મંગળવાર, 29 જાન્યુઆરી, 2019


123 વર્ષ જુના ઉદવાડા રેલવે સ્ટેશનને રૂ.20 કરોડના ખર્ચે હેરિટેજ લુક અપાશે

 

- નવા આધુનિક બિલ્ડીંગમાં પારસીના ઘરોમાં જેવું નકશી કામ હોય તેવું કામ કરાશે

- ઇમારતમાં વપરાનાર લાકડા અને ટાઇલ્સ પણ હેરિટેજ સ્ટાઇલમાં હશે

- એસી અને નોન એસી વેઇટીંગ રૂમ સહિતની અત્યાધુનિક સુવિધા ઉભી કરાશે : ૩૦ એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક 

ઉદવાડાને હેરિટેજ પર્યટન સ્થળ તરીકે જાહેર કરાયા બાદ હવે રેલવે વિભાગ દ્વારા ૧૨૩ વર્ષ જૂના ઉદવાડાના રેલવે સ્ટેશનને ૨૦ કરોડના ખર્ચે હેરિટેજ લુક આપી કાયાપલટ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. પ્લેટફોમ નં. ૧ ની લંબાઇમાં વધારો કરવાની સાથે અત્યાધુનિક બિલ્ડિંગમાં અનેક સુવિધા સાથે પારસી ઘરોમાં જે પ્રકારના નકશી કામ કરાયું છે, તે મુજબ જ નકશી કામગીરી હાથ ધરાઇ છે.
ઉદવાડા ગામે આવેલી પારસીઓના જાજરમાન ઇતિહાસની ધરોહર સમી પારસી અગિયારીમાં વાર-તહેવારે ભારત સહિત વિદેશી પારસીઓ આવે છે. રમણીય દરિયા કિનારે વસેલા ઉદવાડા ગામનો પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવા કેન્દ્ર સરકારે ઉદવાડાનો હેરિટેજ પર્યટન સ્થળની યાદીમાં સમાવેશ કર્યો હતો. ભાજપના સાંસદ એવા કેન્દ્રીાય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગામને દત્તક પણ લીધું હતું. હવે રેલવે વિભાગે ૧૨૩ વર્ષ જૂના રેલવે સ્ટેશનને પણ હેરિટેજ લુક આપવાનું નક્કી કરી રૂ.૨૦ કરોડના ખચેઁ સ્ટેશનની કાયાપલટ કરવાની કામગીરી હાથ ધરી છે. 
જે અંતર્ગત પ્લેટફોમ નં.૧ની લંબાઇ ૧૯ કોચના બદલે ૨૬ કોચ સુધી કરવાની તેમજ અત્યાધુનિક બિલ્ડિંગમાં એસી અને નોન એસી વેઇટીંગ રૂમ , ઓફિસ , ટિકીટ બારી સહિતની સુવિધાઓ ઉભી કરાશે. આ ઉપરાંત પ્લેટફાોમ પર શેડ, મુસાફરોને બેસવા માટે બાકડા હેરિટેજ સ્ટાઇલમાં બનાવાશે. નવા આધુનિક બિલ્ડિંગનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં પારસી ઘરોમાં જે નકશી કામ હોય છે તે પ્રકારનું નકશી કામ કરવામાં આવશે. ઇમારતમાં ઉપયોગમાં લેવાનાર લાકડા અને ટાઇલ્સ પણ ખાસ હેરિટેજ સ્ટાઈલમાં પસંદ કરાશે. જેને કારણે દરેક પારસીઓને પોતાના ઘરે આવ્યા હોવાનો એહસાસ કરાવશે. 

એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ ઉપર આવાગમન માટે નવો ફુટ ઓવર બ્રીજ બનાવવામાં આવશે. હેરિટેજ સ્ટેશનને લુક આપવાની કામગીરી ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. રેલવે સ્ટેશનને પણ હેરિટેજ રેલવે સ્ટેશન જાહેર કરતા પશ્વિમ રેલવે ડિવિઝનમાં ઉદવાડા હેરિટેજ રેલવે સ્ટેશનનું એક નવું છોગું  છે.


બ્રિટનના કિંગ જ્યોર્જના નામ પરથી માતાએ નામ રાખ્યુ હતુ, જાણો જ્યોર્જ ફર્નાન્ડિઝના જીવન અંગે


 Image result for george fernandes
દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝનુ 88 વર્ષે નિધન થયુ છે.જ્યોર્જ ફર્નાન્ડિઝની કેરિયર અનેક ઉતાર ચઢાવોથી ભરેલી રહી હતી.
તેમનો જન્મ 3 જૂન, 1930ના રોજ મેંગ્લોરમાં જોન ફર્નાન્ડિઝને ત્યાં થયો હતો.તેઓ પોતાના 6 ભાઈ બહેનોમાં સૌથી મોટા હતા.તેમની માતા બ્રિટનના રાજા કિંગ જોર્જ-5ની પ્રશંસક હતી અને તેના કારણે તેમણે જ્યોર્જ નામ રાખ્યુ હતુ.કિંગ જ્યોર્જનો જન્મ પણ 3 જૂનના રોજ જ થયો હતો.જ્યોર્જ ફર્નાન્ડિઝ 10 ભાષાઓના જાણકાર હતા એવુ કહેવાય છે.
જ્યોર્જના પિતા તેમને વકીલ બનાવવા માંગતા હતા.જોકે જ્યોર્જને તેમાં સ્હેજ પણ રસ નહોતો.તેમને એક તબક્કે પરિવારજનોએ ક્રિશ્ચિયન મિશનરીમાં પાદરી બનવા માટે પણ મોકલ્યા હતા.જોકે તેમણે ચર્ચ છોડીને મુંબઈની વાટ પકડી હતી.મુંબઈમાં તેમણે ટ્રેડ યુનિયનના આંદોલનોમાં ભાગ લેવાનુ શરુ કર્યુ હતુ.1974માં તેમણે દેશવ્યાપી હડતાળનુ નેતૃત્વ કર્યુ હતુ.
જેલમાં રહીને તેમણે મુઝ્ઝફરપુરમાંથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.ઈમરજન્સીમાં તેઓ સરકારની સામે પડ્યા હતા અને તેમની ધરપકડ પણ થઈ હતી.
1977માં ઈમજન્સી પુરી થયા બાદ પહેલી વખત જેલમાં રહીને મુઝ્ઝફરનગરમાંથી જ્યોર્જ ફર્નાન્ડિઝ ચૂંટણી જીતીને નવ વખત સાંસદ બન્યા હતા.
મોરારજીના નેતૃત્વમાં બનેલી જનતા સરકારમાં તેમને ઉદ્યોગમંત્રીનુ પદ મળ્યુ હતુ.તેમણે સંખ્યાબંધ વિદેશી કંપનીઓ સામે તે વખતે કાર્યવાહી કરી હતી અને તેના કાણે કોકાકોલા તેમજ આઈબીએમ જેવી કંપનીઓને ભારત છોડી દીધુ હતુ.
જનતા પાર્ટીમાં પડેલા ભંગાણ બાદ તેમણે સમતા પાર્ટી સ્થાપી હતી.જ્યારે પૂર્વ વડાપ્રધાન વાજપેયીની સરકારમાં રક્ષામંત્રી તરીકે પરમાણુ પરીક્ષણમાં તેમનુ યોગદાન રહ્યુ હતુ.જોકે તેમના કાર્યકાળ દરમિયાન સેનાના કોફિન ગોટાળામાં તેમનુ નામ ઉછળ્યુ હતુ.જોકે બાદમાં અદાલતે તેમને ક્લીન ચીટ આપી હતી.
જ્યોર્જ ફર્નાન્ડિઝ 2009માં મુઝ્ઝફરનગરમાંથી ચૂંટણી લડ્યા હતા.આ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી.એ પછી તેઓ રાજ્યસભામાં સાંસદ બન્યા હતા.
1971માં તેમણે તત્કાલીન કેન્દ્રીય મંત્રી હુમાયુ કબીરની પુત્રી લેલા કબીર સાથે લગ્ન કર્યા હતા.જોકે બંનેના લગ્ન જીવનમાં 1984માં ભંગાણ પડ્યુ હતુ.જોકે 25 વર્ષ બાદ લેલા કબીર ફરી જ્યોર્જની સાથે રહેવા આવ્યા હતા અને તેમની દેખભાળ કરતા હતા.

છોડવું હોય તેને છોડતાં કોણ રોકે છે ? ખોટ્ટાં બહાનાં કર્યે કેમ ચાલે ભૈ ?
Image result for gandhi
-     ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
-     નક્કી તો દરેકે પોતે કરવાનું હોય છે કે શું પસંદ કરવું, શુભ યા અશુભ, આરોગ્યદાયક ચીજ કે બીમારીને આમંત્રણ ?

આજે ૨૯ જાન્યુઆરી. આવતી કાલે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ. ત્રીસ જાન્યુઆરી. ગાંધીજી વિશે મબલખ લખાયું છે અને વંચાયું પણ છે. એવો એક કિસ્સો યાદ આવે છે. 

એક માતા પોતાના સાત આઠ વર્ષના બાળકને લઇને આવી અને બાપુને ફરિયાદ કરી કે આ છોકરો ગોળ બહુ ખાય છે. બહુ સમજાવ્યો પરંતુ માનતો નથી. 
બાપુએ એક સપ્તાહ પછી આવવાની વિનંતી કરી. એક સપ્તાહ પછી પેલી માતા બાળકને લઇને આવી ત્યારે બાપુએ વહાલ વર્ષાવતાં પેલા ટાબરિયાને કહ્યું, હવેથી ગોળ નહીં ખાતો હં કે.. પેલી માતા નવાઇ પામી. બાપુ આટલું તો તમે ગયા અઠવાડિયે પણ કહી શક્યા હોત. ના, બાપુએ કહ્યંુ, એ સમયે હું પોતે ગોળ ખાતો હતો. પહેલાં મેં છોડી જોયો. જાતઅનુભવે સમજ્યા બાદ એને કહ્યું. હવે એ જરૂર માનશે.
હજુ કેટલાક રસપ્રદ આંકડા આ સંદેશામાં છે. આપણને સૌને રસ પડે અને પ્રોત્સાહક થઇ પડે એવા આ આંકડા છે. શુદ્ધ ઘીનો કિલોનો ભાવ છે ૬૦૦ રૂપિયા. એની સામે તમાકુનો ભાવ છે કિલોના ૧૭૦૦ રૂપિયા. આમ આદમી શુદ્ધી ઘીના વિકલ્પ રૂપે તમાકુ પસંદ કરીને આરોગ્યને જોખમાવે છે. ગાય કે ભેંસનું દૂધ પચાસથી સાઠ રૂપિયે લિટર મળે છે. બીજી બાજુ દેશી વિદેશી શરાબનો લિટરનો  ભાવ સાડા છસોથી સાતસો રૂપિયા છે. અહીં લઠ્ઠા કે ગટરિયા દારુની વાત નથી, બ્રાન્ડેડ શરાબની વાત છે એે ધ્યાનમાં રહે. 
એક બહુ જાણીતું વાક્ય છે- એન એપલ અ ડે કીપ્સ ડૉક્ટર અવે. રોજ એક સફરજન ખાઓ તો સાજા સારા રહો, ડૉક્ટરની જરૂર ન પડે. સફરજનનો ભાવ છે કિલોએ સોથી સવાસો રૂપિયા. એની સામે સુગંધી સોપારીનો ભાવ છે કિલોના છસો રૂપિયા. 
બજારમાં આંટો મારો તો જાણવા મળે કે સફરજન કરતાં સડેલી અને સુગંધ તથા સેકેરિન ઉમેરવાથી મીઠ્ઠી લાગતી સોપારી વધુ વેચાય છે. આ તો માત્ર ચાર પાંચ દાખલા છે. આવી બીજી ઘણી વિગતો રોજબરોજના જીવનમાં નોંધી શકાય. એક તરફ છે તંદુરસ્તી, બીજી તરફ છે ડૉક્ટર અને દવાઓનાં તગડાં બિલ. 
એક પલ્લામાં છે સ્વાસ્થ્ય અને બીજામાં છે સ્વાસ્થ્ય સામે ખતરો. ગંભીર માંદગી. નક્કી તો દરેકે પોતે કરવાનું હોય છે કે શું પસંદ કરવું, શુભ યા અશુભ, આરોગ્યદાયક ચીજ કે બીમારીને આમંત્રણ ? વિચારજો અને તમને ગમે તો અમલમાં મૂકજો. ગાંધી બાપુને તમારો નિર્ણય ગમે એવો નિર્ણય લેજો.

રવિવાર, 27 જાન્યુઆરી, 2019

સ્વદેશી સેમી ફાસ્ટ ટ્રેન 18નું નામ વંદે ભારત એક્સપ્રેસ: એન્જીન રહિત ગાડી

Image result for swadeshi-semi-fast-train-18-name-vande-bharat-express


- તામિલનાડૂની ઇનટ્રેગ્લ કોચ ફેકટરી

- ચેન્નાઇમાં માત્ર 18 મહિનામાં રૃપિયા 97 કરોડના ખર્ચે ટ્રેન બની

ટ્રેનમાં ૧૬ કોચ, આખી ટ્રેનમાં એલઇડી લાઇટ

ભારતમાં પહેલી જ વાર બનેલી એન્જીન રહિત ટ્રેન-૧૮ને વંદે ભારત અક્સપ્રેસ નામ આપવામાં આવ્યું હતું. રેલવે મંત્રી પીયુષ ગોયલે આ જે આ અંગેની જાહેરાત કરી હતી. આ ટ્રેન દિલ્હી અને વારાણસી વચ્ચે ૧૬૦ કિમીની ઝડપે ચાલશે. વડા પ્રધાન મોદી આ ટ્રેનનું ઉદ્ધાટન કરશે. જો કે ક્યારે શરૃ કરાશે તેની તારીખ આપી નહતી. આ ટ્રેન લોકોને હાઇ સ્પીડ કનેક્ટીવીટી આપશે અને વિશ્વના અન્ય દેશોએ પણ આમાં રસ દાખવ્યો હતો. વડા પ્રધાન ચેન્નાઇમાં કહ્યું હતું કે આવી અન્ય ટ્રેનો પણ શરૃ કરાશે અને તામિલનાડૂના અનેક યુવાનોને એમાં રોજગારી મળશે.
રેલવે મંત્રી ગોયલે કહ્યું હતું કે  દેશના સામાન્ય જનતા પાસેથી અમે આ ટ્રેનના નામ મંગાવ્યા હતા જેમાં સૌથી સારૃં વંદે ભારત એક્સેપ્રેસ નામ પસંદ થયું હતું.
પ્રજાસત્તાક દિવસે દેશના લોકોને અમારી સરકારની આ ભેટ છે. અમે વડા પ્રધાનને ફલેગઓફ કરવા  વિનંતી કરી હતી.દેશમાં મેક ઇન ઇન્ડીયા હેઠળ ટી-ટ્રેન એટલે કે વંદે ભારત એક્સપ્રેસને ચેન્નાઇમાં માત્ર ૧૮ મહિનામાં બનાવવામાં આવી હતી.
ટ્રેનની ગતી માપવા તેને દિલ્હી અને આગ્રા વચ્ચે ૧૮૦કિમીની ઝડપે સીસીઆરએસની હાજરીમાં ચલાવવામાં  આવી હતી. ત્યાર પછી ૨૫ જાન્યુઆરીએ  ટ્રેનને ૧૬૦ કિમીની ઝડપે ચલાવવા માટે સીસીઆરએસ સેફટી સર્ટિફિકેટ મળ્યો હતો.
૧૬ કોચની આ ટ્રેનને એરો ડાયનેમિકના હિસાબી ડીઝાઇન કરાઇ છે.ટ્રેનમાં કોચની મોટી બારીઓ છે. તેના દરવાજા ઓટોમેટિક છે અને દિવ્યાંગો માટે ખાસ ટોયલેટની સુવિધા ઊભી કરવામાં આવી છે. દરેક કોચની નીચે મોટર લગાડવામાં આવી છે જે ટ્રેનને ચલાવે છે.
ટ્રેનના બંને છેડે ડ્રાઇવર કેબિન હોવાથી તેને વાંરવાર શંટિંગની જરૃર નહીં પડે. ટ્રેનમાં માત્ર સિટિંગ વ્યવસ્થા (ચેરકાર) જ છે. ખુરશીઓ ખાસ પ્રકારની બનાવવામાં આવી છે જેને ટ્રેન જે દિશામાં જતી હોય તે તરફ ખુરશીને વાળી શકાય છે. લાઇટિંગ વ્યવસ્થા એલઇડીની છે.

શનિવાર, 26 જાન્યુઆરી, 2019

ક્રાંતિકારી દુર્ગાભાભી ભગતસિંહને ધરપકડથી બચાવવા અંગ્રેજ મેડમ બન્યા હતા

-       એસેમ્બલીમાં બોંબ ફેંકવા જઇ રહેલા ભગતસિંહને પોતાના લોહીથી તિલક કર્યુ હતું

-       તેઓ સ્વાતંત્ર સેનાની ભગવતિ ચરણ બોહરાના ધર્મ પત્ની હતા.


ભારતને આઝાદી અપાવી પ્રજાસત્તાક બનાવવામાં અનેક મહિલાઓએ યોગદાન આપ્યું છે તેમાં સ્વાતંત્રસેનાની દુર્ગા ભાભીનો પણ મોટો ફાળો છે. સાર્ડસની હત્યા કર્યા પછી કલકત્તા મેલમાં અંગ્રેજોથી બચવા માટે અંગ્રેજ પતિ પત્ની નો વેશ ધારણ કરીને ભગતસિંહને કલકત્તા પહોંચાડયા હતા. તે હંમેશા પોતાની પાસે પિસ્તોલ રાખતા હતા. દુર્ગાભાભીનો જન્મ ૭ ઓકટોબર ૧૯૦૭માં શહજાદપુરમાં થયો હતો. તેઓ સ્વાતંત્ર સેનાની ભગવતિ ચરણ બોહરાના ધર્મ પત્ની હતા. 
ભગવતી ચરણ બોહરાના પિતા રેલવે ખાતામાં ઉચ્ચ પદ પર બિરાજમાન હતા છતાં તેઓ બ્રિટિશ સરકાર સામે લડવા માટે તૈયાર કરેલા એક ક્રાંતિકારી સંગઠનના સચિવ બન્યા હતા. દુર્ગાભાભી પણ પતિના પગલે ક્રાંતિકારીઓની મદદ માટે આગળ બહાર આવ્યા હતા. આ બંને દંપતિએ એ જમાનામાં રુપિયા ૫૦ હજાર ક્રાંતિકારીઓ માટે ખર્ચ કર્યા હતા. ઇસ ૧૯૨૬માં ભગવતિ ચરણ બોહરાએ ભગતસિંહની સાથે લોહીથી લખાયેલા કાગળ પર હસ્તાક્ષર કર્યા હતા. ભગવતી ચરણ બોહરા ૨૮ મે ૧૯૩૦ના રોજ રાવી નદીના કાંઠે તેમના સાથીઓની સાથે બોંબ બનાવી રહયા હતા બોંબના પરીક્ષણ દરમિયાન શહીદ થયા હતા. પતિની શહિદ થયા પછી દુર્ગાભાભીએ ભગતસિંહ,ચંદ્રશેખર આઝાદ જેવા શહીદોને મદદ અને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું હતું. 
૯ ઓકટોબર ૧૯૩૦ના રોજ દુર્ગાભાભીએ ગર્વનર હેલી પર ગોળીઓ છોડી જેમાં હેલી બચી ગયો પરંતુ તેનો એક સૈનિક અધિકારી ટેલર ઘાયલ થયો હતો. ત્યાર બાદ મુંબઇના પોલીસ કમિશ્નરને પણ દુર્ગાભાભીએ ગોળી મારી હતી. આથી પોલીસ આ ક્રાંતિકારી મહિલાની શોધખોળ પાછળ પડી ગઇ હતી. મુંબઇમાં એક મકાનમાંથી દુર્ગાભાભી તથા યશપાલની ધરપકડ કરવામાં આવી હતી. દુર્ગાભાભી રાજસ્થાનથી ક્રાંતિકારીઓ માટે પિસ્તોલ પુરી પાડવાની કામગીરી કરતા હતા. 
ચંદ્રશેખર આઝાદે અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વ્હોરી લીધીએ પિસ્તોલ પણ દુર્ગાભાભીએ જ લાવી આપી હતી.તેમણે પિસ્તોલ ચલાવવાની તાલિમ લાહોર અને કાનપુરમાં લીધી હતી. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે જયારે કેન્દ્રીય એસેમ્બલીમાં બોંબ ફેંકવા જઇ રહયા હતા ત્યારે પોતાના લોહીથી તિલક કર્યું હતું.
ભગતસિંહને ફાંસી અપાયા પછી દુર્ગાભાભી સાવ એકલા પડી ગયા હતા.પોતાના પાંચ વર્ષના પુત્રને લઇને અભ્યાસ માટે દિલ્હી આવ્યા જેની પોલીસને જાણ થતા લાહોર જતા રહયા હતા. પોલીસે અહી તેમની ધરપકડ કરીને ત્રણ વર્ષ સુધી નજર કેદ રાખ્યા હતા. જેલમાંથી છુટીને ૧૯૩૫માં ગાઝીયાબાદમાં પ્યારેલાલ કન્યા વિધાલયમાં નોકરી કરવા લાગ્યા હતા. ઇસ ૧૯૩૯માં મદ્રાસ જઇને મારિયા મોન્ટેસરીમાં મોટેસરી પધ્ધતિનું શિક્ષણ લઇને ૧૯૪૦માં લખનૌ કેન્ટ રોડ પાસે નજીરાબાદમાં પાંચ વિધાર્થીઓ સાથે મોન્ટેસરી શાળા ખોલી હતી જે આજે મોન્ટેસરી ઇન્ટર કોલેજના નામથી ઓળખાય છે. ૧૪ ઓકટોબર ૧૯૯૯ના રોજ ગાજીયાબાદમાં દુર્ગાભાભીનું અવસાન થયું હતું.

રેલવેતંત્ર દ્વારા ગુજરાતમાં પ્રથમ બાળ સંરક્ષણ ગૃહ અમદાવાદમાં શરૂ કરાયું

 

- રેલવે સ્ટેશન પરથી મળતા બાળકોને આશરો અપાશે

- દેશમાં આવા 6 શેલ્ટર હોમ શરૂ કરાયા છે, બાળકોને રહેવા સહિતની સુવિધા અપાશે

 
ટ્રેનો અને રેલવે સ્ટેશનોમાંથી મળી આવતા નિરાધાર બાળકોને આશ્રય આપી તેનું જતન કરવા માટે સાબરમતી રેલવે કોલોની ખાતે બાળ સંરક્ષણ ગૃહનું નિર્માણ કરાયું છે. જેમાં એકસામટા ૨૫ બાળકોના રહેવા, જમવા , સારવાર સહિતની સુવિધાઓ મળી રહેશે. દેશભરમાં રેલવેમાં આવા ફક્ત ૬ શેલ્ટર હોમ છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌપ્રથમ આવું બાળ સંરક્ષણ ગૃહ બનાવાયું છે.
ભારતીય રેલવે અને જેએસી સોસાયટીના સહયોગથી સરસપુર રેલવે કોલોની ખાતે બનાવાયેલા બાળ સંરક્ષણ ગૃહનું ગઇકાલે ઉદઘાટન કરાયું હતું. આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ બાળ સંરક્ષણ ગૃહની સાથે ચાઇલ્ડ હેલ્પ લાઇન ડેસ્કની પણ શરૂઆત કરાઇ છે.
જેમાં રેલવે સ્ટેશન તેમજ પ્લેટફોર્મ પરથી મળતા બાળકોને ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ની મદદથી અહીંયા લવાશે. જ્યાં તેમને સુરક્ષાની સાથે રહેવા, જમવા સહિતની સુવિધાઓ પુરી પડાશે.
રેલવે દ્વારા પ્રાયોગીક ધોરણે દેશમાં આવા બાળ સરંક્ષણ ગૃહ દિલ્હી, જયપુર, દાણાપુર, સમસ્તીપુર ખાતે શરૂ કરાયા છે. હવે ગુજરાતમાં અમદાવાદ ખાતે આવા શેલ્ટર હોમ શરૂ કરાયા છે. માનવતાના ધોરણે બાળકોની સુરક્ષા અને તેમના ભવિષ્યની ચિંતાને લઇને આ માનવતાલક્ષી પગલુ ભરાયું છે.

રાજકોટ સત્યાગ્રહ.. પ્રજા ઉપર દમન ગુજારાતા વર્ધાથી રાજકોટ આવ્યા'હતા પૂ. કસ્તુરબા

 

- જયારે ગાંધીજી ઉપર હૂમલો કરવા ગિરાસદારો ખુલ્લી તલવારો સાથે રાષ્ટ્રીય શાળા પહોંચ્યા હતાં

- રાજકોટ સ્ટેટ સામેના સત્યાગ્રહમાં કુલ ૧૫૫૮ વ્યક્તિઓએ વ્હોરી હતી ધરપકડ, હલેન્ડા સુધી યોજાઈ હતી કૂચ

- આઝાદીની લડતમાં વિશિષ્ટ યોગદાન ધરાવતા રાજકોટ સત્યાગ્રહને આજે ૮૦ વર્ષ પુરા થશે: રાષ્ટ્રીય શાળામાં  પુ. બાપુએ કર્યા 'તા પાંચ દિ'ના ઉપવાસ


૨૬ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન પરંતુ રાજકોટના ઈતિહાસમાં ૨૬ જાન્યુઆરી ૧૯૩૯નો દિન એ પ્રજાકીય દમન સામેનાં સત્યાગ્રહના પ્રારંભ સાથે જોડાયેલા છે. આ દિવસે રાજાશાહી અત્યાચારનાં વિરોધમાં પ્રજાકીય ચળવળ શરૂ થઈ હતી. 

આંદોલનમાં જોડાયેલા અહિંસક સેનાનીઓ ઉપર લાઠીમાર થયો હતો. ધરપકડો થઈ હતી. સત્યની લડત માટે વર્ધાથી પુ. કસ્તુરબા રાજકોટ દોડી આવ્યા હતાં. તેમની સાથે સરદાર પટેલના પુત્રી મણીબેન પણ આવ્યા હતાં. તેઓને સૌ પ્રથમ સરધારની જેલમાં અને ત્યાર પછી ત્રંબા ખાતે નજરકેદ રાખવામાં આવ્યા હતાં. 
આઝાદીના ઈતિહાસના અનેક પ્રકરણો રાજકોટ ાસથે જોડાયેલા છે પરંતુ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પ ટેલ અને ખાદી વિચારને વરેલા ઉછરંગરાય ઢેબરથી માંડીને અનેક સત્યાગ્રહીઓ માટે રાજકોટએ અહિંસક આંદોલનની પાઠશાળા તરીકે જાણીતું રહ્યું છે. અહીના અહિંસક આંદોલને જ દેશમાં સ્વતંત્રતાની લડતને મજબુતી બક્ષી હતી. આઠ દાયકા પુર્વેની ૨૬ જાન્યુઆરીની તવારીખ રાજકોટના સત્યાગ્રહ સાથે વિશિષ્ટ રીતે જોડાયેલી છે.
રાજકોટ સત્યાગ્રહની ઈતિહાસના પાના ઉપર નોંધાયેલી તવારીખ એવી છે કે રાજકોટમાં ઈ.સ. ૧૯૩૦માં પ્રજાહિત પ્રેમી રાજા લાખાજી રાજના અવસાન પછી તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા તેઓ તેમના દીવાન વીરાવાળાની પ્રબળ અસર હેઠળ હતાં. વીરાવાળા જાણે રાજયનો મનસ્વી રીતે વહીવટ કરી રહ્યાં હતાં. 

તેઓએ દીવાસળી, ખાંડ, બરફ, સિનેમાઘર વિગેરેના ઈજારા આપ્યા દાણાપીઠનું મકાન વેંચવા કાઢયું પાવર હાઉસ ગિરો મુકવાની તૈયારી કરી કાર્નિવલ નામની કંપનીને જન્માષ્ટમીમાં જુગાર રમાડવાનો પરવાનો આપી નોટી ફી વસુલી ખેડૂતો ઉપર વિવિધ કરવેરા લાગુ કર્યા હતાં. સમય દરમિયાન રાજકોટની કાપડ મિલમાં હડતાલ પાડી મજુરોએ સફળતા મેળવી હતી. 

તેથી જન આંદોલનને ચિનગારી ફૂંકવાની જ જરૂર હતી. એ સમયે રાજય સામે લડત શરૂ થઈ મેળામાં જુગારધામ  બંધ કરવા જાહેર સભા ભરાઈ પોલીસે લાઠી માર કરી સભા બંધ કરાવી કાર્યકરોએ સાંગણવા ચોકમાં આવી સભા ભરી તો ત્યાં પણ પોલીસે નેતાઓને પકડી લાઠી ચાર્જ કર્યો. આ ઘટનાના પડઘા મુંબઈ સુધી પડયા હતાં. ૧૮ ઓગષ્ટ ૧૯૩૮નાં મુંબઈમાં સરદાર પટેલે જાહેર સભામાં રાજકોટના વહીવટની ટીકા કરી લડતને આહવાન આપ્યું. 

સ્થાનિક શાસન સામે લડવા સત્યાગ્રહીઓ તૈયાર થયા. ઠેર-ઠેર સભા સરઘસ યોજાયા. ગાંધી વિચાર સરણી ધરાવતા ઉછરંગરાય ઢેબર સહિતના નેતાઓની ધરપકડ થતા આંદોલન ચાલ્યું. પ્રજામાં જાગૃતિ લાવવા રાજકોટથી ૩૭ કિ.મી. દૂર આવેલા હલેન્ડા ગામ સુધી પગવાળા કૂચ યોજાઈ સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળોએ સ્ત્રીઓ પણ સત્યાગ્રહની લડતમાં સામેલ થઈ પ્રજા જાગુ્રતિની પ્રચંડ લહેર ચારે બાજુ ફરી વળી હતી. લડતનો રંગ જામતો હતો. 

રાજકોટ સ્ટેટે કુલ ૧૫૫૮ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. દરમિયાન દેશી રાજયોને નાણાં ધીરનાર દુર્ગાપ્રસાદ દેસાઈ અને ભાવનગરના દિવાન અનંતરાય પટ્ટણીની દરમિયાનગીરીથી સરદાર પટેલ રાજકોટ આવ્યા. તેમણે સમાધાન માટે જે સમિતિના નામો સુચવ્યા તેનો ભંગ થતા તા.૨૬ જાન્યુ. ૧૯૩૯થી રાજકોટ સત્યાગ્રહનો ફરીથી પ્રારંભ થયો આ સત્યાગ્રહને દાબી દેવા માટે રાજકોટ સ્ટેટ તરફથી આકરા પગલાં લેવામાં આવ્યા. 

પ્રજાએ ઠેર-ઠેર હડતાલ પાડી કેટલાક કાર્યકરોની ધરપકડ થઈ તો કેટલાકને પકડીને ઝાડીમાં ફેંકી દેવામાં આળ્યા. કેટલાક કાર્યકરોનાં કપડા ઉતારી લેવાતા હતાં. આ  બનાવોથી વ્યથિત થઈને વર્ધાથી પુ. કસ્તુરબા ગાંધી રાજકોટ આવી પહોંચ્યા તેમની સામે સરદાર પટેલના પુત્રી મણીબહેન પટેલ પણ હતા. રાજકોટ આવતા તેમની ધરપકડ કરી સરધાર એ પછી ત્રંબામાં કેદ કરવામાં આવ્યા. જયાં કસ્તુરબાને નજરકેદ રાખવામાં આવ્યા હતાં. તે ત્રંબામાં આજે પણ કસ્તુરબા ધામ જર્જરિત હાલતમાં જોવા મળે છે.
રાજકોટ રાજયનાં અંધેરવહીવટ સામે ગાંધીજી રાજકોટ આવ્યા. તેમણે રાજયના નિમંત્રણનો અસ્વીકાર કરીને રાષ્ટ્રીય શાળામાં ઉતરવાનુ નક્કી કર્યું. રાજવીને સમજાવવાનો પ્રયાસો કર્યા. પરંતુ નિષ્ફળ ગયા. ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં પાંચ દિવસના ઉપવાસ કર્યા. છેવટે સમાધાન માટે હિંદના વડા ન્યાયધીશ સર મોરીસ ગ્વાપરના ચુકાદાને સ્વીકારવાનું નક્કી થયું. તેમણે સમાધાન સમિતિના સભ્યો માટે સરદાર પટેલને હવાલો  સોંપ્યો. 

ત્યારપછી તેઓએ જ નામ સુચવ્યા તેમાં પણ વાંધા વિરોધ થતા મંત્રણાઓ પડી ભાંગી ૧૬ એપ્રિલની સાંજે ૫૦૦થી ૬૦૦ ગિરાસદારો ખુલ્લી તલવારો સાથે સરઘસ કાઢી રાષ્ટ્રીયશાળાએ પહોંચ્યા ત્યાં ગાંધીજી ઉપર સાંય પ્રાર્થના સમયે હૂમલો કરવાની યોજના હતી. પરંતુ ગિરાસદાર એસોસોસીએશનના પ્રમુખ હરિસિંહજી ગોહિલે ગાંધીજીને ટેકો આપી મોટરમાં યજમાન નાનાલાલ જસાણીના ઘેર મોકલ્યા. 

અંતે તા.૨૪ એપ્રુલ ૧૯૩૯ના વ્યથિત  મને ગાંધીજીએ રાજકોટ છોડવાનો નિર્ણય કર્યો. કેટલાક કાર્યકરોએ આ નિર્ણયનો વિરોધ કર્યો. કેટલાક હતાશ નિરાશ થયા. પરંતુ ગાંધીજીએ હું હાર્યો છું તેમ કહી રાજકોટ છોડી દીધું આ ઐતિહાસિક પ્રકરણ આજે પણ ગાંધીજીની અહિંસક લડતના ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.