ્પિયનશીપ વિજેતા જાહેર કરવામાં આવશે. 
ચાલુ વર્ષે ઓગસ્ટમાં રમાનારી એશિઝ ટેસ્ટ સિરીઝની ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે અને તે ૨૦૨૧માં ઈંગ્લેન્ડમાં રમાનારી ફાઈનલની સાથે પુરી થશે. બે વર્ષ ચાલનારી આ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં નવ ટીમો વચ્ચે અંદરોઅંદર મુકાબલા ખેલાશે. 
આઇસીસીએ આ નવા નિયમ પાછળનું કારણ આપતાં કહ્યું છે કે, ખેલાડીને આસાનીથી ઓળખી શકાય તે માટે અમે આ નિયમમાં ફેરફાર કર્યો છે. 
સામાન્ય રીતે અત્યાર સુધી માત્ર મર્યાદિત ઓવરની ક્રિકેટ મેચોમાં જ આવું જોવા મળતું હતુ. જોકે ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્યિયનશીપમાં ખેલાડીઓ ચાર દિવસની મેચોમાં તેમના નામ અને નંબર વાળી ટીશર્ટ પહેરતા હતા.
જોકે ઈ.સ. ૧૮૭૭માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં રમાયેલી સૌપ્રથમ ટેસ્ટમાં ખેલાડીઓ સફેદ કપડાં પહેરીને રમવા ઉતર્યા હતા, તેના કારણે આજ દિન સુધી ટેસ્ટ ક્રિકેટ માત્ર સફેદ કપડાંમાં જ રમાતું આવ્યું છે. ખેલાડીઓ ૧ થી લઈને ૯૯ સુધીમાં કોઈ પણ નંબર પસંદ કરી શકશે. 
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે તારીખ ૧ ઓગસ્ટથી એજબેસ્ટોનમાં એશિઝ ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે અને આ સિરીઝમાં પાંચ ટેસ્ટ મેચ રમાશે. છેલ્લે રમાયેલી એશિઝ ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ ૦-૪થી હાર્યું હતુ અને હવે તેઓ એશિઝ પાછી જીતવાની કોશીશ કરશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો