શુક્રવાર, 13 ઑક્ટોબર, 2017

દેશમાં ત્રણ વર્ષમાં ભૂખમરો વધ્યો : 'ગ્લોબલ હંગર ઈન્ડેક્સ'માં ભારત ૧૦૦મા ક્રમે



ભુખમરો ભારતમાં ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. વરસોવરસ દેશમાં ભુમખરાની સ્થિતિ વધારે વિકટ થતી જતી હોવાનો અહેવાલ વોશિંગ્ટન સ્થિત સંસ્થા ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (IFPRI)એ આપ્યો છે. આ સંસ્થા દર વર્ષે 'ગ્લોબલ હંગર ઈન્ડેક્સ' તૈયાર કરે છે. ૨૦૧૭ના ઈન્ડેક્સમાં ભારત ૧૧૯ દેશોમાંથી ૧૦૦મા ક્રમે છે. આ યાદીમાં જે દેશો પાછળ હોય તેની સ્થિતિ ગંભીર રીતે ખરાબ ગણાય છે. ભારત કરતા વધારે ભુખમરો ભોગવતા માત્ર ૧૯ દેશો જ બાકી રહ્યાં છે.


ગયા વર્ષે આઈન્ડેક્સમાં ભારત ૯૭મા ક્રમે હતો. રિપોર્ટ પ્રમાણે ભુખમરા બાબતે ભારતનો સ્કોર માત્ર ૩૧.૪ છે. એશિયામાં ભારત ત્રીજા ભાગની વસતી ધરાવે છે અને સાથે સાથે ભુખમરો ભોગવતા હોય એવા લોકોની સંખ્યા પણ ભારતમાં સૌથી વધુ છે. ભારતમાં બાળકો પાંચ વર્ષના થાય એ પહેલા જ તેમને કુપોષણનો ભોગ બનવું પડે છે. દેશના કુલ બાળકો પૈકી ૨૦ ટકા બાળકો આ રીતે કુપોષણથી પીડાઈ રહ્યાં છે.

ભારતની સ્થિતિ કેટલાક ગરીબ ગણાતા દેશો કરતાં પણ બદતર છે. રિપોર્ટ પ્રમાણે નેપાળ ૭૨મા ક્રમે છે, રોહિંગ્યા મુસલમાનોથી બદનામ થઈ રહેલો દેશ મ્યાનમાર ૭૭મા, બાંગ્લાદેશ ૮૮મા, શ્રીલંકા ૮૪માં અને ચીન ૨૯મા ક્રમે છે. ભારતના પડોશીમાં એક પાકિસ્તાનની સ્થિતિ જ વધારે ખરાબ છે. એ દેશ લિસ્ટમાં ૧૦૬મા નંબરે છે. રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ભારતની મોટી વસતીને કારણે આખો દક્ષિણ એશિયા વિસ્તાર ખરાબ કેટેગરીમાં આવી ગયો છે.

વર્ષ ૨૦૦૦ની સાલથી અત્યાર સુધીમાં વૈશ્વિક ગરીબીનું પ્રમાણ ૨૭ ટકા ઘટયું છે. છતાં પણ જગતમાં દર ૯ પૈકીની એક વ્યક્તિ ભુખમરા હેઠળ આવે છે. ભારતની વિચિત્રતા એ છે કે ભારત જગતનો સૌથી મોટો ફૂડ ઉત્પાદક દેશ છે. સામે પક્ષે ભારતમાં ભુખમરો ભોગવતા લોકોની વસતી પણ આખા જગતમાં સૌથી વધુ છે. એટલે કે સરકાર દેશમાં પેદા થતા અનાજને જરૃરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ જઈ રહી છે.


બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ભારત)માં પણ આપણો દેશ ઘણો પછાત છે. બ્રાઝિલ લિસ્ટમાં ૧૮મા ક્રમે છે, રશિયા ૨૨મા ક્રમે, ચીન ૨૯માં અને દક્ષિણ આફ્રિકા ૫૫મા ક્રમે છે. ભારત એ બધાની અનેકગણો વધારે ભુખમરો ભોગવતો દેશ સાબિત થયો છે. દુનિયાના ૧૧૯માંથી ૫૨ દેશો એવા છે, જ્યાં ભુખમરાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જણાવાયુ છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો