સોમવાર, 19 નવેમ્બર, 2018


સુરતનું સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ એટલે ગોપી તળાવ

 
તાપી ના કિનારે વસેલું સુરત શહેર જે એક એતિહાસિક શહેર છે. જેમાં ઘણી હેરિટેજ જગ્યાઓ છે. જે આજે પણ હયાત છે. લોકો તેના પરથી સુરત નો ઇતિહાસ અને સુરતના મહત્વ જાણી શકે છે. સુરતની ખૂબસૂરતીમાં વધારો કરતું કિલ્લા બાદ મહત્વનું સ્થળ ગોપી તળાવ છે. સુરતના સૌથી ઐતિહાસિક એક માત્ર તળાવ તરીકે ગોપીતળાવને સ્થાન મળ્યું છે. આજે આ તળાવ ને નવેસરથી બાંધી ને લોકો માટે એક ફરવાના સ્થાન તરીકે ડેવલોપ કરવામાં આવ્યું છે.
ગોપીતળાવ ઈ. સ. 1510ની આસપાસ સુરતના ગવર્નર મલેક ગોપીએ બંધાવ્યું હતું. તળાવનો વિસ્તાર અઠ્ઠાવન એકર જેટલો હતો. તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતા, જેમાંથી તેર બાજુએ તળિયા સુધી પહોંચી શકે તેવાં પગથિયાં વગરનો ઢાળ હતો.
તળાવમા શિવમંદિર બાંધવામાં આવ્યું હતું, આ મંદિર સુધી પહોંચવા માટે ખાસ હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાએ ગોપીતળાવને ફરી એક વાર ઐતિહાસિક રૂપ આપવા કમર કસી હતી. આખરે આ તળાવ તૈયાર થઇ ગયું અને સુરતને નવું નજરાણું મળ્યું છે.
સમગ્ર સુરતને એક સમયે જે તળાવમાંથી પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. તે તળાવ મૃતપ્રાય અવસ્થામાં પહોચી ગયું હતું. પરંતુ તેના સુંદર રીનોવેશને તેના ઐતિહાસિક મુલ્યોમાં વધારો કર્યો હતો. અને તેમાં પણ કલા ઉત્સવના સંગીતમય કાર્યક્રમો અને રંગબેરંગી રોશનીએ ગોપી તળાવની સુંદરતામાં ચાર ચાંદ ઉમેર્યા હતા.
ગોપીકલા ઉત્સવ સમયે ગોપીતળાવમાં પ્રવેશ માટે ટિકિટ લેવી પડે છે. જેથી લોકો આ ઉત્સવનો આનંદ માણી શકે. કલા ઉત્સવ દરમિયાન સાંજના સમયે ખાસ સ્ટેજ શોનું આયોજન કરવામા આવે છે. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પોતાના ક્રૃતિઓ રજુ કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી ગોપીતળાવમાં દર ડિસેમ્બરમાં ગોપી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો